ઝરમર ઝરમર – વર્ષા પ્રજાપતિ
રોજ રહે છે ઝીણું કળતર,
કોણ કરે છે જંતરમંતર?
પર્વત પર્વત વૃક્ષે વૃક્ષે,
વાગે છે તીણું વાજિંતર.
કાંઠેકાંઠા તોડી બેઠી,
હું જ તણાઉં મારી ભીતર.
ફાળ ભરીને ઓળંગું નભ,
ડગલે ડગલાં સાત સમંદર.
દુનિયાદારીની ચાદર પર
હળવેથી મારી છે કાતર.
અંદર બા’રે એક નિરંતર,
‘વર્ષારાણી’ ઝરમર ઝરમર.
– વર્ષા પ્રજાપતિ
ટૂંકી બહરમાં સરસ મજાનું ભરતકામ. એક તો અભિવ્યક્તિ માટેની જગ્યા નાની અને એમાંય મોટાભાગના શેરમાં સર્જકે જંતરમંતર, પર્વત પર્વત, કાંઠેકાંઠા, ડગલેડગલાં જેવા શબ્દયુગ્મો પ્રયોજીને તંગ દોરી પર સમતુલન જાળવવાની વધારાની કસોટી સ્વયં માટે સર્જી છે. મજા એ વાતની છે કે લગભગ બધા જ શેર સાંગોપાંગ સંતર્પક થયા છે. છેલ્લા બે શેરમાં બંને મિસરામાં કાફિયા જળવાયા હોવાથી એ સાની મત્લાની જગ્યા પણ લઈ શક્યા હોત. સર્જકનું તખલ્લુસ ઝરમર હોવાથી મક્તાનો સાની મિસરા તો એમના હસ્તાક્ષર જ જાણે!


Jigisha Desai said,
January 7, 2026 @ 1:01 PM
ટૂંકી બહરમાં સરસ ગઝલ 💐
Ramesh Maru said,
January 7, 2026 @ 1:16 PM
વાહ 👌🏻👌🏻
Yogesh Samani said,
January 7, 2026 @ 1:29 PM
સરસ ગઝલ 👌
મત્લા ત્રણ છે. ત્રણેય સળંગ હોવા જોઈએ.
લલિત ત્રિવેદી said,
January 7, 2026 @ 4:22 PM
ટૂંકી બહરમાં સરસ ગઝલ
Shailesh Gadhavi said,
January 7, 2026 @ 5:38 PM
સરસ ગઝલ
Varsha L Prajapati said,
January 7, 2026 @ 7:09 PM
વિવેકભાઈના લયસ્તરો બ્લોગ પર હંમેશા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કવિતાની નોંધ લેવાઈ છે. વળી કવિતા મૂક્યા બાદ એમનો આસ્વાદમૂલક પ્રતિભાવ પણ વિશિષ્ટ હોય છે. સાચા અર્થમાં સાહિત્યિક પ્રવૃત્તિ કરતા આ કવિના પોતાના કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત છે. એ દૃષ્ટિએ કવિની સાથે સહૃદય ભાવક અને વિવેચક તરીકે તેઓ સતત પ્રવૃત રહે છે. મારી કવિતાની નોંધ લેવા બદલ અને આટલી ઉત્તમ પ્રવૃતિ માટે તેમની કાવ્ય નિસ્બતને બિરદાવતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
Varij Luhar said,
January 7, 2026 @ 7:12 PM
વાહ સરસ ગઝલ
ડૉ. માર્ગી દોશી said,
January 7, 2026 @ 7:17 PM
ટૂંકી બહરમાં ખૂબ સરસ ગઝલ..
Dr. Vrajlal Savaliya said,
January 7, 2026 @ 11:38 PM
વાહ ખુબ સરસ ગઝલ
Yogesh Samani said,
January 8, 2026 @ 11:26 AM
સમંદર કાફિયા ન ચાલે.
વિવેક said,
January 8, 2026 @ 12:30 PM
@યોગેશ સામાણી:
આપે આ કહ્યું એ પછી કાફિયા બાબતે અગત્યની બાબત ધ્યાનમાં આવી છે… એ વિશે હું કંઈ કહું એ પહેલાં સમંદર કાફિયા કેમ ન ચાલે એ આપ સમજાવશો?
વિવેક said,
January 8, 2026 @ 12:34 PM
@વર્ષા પ્રજાપતિ:
સર્જક સાઇટ ઉપર આવીને પ્રતિભાવ આપે એ અમારે મન મોટો પુરસ્કાર છે…
ખૂબ ખૂબ આભાર
Yogesh Samani said,
January 8, 2026 @ 3:06 PM
વિવેકભાઈ, મત્લામાં ચુસ્ત કાફિયા લીધા છે એટલે… તમારા મતે ચાલે?
વિવેક said,
January 8, 2026 @ 5:50 PM
@યોગેશ સામાણી:
આપે કાફિયા સામે સવાલ ઊઠાવ્યો ન હોત તો આખી વાત મારા ધ્યાનમાં આવી જ ન હોત. એટલે આ બાબતે આપનો ખૂબ ખૂબ આભાર…
ટિપ્પણીમાં લખ્યા મુજબ પ્રસ્તુત ગઝલમાં ત્રણ મત્લાના શેર છે, જેમાંથી બે સર્જકે ગઝલના અંતભાગે લીધા છે. ગઝલના નિયમ મુજબ એ બંને મત્લા સાની મત્લા તરીકે ઉપર લેવા જોઈએ. સર્જકના નામવાળા મત્લાને મક્તા તરીકે વાપરવો હોય તોય કમસેકમ કાતરવાળો મત્લા ઉપર લેવો જોઈએ. જો એટલું કરી શકાય તો ગઝલમાં કોઈ દોષ રહેતો નથી.
ગઝલ જે સ્વરૂપે અહીં પ્રગટ થઈ છે એ પ્રમાણે અનિર્વાહ્ય કાફિયાદોષ જન્મે છે. મત્લામાં ‘કળતર’ અને ‘મંતર’ કાફિયા વપરાયા હોવાથી ‘તર’ કાફિયાનો આધાર બને છે. એની આગળના સ્વર બંને કાફિયામાં એકસમાન હોવા જોઈએ. પણ પહેલા કાફિયામાં ‘તર’ ની આગળ ‘ળ’ વ્યંજન ‘અ’ સ્વરના ટેકે છે, જ્યારે બીજા કાફિયામાં જંતરનો ‘જંન્’ અર્ધસ્વર હોવાથી આખી ગઝલ કાફિયાદોષવાળી બને છે.
Kishor Ahya said,
January 8, 2026 @ 9:53 PM
ગઝલમાં કાફિયા દોષ હોવા છતાં ટુકી બહરમાં લખાયેલી આ ગઝલ એના ભાવને પહોંચવામાં જરૂર સમર્થ થઈ છે. પ્રેમ સાથે પ્રેમની વેદના પણ રજૂ કરતી આ ગઝલ ભાવકને ગઝલના સરળ શબ્દોને કારણે ખૂબ ગમી જાય તેવી થઈ છે, અને તેમાંય રાણી ઝરમર ઝરમર …
અંદર બા’રે એક નિરંતર,
‘વર્ષારાણી’ ઝરમર ઝરમર.
મક્તાનો શેર બહુ સરસ થયો છે. જોકે બધાજ શેર સારા થયા છે
દુનિયાદારીની ચાદર પર
હળવેથી મારી છે કાતર.
આ શેરમાં કવયિત્રીએ દુનિયાદારીના સંબંધો રિવાજો વ્યવહારોને ધીરે ધીરે ફગાવ્યા તે માટે દુનિયાદારીની ચાદર પર હળવેથી મારી છે કાતર ,એવો સરસ શેર કર્યો છે.
પ્રથમ શેરમાં કવિયત્રી જે કળતર ની વાત કરે છે તે વહાલનું કળતર છે. કવિયત્રી કહે છે આ કોઈએ કઈક જંતર મંતર જાદુ જેવું કર્યું હોય તેવું લાગે છે. બીજા શેરમાં કવિયત્રી કહે છે પર્વત અને વૃક્ષ પર ધીમો પણ સૂસવાટો પવન વાય છે ત્યારે એમ લાગે છે જાણે કોઈ તીણું વાજીંત્ર વાગતું હોય!
કહેવાય છે કે પ્રેમ થઈ જાય ત્યારે ભીતરમાં જંતર વાગતું થઈ જાય છે!
કેટલીકવાર સમાજની રીત રસમો રિવાજો આપણે જાતેજ તજી દેતા હોઈએ છીએ પછી આ અંગે મનમાં દુવિધા- દ્વંદ થાય છે! તે બાબતે કવિયત્રી એ સરસ શેર કર્યો છે.
કાંઠેકાંઠા તોડી બેઠી,
હું જ તણાઉં મારી ભીતર.
આટલી ટુકી બહરમાં ખુબજ સરસ શેર બન્યા છે .ગઝલ ઝરમર ઝરમર માટે કવિયત્રી સૂ.શ્રી વર્ષા પ્રજાપતિને અભિનંદન.
વિવિકભાઈ ગઝલનું અદ્ધભૂત જ્ઞાન ધરાવે છે, એથી ભાવકને ઘણું ઘણું શીખવાનું મળી રહે છે. પ્રતિભાવ આપવા માંટે તેઓનો ખૂબ ખૂબ આભાર. સરસ આસ્વાદ માટે ધન્યવાદ.
🌹🌹🌹🌹
Preeti Pujara said,
March 1, 2026 @ 1:48 PM
ગઝલ તો સરસ જ છે પણ આસ્વાદ પણ મજાનો. લયસ્તરો ખરેખર ગુજરાતી ભાષાના સંવર્ધન માટે અવિરત કાર્ય કરે છે અને ઘણું ઘણું સાહિત્યના માધ્યમથી પીરસાય છે