આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રણયકાવ્ય

પ્રણયકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વેલેન્ટાઈન-વિશેષ :૩: પ્રેમબંધન – રાબિયા (અનુ. હિમાંશી શેલત)

ફરી એક વાર જકડાઈ છું એના પ્રેમની સાંકળે.
બંધનમુક્ત થવાનો મરણિયો પ્રયાસ
નિષ્ફળ, વ્યર્થ !
વણકેળવ્યા તોખાર જેવી હું
જાણતી નહોતી કે ખેંચતાણથી તો
મુશ્કેટાટ થાય ફાંસો !
અદૃશ્ય કાંઠાળો દરિયો
એટલે પ્રેમ.
તરીને શેં પાર જવાય, ભલા ?
પારંગત થવું પ્રેમમાં એટલે
અણગમતી વસ્તુઓને વહાલી કરવી,
કુરૂપને સુંદર પેંખવું,
પીવાનું છે ઝેર;
સમજીને કંઈક મધમીઠું ને ગળચટું…

– રાબિયા
(અનુ. હિમાંશી શેલત)

ઈરાકની મહાન કવયિત્રી રાબિયાની પ્રેમની વ્યાખ્યા કરતી આ કવિતા દરેક શબ્દ પર અટકી વિચારવા પ્રેરે છે. કવિતાની શરૂઆત ‘ફરી’ અને ‘એકવાર’ થી થાય છે જે ભાવકનું ભૂતકાળની વાતો સાથેનું અનુસંધાન નિમિષમાત્રમાં જોડી દે છે. ના, આ કંઈ પહેલીવારના મુગ્ધ પ્રેમની વાત તો નથી જ. આ વાત છે પુખ્ત પ્રણયની, પ્રણયભગ્નતાની અને પ્રણયવિવશતાની… પ્રેમ સાચો હોય તો એ તૂટતો કે છૂટતો નથી. એકવાર પ્રણયભંગ થયા હોવા છતાં કવિ પોતાની નિર્માલ્યતાની અને પ્રેમની સર્વોપરિતાની વાત કરતાં સ્વીકારે છે કે ફરી-એકવાર-જકડાઈ-છું-એના-પ્રેમની-સાંકળે. મનુષ્યની પ્રકૃતિ છે કે એ હાર સ્વીકારી શક્તો નથી. એ હારે ત્યારે બમણું રમે છે. પ્રેમની સાંકળમાંથી એકવાર કે એકથી વધુ વાર છૂટી ગયા પછી ફરી જકડાવું કવિને ગમતું નથી એટલે એ છૂટવા માટે મરણિયાં વલખાં મારે છે…

…આટલું બસ! આજ રીતે બાકીના આખા કાવ્યને આસ્વાદવાનું કાવ્ય’પ્રેમી’ઓ પર છોડી દઈ વીરમું…

Comments (11)

વેલેન્ટાઈન-વિશેષ :૨: તું – રેઇનર મારિયા રિલ્કે (અનુ. મહેશ દવે)

મારી આંખો ફોડી નાંખો : છતાંય હું જોઈ શકીશ;
મારા કાનને ભોગળ વાસી દો : છતાંય હું સાંભળી શકીશ,
તું હોય ત્યાં પગ વગર પણ હું ચાલી આવીશ
અને જીભ વગર પણ તારા અસ્તિત્વને સાદ દઈશ.
મારા હાથ કાપી નાખો :
મારા હૃદયની ઝંખનામાં
મુઠ્ઠીની જેમ તને જકડી રાખીશ,
હૃદયને બંધ કરી દો ને મારું ચિત્ત તારા ધબકાર કરશે,
અને મારા ચિત્તને બાળી મૂકશો
તો મારા લોહીમાં તું વહેતી રહેશે.

– રેઇનર મારિયા રિલ્કે
(અનુ. મહેશ દવે)

જર્મનીના મશહુર કવિ રિલ્કેની નાની છતાં બળુકી રચના. પ્રેમના ઉત્કટ ભાવને તીવ્રતાથી રજૂ કરતી આ કૃતિ ‘મારા’થી શરૂ થઈ ‘તું’ પર સમાપ્ત થાય છે. સફળ પ્રેમની લાં…બીલચ્ચ યાત્રા પણ હકીકતમાં તો ‘હું’થી ‘તું’ સુધીની જ છે ને ! આંખ-કાન-જીભ-હાથપગના રૂપમાં કવિ દૃષ્ટિ-શ્રુતિ-વાચા-સ્પર્શ એમ એક પછી એક ઈન્દ્રિયને ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે. ઈંદ્રિયાતીત થયા પછી હૃદય અને આખરે જો ચિત્તનો પણ નાશ કરવામાં આવે તોય કવિ મુસ્તાક છે પોતાના પ્રેમ પર કે મારા લોહીમાં તો તું વહેતી જ રહેશે… આ જ તો પ્રેમ છે!

Comments (5)

વેલેન્ટાઈન-વિશેષ :૧: જોડણી – કેરોલિન વેલ્સ (અનુ.: સૌરભ પારડીવાલા)

જ્યારે વીનસે કહ્યું,’ “ના” ની જોડણી મને લખી બતાવ.’
નને કાનો ‘ના’ ડેન કામદેવે હર્ષથી લખ્યું.
અને પોતાની સફળતા પર હસ્યો.
‘અરે બાળક’, વીનસે ધીમેથી હસતાં કહ્યું:
‘અમે સ્ત્રીઓ આમ જોડણી કરતાં નથી.
અમારી જોડણી આ છે : હને કાનો “હા.” ‘

– કેરોલિન વેલ્સ
અનુ. સૌરભ પારડીવાલા

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને વેલેન્ટાઈન ડે પર ગુલાબી શુભકામનાઓ… આજે આ ખાસ દિવસે દર આઠ કલાકે એક એમ કુલ ત્રણ અલગ-અલગ ભાષાના વિદેશી પ્રણય-કાવ્યોનું બિલિપત્ર આપને ખાસ ઉપહાર સ્વરૂપે મળતું રહેશે…

સ્ત્રી અને પુરુષની પ્રણયની વ્યાખ્યા અને વિભાવના સાવ અલગ હોય છે. ક્યાંક વાંચ્યું હતું, ‘A woman gives her body to get love while a man gives love to get body.’ લગભગ આ જ વાત અમેરિકન કવિ કેવી સચોટ રીતે લઈ આવે છે! પુરુષની ‘ના’ માત્ર ‘ના’ જ હોય છે જ્યારે પ્રેમમાં સ્ત્રીની તો ‘ના’ પણ ‘હા’ હોય છે…

Comments (10)