ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અઝીઝ ટંકારવી

અઝીઝ ટંકારવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

વરસો પછી - અઝીઝ ટંકારવી
હો જી - અઝીઝ ટંકારવીવરસો પછી – અઝીઝ ટંકારવી

બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.

એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.

જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.

બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.

લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.

– અઝીઝ ટંકારવી

Comments (11)

હો જી – અઝીઝ ટંકારવી

ક્યાં આરો ઓવારો હો જી
ઉતારશું ક્યાં ભારો હો જી

થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી

પહોંચી જાશો સામે પાળે
સ્હેજ તમે જો ધારો હો જી

આમ સાચવીને શું કરશું?
જળ જેવો જન્મારો હો જી

એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી

-અઝીઝ ટંકારવી

અઝીઝ ટંકારવીની આ ગઝલ પહેલી નજરના પ્રેમ જેવી અનુભૂતિ છે. સાવ સરળ શબ્દો અને સુંદર ઉપલબ્ધિ. આમ તો બધા જ શેર સુંદર છે પણ જાતને સાચવીને બેસી રહેવાને બદલે વહેતા રહેવાનો અણસાર આપતો ‘આમ સાચવીને શું કરશું? જળ જેવો જન્મારો હો જી ‘ વાળી વાત મને ખૂબ સ્પર્શી ગઈ.

Comments (6)