જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચંદ્રકાન્ત ટોપીવાળા

ચંદ્રકાન્ત ટોપીવાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અલંગ (જહાજવાડો) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

(ક્રાન્ત શિખરિણી)

જહાજો ક્યાં ક્યાંથી જરઠ ઘરડાં જીર્ણ આવી ઊભેલાં
વીતેલી વેળાનાં જલ છબછબે છીછરા કાદવોમાં
ધ્રૂજે વાંકીચૂકી વિકળ છબીઓ, મ્લાન આ ધૂંધળાશે
હવા ડ્હોળાયેલી કરચલીભર્યાં વાદળો સાવ ફિક્કાં.
પીંખાયેલું રૂ કે ગલ રખડતાં એકલાં આમતેમ?
ઊડે કોરા રેતીકણ? નહિ, ક્ષણો કાળને હાથ ચૂર્ણ!

જહાજો સંભારે સભર દરિયે વ્હેલવહેલા વહેલા
વિલાસોને, મોજે છલકી ઊઠતાં વૈભવો ને મજાને.
નવા રંગે રંગ્યા ચક ચક થતાં માળ ને કૈંક સીડીઓ
ધજાઓ લહેરાતી અરુપુરુ ઊભી કેબીનોની કતારો
પૂલો ને રેસ્ટુરાં ધમધમત થીએટરો કૉફીબારો
સુરા ને સૂરોની રમઝટ, ઝૂમે ટ્વિસ્ટ ને જૅઝનાદો.

જહાજો સ્વપ્નોની તૂટતી નીરખે ભવ્ય જાહોજલાલી!
હથોડા ટીપાતા ધસમસ ધસી આવતો ક્રેઈનફાંસો
ઘૂમે રાતી ચારેગમ અગનને ઓકતી ગૅસજ્વાલા
ઊંડું કાપે પાડે ધડ ધડૂસ કૈં પાટની પાટ ભોંયે
ઉશેટે ડાચાથી ડગડગત બુલ્ડોઝરો જે મળ્યું તે
ટ્રકો તોડ્યું ફોડ્યું સઘળું હડપે ઘૂરકે જાય આવે!

જહાજો ક્યાં? ક્યાં છે ક્ષિતિજ ભરી દેતી જહાજોની હસ્તી?
અહીં ભંગારોના ઢગઢગ ઊભા થાય ધીમેક ખાલી
ધગે ભઠ્ઠા વેરે અસહ તણખા અગ્નિના ભાંડ ભાંડે
નર્યા લાવા જેવો રસ ખદખદે ઊકળે લાલચોળ
નીકોમાં રેડાતા વહી વહી ઠરી વ્હાર ઠેલાઈ ત્યાં તો
નવી તાજ્જેતાજી ચક ચક જુઓ આવતી સ્ટીલ-પ્લેટો !

જહાજો ! યાત્રાઓ અગણિત તમે દીધી છે જોજનોની
હજારો યાત્રીને, નિતનિત નવાં બંદરો દાખવ્યાં છે!
અજાણ્યાં દૃશ્યોને નિકટ ધરીને દૂર કીધાં અદૃશ્ય
તરંગોની છોળે લખલૂટ કરાવી તમે સ્હેલગાહો!
તમે યાત્રા આજે ખુદ શરૂ કરી, જીર્ણતાને વટાવી
વટાવી ભંગારો ચક ચક નવા બંદરે નાંગર્યાં છો!

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ભાવનગર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ અલંગ વિશ્વના નક્શામાં અલગ જ સ્થાન ધરાવે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ દુનિયામાં સૌથી મોટો જહાજવાડો ગણાય છે. ચલણમાં ન હોય એવા દુનિયાભરના જહાજો તૂટવા માટે અહીં આવે છે. અલંગના જહાજવાડા ઉપર આવી કવિતા આપણી ભાષામાં તો દીવો લઈને શોધો તોય નહીં જડે.

અલંગના જહાજવાડામાં ક્યાંક્યાંથી જૂનાં જીર્ણ થયેલાં જહાજો આવી ઊભાં છે. કાંઠાના છીછરા કાદવમાં વીતેલી વેળાઓ છબછબી રહી છે. હાલકડોલક પાણીમાં જહાજોની છબી વિકળ થઈ રહી છે અને સમગ્ર વાતાવરણ આ વિનાશના નિરાશ સૂરમાં પોતાનો સૂર પૂરાવતું હોય એમ હવા અને ડહોળાયેલી લાગે છે, વાદળો સાવ ફિક્કાં લાગે છે. હવામાં પીંખાયેલ રૂ ઊડી રહ્યું છે કે સીગલ પક્ષીઓ એ કળવું અઘરું થઈ પડ્યું છે. કોરી રેતીના કણ નહીં, જાણે કાળને હાથે ચૂર્ણ થઈ ગયેલી ક્ષણો ધૂંધળી હવામાં ઊડી રહ્યા છે.

જહાજવાડે તૂટવા આવેલ જહાજોને પોતાના પહેલવહેલા વિલાસોથી લઈને આજદિન પર્યંતની સફરના નાનાવિધ મુકામો સાંભરે છે. રેસ્ટુરાં અને જૅઝનાદો જેવા ભાષાપ્રયોગ થોડા કઠે ખરા, પણ સરવાળે જહાજો પોતાના તૂટતાં સ્વપ્નોની જાહોજલાલી બિરખતાં હોવાનું દૃશ્ય સુપેરે ઉપસી આવ્યું છે. હથોદા ટિપાઈ રહ્યા છે, ક્રેઇન ફાંસો બનીને ગળાં ઝાલે છે, ગૅસજ્વાળાઓ અગન ઓકતી બધું સ્વાહા કરી રહી છે, પાટની પાટ ભોંયભેગી થઈ રહી છે અને જે બચી જાય છે એને ડગડગત ચાલતા બુલડોઝરો કોળિયો કરી રહ્યાં છે. છેવટે બધો ભંગાર એકધારી આવજા કરી રહેલી ટ્રકોમાં લાદી અન્યત્ર મોકલી દેવાય છે.

ક્ષિતિજોને ભરી-ઢાંકી દેતાં જહાજોની હસ્તી નસ્ત પામી રહી છે. ભંગારના ઢગલા ખડકાઈ રહ્યા છે. અને અગ્નિની ભઠ્ઠીઓમાં એને પીગળાવવામાં આવતાં ચકચકાટ કરતી સ્ટીલની પ્લેટો બની રહી છે. સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ સૉનેટ યાદ આવે. નવસર્જન કરવું હોય તો જૂની વસ્તુઓને તોડીને હટાવવી જ રહી.

કાવ્યાંતે કવિ તૂટી ગયેલાં-તૂટી રહેલાં જહાજોને સંબોધીને આશ્વાસન આપતાં કહે છે કે, તમે અગણિત યાત્રાઓ કરીને અગણિત યાત્રીઓને મુસાફરીઓ કરાવી છે, મંઝિલભેગા કર્યા છે. અત્યાર સુધીની યાત્રાઓ તમે અન્ય લોકો માટે કરી, પણ હવે આ જહાજવાડામાં તમારી ખુદની યાત્રાની શરૂઆત થઈ છે. જીર્ણતાને અને ભંગારોને વટાવી અગ્નિમાં તપીને તમારો આજે નવોન્મેષ થઈ રહ્યો છે અને તમે તમારી ગઈકાલ છોડીને તમારી આવતીકાલ તરફની યાત્રા પ્રારંભવા માટે ચકચક થઈને નવા બંદરે નાંગર્યા છો… કવિની દૃષ્ટિ સામાન્ય માણસોની દૃષ્ટિથી કેવી અલગ અને અદભુત હોય છે એ વાત આપણને સમજાય છે.

Comments (14)

ત્રણ પ્રતિજ્ઞાઓ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હું બુદ્ધને શરણે નહીં જાઉં
બુદ્ધ મને મારાં દુઃખોનું ભાન કરાવે છે
હું અ-બુધને શરણે જઈશ
એ મને મારા સુખનો ખ્યાલ આપશે

હું ધર્મને શરણે નહીં જાઉં
ધર્મ જાતજાતનું ભૂસું ભરી
મને ભારેખમ બનાવે છે
હું અ-ધર્મને શરણે જઈશ
એ મને હળવો ફૂલ રાખશે

હું સંઘને શરણે નહીં જાઉં
સંઘ મારી વાણીને છિનવી લેશે
હું જંગને શરણે જઈશ
જંગમાં મારું પોતાનું શસ્ત્ર, પોતાનો હોંકારો હશે.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि

બૌદ્ધ ધર્મના ત્રણ મુખ્ય સિદ્ધાંત. કવિ આ ત્રણ સિદ્ધાંતોની જમીન પર ઊભા રહીને આજના માનવની માનસિકતાનો યથાર્થ ચિતાર આપે છે.

Comments (2)

ગતિ-સ્થિતિ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

બહુ બહુ બહુ પાંખો ફરકાવી ફરકાવી ફરકાવીને
રંગો રંગો રંગો ઉડાડી ઉડાડી ઉડાડીને
ઘાસિયાં મેદાનો પર મંડરાઈ મંડરાઈ મંડરાઈને
ફૂલ ફૂલ ફૂલ પર બેસણાં કરી કરી કરીને
સુગંધોને પી પી પીને
આકંઠ ધરાઈ ધરાઈ ધરાઈને
કર્યો છે તરબોળ તરતો તરતો તરતો મારો સમય!

બહુ થયું

હું હવે ઉફરો માર્ગ લેવા ધારું છું
હું ફરી કોશેટાની ઇચ્છા રાખું છું
ફરી કોશેટામાં ભરાઈ
ફરી ઇયળ બની
અંતે
ફરી ઈંડું થઈ ફૂટી જવા ચાહું છું.
હું ગતિ નહીં, હવે સ્થિતિની શોધમાં છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

મનુષ્યનો સ્વભાવ છે કે જે મળે એની આરત મરી પરવારે. નાનાં હોઈએ ત્યારે ઝડપથી મોટા થઈ જવાનું મન હોય ને મોટા થઈ જઈએ તો ઉમર કેમ છૂપાવવી એની સમસ્યા. પોતાની થાળીમાં ગમે એટલો મીઠો લાડુ કેમ ન હોય, પારકે ભાણે જ એ મોટો લાગશે.

પતંગિયા જેવી રંગીન અને મુક્ત જિંદગીથી નાયક વાજ આવી ગયો છે. એ આ સતત ગતિમય જિંદગીના સ્થાને હવે સ્થિતિમય શાંત જીવન ઝંખે છે. પહેલી સાત પંક્તિઓમાં દસ શબ્દોને ત્રેવડાવીને કવિએ પતંગિયાની પાંખોના ફફડાટને કેવો અદભુત રીતે ચાક્ષુષ કરી આપ્યો છે! સાત-સાત પંક્તિના બે અંતરાની વચ્ચે નાનું અમથું વાક્ય -‘બહુ થયું’- જાણે મિજાગરાનું કામ કરતી હોય એમ અચાનક આ ફૂદકફૂદક ગતિને અચાનક શાંત-સ્થિર કરી દે છે. હવે કોઈશબ્દ ત્રેવડાતો નથી. આ સાત પંક્તિઓમાં ‘હું’ત્રણવાર અને ‘ફરી’ ચાર વાર આવે છે પણ હવે આ પુનરાવર્તન શાંત દૃઢોક્તિનો અહેસાસ કરાવે છે.

અને હા, આ કવિતાને જરા આડી કરીને જુઓ તો! પતંગિયાનો આકાર દેખાય છે?

Comments (3)

પક્ષીતીર્થ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ક્યારેક ખડક જ અદૃશ્ય થઇ ગયો છે.
ખડક જો દેખાયો છે તો
પગથિયાં અદૃશ્ય થઇ ગયાં છે.
પગથિયાં દેખાયાં છે તો
ખડક ચઢી શકાયો નથી.
ખડક ચઢી ગયો છું તો
અધવચ્ચે અટકી ગયો છું.
ને પાછો ઊતરી ગયો છું.
ખડક ચઢી પણ ગયો છું તો
મંદિર જડ્યું નથી.
મંદિર જડ્યું છે તો બપોર જડી નથી.
બપોર જડી છે તો કહેવાયું છે કે
હમણાં જ પંખી આવીને ઊડી ગયું…
હમણાં જ…
પંખી તો અવશ્ય આવે જ છે,
પણ હું દર વખતે પંખીને ચૂકી ગયો છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

માણસને તીર્થસ્થાનનો મોહ પહેલેથી રહ્યો છે. તીર્થસ્થાનો પર રહેલો ઈશ્વર આપણને હંમેશા વધુ નજીક લાગ્યો છે. ઘરમાં દસ ભગવાનની મૂર્તિઓ હોય તોય તીર્થસ્થાન પર જઈને ઈશ્વરની કરેલી પૂજા વધુ ફળે એ આશામાં આપણે સહુ તક મળ્યે જ તીર્થયાત્રાએ નીકળી પડીએ છીએ. મન ચંગા તો કથરોટમેં ગંગા બોલનાર પણ ગંગામાં સદેહે ન્હાઈ નહીં ત્યાં સુધી પોતાને શુદ્ધ થયેલો અનુભવતો નથી. અને માત્ર હિંદુઓ કે ભારત દેશની જ આ વાત નથી, દુનિયાના બધા દેશોમાં બધા ધર્મોમાં ધર્મસ્થાનોનું હંમેશા સ-વિશેષ મહત્ત્વ રહ્યું છે. માણસ હોંશનો માર્યો તીર્થસ્થાનોએ અવારનવાર જતો રહે છે, પણ ઈશ્વર ક્યાંય સાંપડતો નથી. કેટલાક લોકો પોતે દર વરસે વૈષ્ણવદેવી કે તિરૂપતિ અચૂક જાય છે, દર પૂનમે ડાકોર થાળ ભરવા જાય છે એવી પોતાની ધાર્મિકતાની ચરમસીમાની ડીંગ હાંકતા હોય છે, પણ એમનો ચહેરો જોતાં જ સમજી શકાય છે કે ઈશ્વર એનાથી જોજનો દૂર છે.

જો કે આ કવિતા કોઈ ધર્મતીર્થની નહીં, પક્ષીતીર્થની કવિતા છે. શીર્ષક જ વાચકને વિસ્મિત કરવા માટે પૂરતું છે. પણ ધર્મ અને પક્ષી – આ બે શબ્દોની ફેરબદલ કરીએ તો ઉપરની બધી વાત આ કવિતાને લાગુ પડે છે. પક્ષી ઉડ્ડયનનું, આઝાદીનું, સીમાહીનતાનું પ્રતિક છે. વાસ્તવનું હોય કે સ્વપ્નનું, આકાશમાં ઊડવા માટે પાંખ જરૂરી છે. ઊડવાની ઇચ્છા જ ન હોય તો ક્યાંય પહોંચી શકાતું નથી. કવિને પણ ઊડવાની ઇચ્છા છે. એ પોતાના પક્ષીનો સાક્ષાત્કાર કરવા માંગે છે. પણ જે રીતે અધૂરી આસ્થા લઈ-લઈને ગામ આખાના તીર્થસ્થાનોએ રખડતા ‘પત્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન’ પ્રકૃતિના મૂર્ખાઓ કદી ઈશ્વરને પામી શકતા નથી, એ જ રીતે કવિ આ પક્ષી સાથે રૂ-બ-રૂ થઈ શકતા નથી. આ કારણોસર કે પેલા કારણોસર એ દર વખતે પંખીને ચૂકી જ જાય છે, બાકી પંખી તો અવશ્ય આવે જ છે…

Comments (1)

સ્વાંગ – ચંદ્રકાન્ત ટોપીવાળા

મારી સામે એક વરુ છે
એક ઘેટું છે
બંને બાજુબાજુમાં ઊભેલાં છે.
ખબર નથી
એમાં ઘેટું એ ખરેખર ઘેટું છે
કે
વરુ એ ખરેખર વરુ છે.
ખબર નથી
વરુએ કદાચ ઘેટાનો સ્વાંગ ધર્યો હોય
કે ઘેટાએ કદાચ વરુનો સ્વાંગ ધર્યો હોય
ખબર નથી
હું એમની સામે છું
કે
તેઓ મારી સામે છે.
ખબર નથી
મારા સ્વાંગની એમને ખરેખર ખબર પડી ગઈ હશે ?

– ચંદ્રકાન્ત ટોપીવાળા

સામો માણસ બહુરૂપિયો જ હશે એવી સામાન્ય માન્યતા લઈને આપણે જીવતા હોઈએ છીએ એ વાત કવિતાના પૂર્વાર્ધમાં વ્યક્ત થઈ છે. ત્યાં સુધી કવિતા કંઈક નવા પ્રકારની વાત કરતી હોય એવું જ લાગે છે. પણ સૉનેટની જેમ ખરી ચોટ અને કવિતા છે છેલ્લી બે પંક્તિઓમાં… શું માત્ર સામા માણસો જ બહુરૂપિયા હોય છે કે પછી….?!

Comments (2)

એક ટેલિફોન ટોક – ચન્દ્રકાન્ત ટોપીવાળા

હલ્લો સાગર !
કાંઠાના વેલાફાંસામાં ગળાડૂબ
મોઢે ફરતા ફૂફવતા ફીણના હલ્લા વચ્ચે હલ્લો સાગર
હું તમારું પાણી બોલું છું.
હલ્લો હલ્લો સાગર, હું તમારું પાણી બોલું છું.
તમારી વાણી અહીં સુધી નથી પહોંચતી
તમારું પાણી બોલું છું, તમારી વાણી નથી બોલી શકાતી.
હલ્લો સાગર !
નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
રેતીનો ખીલ્લો ખીલ્લો બાંધી રાખે છે પાણીપંથા અશ્વો
પાણીપોચાં વિશ્વોનાં સપનાંઓનો ભય
તમારા પાણીને પાણી પાણી કરી નાખે છે,
તમારી વાણી નથી બોલી શકાતી.

ઠાલા છીપોના દ્વીપો ઠેલ્લો મારે છે, હલ્લો સાગર
હલ્લો સાગર
નીલ્લો તમારો કિલ્લો તૂટે
તો રેતીનો ખીલ્લો ખીલ્લો છૂટે
હલ્લો સાગર, નીલ્લો તમારો કિલ્લો તોડી આવો બહાર.
અગસ્ત્યના પેટસૂતું હું તમારું પાણી
વડવાનલની જીભે જલતું હું તમારું પાણી
ચૌદ રત્નના ઘામાં ગભરું તમારું પાણી બોલું છું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

કવિતા કાનની કળા છે એ વાત આ કવિતા વાંચતાવેંત સમજાય. પાણી-વાણી, હલ્લા-હલ્લો-ઠેલ્લો, હલ્લો-કિલ્લો-ખીલ્લો-નીલ્લો, છીપો-દ્વીપો: આખી કવિતા સતત તમારા કાનની અંદર રેડાતી રહે છે. આ સિવાય પાણી સાથે સંકળાયેલ આપણા સંસ્કારો અને સંદર્ભો અલગ અલગ રૂપમાં સતત ડોકાતા રહે છે જેમ કે પાણીપંથુ, પાણીપોચું, પાણી પાણી થઈ જવું, અગસ્ત્ય, વડવાનલ, ચૌદ રત્નો વગેરે…

દરિયાનું પાણી દરિયાથી છૂટું થઈને દરિયા સાથે જે સંવાદ કરે છે એ જાઅણે આપણી અંદરનું કોઈક બિંદુ આપણા સમગ્રને ઝંઝોડતું કેમ ન હોય એ રીતે એકતરફો ટેલિફોન ચાલે છે… જ્યાં સમગ્રનો અવાજ શૂન્ય છે. બિંદુ હલ્લો હલ્લો કરે છે પણ સિંધુની વાણી એના સુધી પહોંચી શકતી નથી. બિંદુ સિંધુને આહ્વાન કરે છે કે રેતીના ખીલે બંધાઈ રહેલા પાણીપંથા અશ્વો યાને કે મોજાંઓને મુક્ત કરો… જે સ્વપ્નાંઓ પોતે જ પાણીપોચાં છે એનો ભય રાખીને પાણી પાણી થઈ જવાને બદલે અસ્તિત્ત્વના કાંઠાઓ તોડીને આવો, મુક્ત ભ્રમણ કરવાને…

Comments (7)

અ-બોધકથા – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઘેટું અને વરુની બોધકથા તો આપણે બધા જાણીએ જ છીએ પણ અહીં કવિએ જે અ-બોધકથા કહી છે એ જ મને તો આજની દુનિયાની ખરી બોધકથા લાગે છે. ‘મારે એની તલવાર’ને ‘બળિયાના બે ભાગ’ એમનેમ કહ્યું હશે ભલા?!એ

Comments (15)

હસ્તક્ષેપ – ચંદ્રકાંત ટોપીવાળા

જૂનું તો થયું
દેવળ જૂનું; એમાં
તારું શું ગયું ?

દિલમાં દીવો
કરો રે દીવો કરો;
રાડો ન પાડ.

બ્રહ્મ લટકાં
કરે બ્રહ્મ પાસે; તું
ચાડી ન કર.

આ તન રંગ
પતંગ સરીખો; તો
ઊડ, રાજી થા.

તરણાં ઓથે
ડુંગર કો ન દેખે;
સાલ્લાં આંધળાં.

વ્રજ વહાલું રે
વૈકુંઠ નહિ આવું;
મેં ક્યાં બોલાવ્યો ?

ઊભા રહો તો
કહું એક વાત; હું
નવરો નથી.

પ્રેમની પીડા
તે કોને કહીએ ? ભૈ
કોઈને નહીં.

મને લાગી રે
કટારી પ્રેમની; હા
કાટ ખાધેલી.

જાગીને જોઉં
જગત દીસે નહિ;
પાછો સૂઈ જા.

-ચંદ્રકાંત ટોપીવાળા
(‘પરબ’ ફેબ્રુઆરી 2010માંથી)

આપણા બહુશ્રુત ભક્તિપદોની હાઈકુના સ્વરૂપે હળવી ઠેકડી કરવાનો આ પ્રયોગ મને તો બહુ જ ગમી ગયો. કવિતામાં બધુ ગંભીર જ હોવું જોઈએ એવો તો કોઈ નિયમ  નથી, છતાંય કેટલાય કવિઓ કારણ વગર ગંભીર રહેવાની કોશિશ કર્યા કરે છે. કવિએ આ પ્રયોગથી એ બધા ‘ચહેરા-ભારે’ (માથા-ભારે જેવું ચહેરા-ભારે)  કવિઓને ‘ટોપી’ પહેરાવવાની કોશિશ કરી છે એવું લાગે છે 🙂

Comments (30)

મનને કહ્યું (Dark Poem) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સૂરજને   કહ્યું   ઊગ,   સૂરજ   ઊગી   ગયો
ચન્દ્રને  કહ્યું  આથમ,  ચન્દ્ર  આથમી   ગયો
ફૂલને    કહ્યું    ખીલ,    ફૂલ    ખીલી    રહ્યું
પવનને   કહ્યું   વા,   પવન  વાવા  લાગ્યો.
સમુદ્રને   કહ્યું   ગરજ,   સમુદ્ર  ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ,  આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ,  મન  દુઃખી દુઃખી થઈ ગયું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!

Comments (16)