ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

વાયરે ઊડી વાત – જિતેન્દ્ર કા. વ્યાસ

વાયરે ઊડી વાત-
(કે) સાવ રે! રોયા સાન વનાના
સાવ રે! રોયા ભાન વનાના
.                 ભમરે પાડી ગાલ પે મારા ભાત!
.                                    વાયરે ઊડી વાત.

સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એને ય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
ઘરમાં પેસું ‘કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે?’ મને પૂછે ભોળી માત.
.                                                                     વાયરે ઊડી વાત.

સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને: “સાંભળ્યું અલી કાંઈ?
વગડા વચ્ચે, વાડની ઓથે
કાજળકાળો ભમરો રાતોચોળ થઈ ગ્યો એક ગુલાબી ફૂલને દેતાં સાંઈ!”
પનઘટેથી જલને ભરી આવતાં આજે જલની ઊંડી ઘૂમરીમાં ઘૂમરાઈ!
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને ‘…………………’
.                                           એય મૂઆને એની શી પંચાત?
.                                                           વાયરે ઊડી વાત.

– જિતેન્દ્ર કા. વ્યાસ

નાની અમથી વાત પણ વાયરાની જેમ બધે ફેલાઈ વળે એ ગામડાગામની સંસ્કૃતિનો અંતરંગ હિસ્સો છે. નાયિકાને એનો જ વલોપાત છે. પ્રેમમાં સાનભાન ભૂલી ગયેલ પ્રેમીએ એના ગાલ ચૂમી લીધાની નિશાની ગામ આખામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

સીમના કૂવેથી પાણી ભરી પરત ફરતાં નાયિકાનો જીવ આકળવિકળ થાય છે. વ્યગ્રતાને લઈને બેડું બરાબર ઝાલી શકાતું નથી એ વાતને કવિએ કેવી કમનીયતાથી રજૂ કરી છે તે જોવા જેવું છે. જાણે નાયિકાના ગાલ પર પડેલી ભાત જોવા વાંકું ન થતું હોય એમ બેડલું વાકું થતાં છલકછલક થઈ રહ્યું છે. સાફસાફ શબ્દોમાં નાયિકા સ્પષ્ટતા કરી કહે છે કે પોતે સાવ કુંવારી છે. પણ જેમ કાયા, તેમ ઓઢણી પણ પ્રેમજળની છાલકોથી સાથે ભીંજાઈ રહ્યા છે. ઘરમાં પૂછતાવેંત ભોળી માને પણ ચિંતા થાય છે, પણ માની નજર ગ્રામજનો જેવી નથી, એ સ્વાભાવિકપણે નિર્મળ નજર છે. જો કે પગ તો નથી લપસ્યોની પૃચ્છામાં કવિએ છૂપાવેલ શ્લેષ ભાવકની ચકોર નજરમાંથી છૂપાઈ શકતો નથી.

સહેલીઓ પણ કંઈ કમ નથી. એય ટોળટિખળ કરવાની તક જતી કરે એમ નથી. કહે છે, કે વગડામાં વાડની ઓથે કાજળકાળો ભમરો એક ફૂલને આલિંગન દેતાં રાતોચોળ થઈ ગયો એ જાણ્યું કે? પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતે જ સમગ્ર સંસારનું કેન્દ્રબિંદુ હોવાનું પ્રતીત થતું હોય છે એ વાત આયનો પણ ઉલટતપાસમાં જોતરાતો હોવાની નાયિકાને થતી અનુભૂતિ પરથી સહજ સમજી શકાય છે. આયનો શું પૂછે છે એ વાત અધ્યાહાર રાખીને કવિ ગીતને વધુ આસ્વાદ્ય પણ બનાવી શક્યા છે.

10 Comments »

  1. Uday maru said,

    October 15, 2022 @ 11:05 AM

    વાહ
    કહું મજા પડી.

  2. Waseem मलिक. Surat said,

    October 15, 2022 @ 11:56 AM

    बहुत खूब

  3. Aasifkhan said,

    October 15, 2022 @ 12:02 PM

    વાહ મજાનું ગીત

    સુંદર આસ્વાદ

  4. યોગેશ પંડ્યા said,

    October 15, 2022 @ 12:06 PM

    નાજુક એવું ગીત.
    ગીતમાં નમણાશ પણ એવી જ.
    કાવ્ય નાયિકા થી નાની અમથી ભૂલ(સ્ખલન) થઈ ગઈ છે અને એ ભૂલ તો અંદર અંદર ગમતા પાત્ર એ કરી છે પણ એનો ફંફેરો બહુ મોટા પાયે થઇ ગયો છે એની બીક લાગી છે કાવ્ય નાયિકાને!અને હવે શું થશે?એ લોકલાજ ની પારાવાર ની પીડા એને માથે ઝળુંબે છે.તન મન ગભરાઈ ગયા છે..એના પ્રિયતમે ગાલે કરેલું એક માત્ર ચુંબન!પણ કેટલું મોંઘું પડે છે એ આ નાયિકા ના મનોભાવ વ્યક્ત કરે છે.ગાલ પર ભાત પડવી, પગ લપસવો જેવા પ્રતીકો કાવ્યને.ઊંચકે છે…મજા પડે એવું ગીત.કવિ શ્રી ને
    ભિનંદન

  5. કિશોર બારોટ said,

    October 15, 2022 @ 12:30 PM

    ભોળીભાળી ગ્રામ્ય કન્યાની ગમતીલી મૂંઝવણને અભિવ્યક્ત કરતું સુંદર ગીત. 👌🏻

  6. Nayan said,

    October 15, 2022 @ 5:51 PM

    Excellent

  7. pragnajuvyas said,

    October 15, 2022 @ 9:23 PM

    ભમરે પાડી ગાલ પે મારા ભાત!
    વાયરે ઊડી વાત.
    કવિશ્રી જિતેન્દ્ર વ્યાસનુ મજાનું ગીત./
    તેવો જ ડૉ.વિવેકજીનો મઘુરો આસ્વાદ
    પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ રહેલાં આપણાં ગામડાં અને શહેરોમાં તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ ભૂંસાતી જતી જોઈ શકીએ છીએ.ગામડાં અને શહેરનાં રીત-રિવાજો, ખાન-પાન, રહેણાંક અને પહેરવેશ બદલાયાં સાથે અમુક શબ્દો વિષેની સમજ ભૂંસાઈ ગઈ છે. જે વસ્તુઓ કે શબ્દો વ્યવહારમાંથી જ લુપ્ત થયા છે તેને સમજવા, જાણવા અને જાળવવાં અઘરાં બને છે.
    કેટલાક સ્પર્શથી આખું અસ્તિત્વ મહેક મહેક થાય છે ત્વચા દ્વારા થયેલા કેટલાક સ્પર્શ સ્મૃતિમંજુષા માં જીવનની અનમોલ મૂડીની માફક સચવાયેલા રહે છે. સ્પર્શ સુખ આપે છે જયારે તે વ્યક્તિ અતિ પ્રિય હોય. આ સ્પર્શનો આંખે જોનારો અને થોડું સ્વયં પણ અનુભવનારો સાક્ષી જેણે બે વ્યક્તિ વચ્ચે નું સાયુજ્ય નજરે જોયું છે તેમને એક ચોક્કસ કુતુહલ અનુભવાય છે. એ સ્પર્શઘેલા મનની પીડાને આપણે પણ અનુભવી શકીએ એટલી હદે કવિશ્રીએ તાદ્રશ્ય કરી આપી છે.
    બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને ‘…………………’
    . એય મૂઆને એની શી પંચાત?
    . વાયરે ઊડી વાત
    કાવ્યની શરૂઆતમાં જે નાનકડું રહસ્ય ઉભું થયું છે એનો જવાબ અંતે મળી રહે છે.એક ગાઢો, પ્રબળ, આવેગયુક્ત અને તિલીસ્મી સ્પર્શ કેવું કામ કરી જાય છે એની અસરમાંથી મુક્ત થવાતું નથી.

  8. Pragna vashi said,

    October 16, 2022 @ 6:22 AM

    ખૂબ જ સરસ ગીત,
    પ્રેમિકાનો પહેલો રોમાંચ . પ્રેમીનો પહેલો સ્પર્શ ,નાયિકાની મીઠી
    મૂંઝવણ કવિ ખૂબ સરસ રીતે ગીતમાં ઢાળે છે . કવિને અભિનંદન.
    સરસ આસ્વાદ માટે વિવેકભાઈને પણ અભિનંદન.

  9. વિવેક said,

    October 17, 2022 @ 10:50 AM

    રચના અને આસ્વાદ – બંનેયને બિરદાવનાર સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

  10. Rinal Rajan patel said,

    October 20, 2022 @ 1:45 PM

    ખૂબ સુંદર મજાનું ગીત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment