આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
હસમુખ પાઠક

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જિતેન્દ્ર વ્યાસ

જિતેન્દ્ર વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અંતિમ ઈચ્છા - જિતેન્દ્ર વ્યાસઅંતિમ ઈચ્છા – જિતેન્દ્ર વ્યાસ

આંખો તો કશાય કામની નથી.
એ મિંચાય કે તરત જ
એમાં ઊગેલાં મેઘધનુષ્યોને
હળવેકથી ઉપાડીને
કોઈ કોરી આંખના આકાશમાં લહેરાવજો.
હીરનાં ચીરનોય મોહ ક્યાં હતો કે કફનનો હોય ?
મારાં અંગ પર ઊગેલાં રોમાંચોને
બાગની કોઈ ક્યારીમાં વાવજો,
કોઈ ફૂલડાને આપજો.
મારી ભવોભવની લેણદાર
કો પુરકન્યકા
નીચી નજર ઢાળી
એણે આપેલાં
કુન્દધવલ સ્મિત
(મારે મન તો મોટી મૂડી)
વિશે
મહકતા મૌનથી પૃચ્છા કરે
ત્યારે
તેને મારાં ગીતો આપજો.
મારી શ્રુતિમાં પડઘાતા ફૂલોના સૌરભ-ટહુકાઓને
તારલાના મધપૂડા સુધી પહોંચાડજો.
મારા છેલ્લા શ્વાસે
ખીલું ખીલું થતી કો પદ્મિનીની સુવાસ
ભરું ને પોઢી જાઉં ત્યારે
‘બે મિનિટ મૌન’ પાળવાને બદલે
હે અભિનવ કોકિલો,
આમ્રમંજરીના આસ્વાદથી મ્હેકતા કંઠે
તમે
ગાજો, ગાજો, ગાજો.

– જિતેન્દ્ર વ્યાસ

આટલા સુંદર કલ્પનો સાથે મૃત્યુની વાત જવલ્લે જ આવે છે. સરખાવો મરતા માણસની ગઝલ અને મૃત્યુ ન કહો.

Comments (4)