અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુરેન્દ્ર કડિયા

સુરેન્દ્ર કડિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(સ્યાહી નથી) - સુરેન્દ્ર કડિયા
ગઝલ - સુરેન્દ્ર કડિયા
ગઝલ - સુરેન્દ્ર કડિયા(સ્યાહી નથી) – સુરેન્દ્ર કડિયા

તું લખે છે ક્યાંય ઈલાહી નથી
દોસ્ત! તારી પેનમાં સ્યાહી નથી

ભીડ, નકરી ભીડનો સંગાથ છે
રાહમાં એકેય હમરાહી નથી

એ ગઝલનું રૂપ લઈ આવ્યા કરે
માત્ર એની કોઈ આગાહી નથી

સર્વ-અર્પણતા હકીકત દૂરની
તેં ભૂમિકા ત્યાગની ગ્રાહી નથી

તું શિખરો સર કરે પણ શી રીતે?
તેં તળેટી ચાહીને ચાહી નથી.

– સુરેન્દ્ર કડિયા

અફલાતૂન ગઝલ. બધા જ શેર ઉત્તમ. પણ છેલ્લા શેરમાં ‘ચાહી’નો શ્લેષાલંકાર તો અદભુત થયો છે.

Comments (7)

ગઝલ – સુરેન્દ્ર કડિયા

ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ

શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્

હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ

અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્

– સુરેન્દ્ર કડિયા

ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!

Comments (8)

ગઝલ – સુરેન્દ્ર કડિયા

પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.

ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.

અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.

તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.

ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી !

– સુરેન્દ્ર કડિયા

નાજૂક કલ્પનોથી સજાવેલી ગઝલ. અમે સાચવ્યો … અને તમે છાતીએ… શેર ખાસ સરસ થયા છે.

Comments (9)