જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ક્રિસ્ટીન બર્કી-એબટ

ક્રિસ્ટીન બર્કી-એબટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તાજા શાકભાજી - ક્રિસ્ટીન બર્કી-એબટતાજા શાકભાજી – ક્રિસ્ટીન બર્કી-એબટ

સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.

પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.

એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.

જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.

– ક્રિસ્ટીન બર્કી-એબટ

શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?

Comments (5)