કાશ થોડી લેતી-દેતી હોત તો મળતાં રહેત,
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે.
હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આશા પુરોહિત

આશા પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત

કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.

Comments (20)

આ તે કઈ રીત છે ? – આશા પુરોહિત

આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.

શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?

નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?

– આશા પુરોહિત

આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.

Comments (8)