હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
અમૃત ઘાયલ

(ચાલ્યું ગયું છે ક્યાંક) – અનંત રાઠોડ “અનંત”

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

– અનંત રાઠોડ “અનંત”

ઓછા શેર અને લાંબી બહેરવાળી મજબૂત રચના. કોઈ એક પ્રિયજન અચાનક કોઈ જ કારણ વિના અને કહ્યા વિના ક્યાંક ચાલ્યું જાય એ પછી નગરમાં ક્યાંકથી ક્યાંક જવાના રસ્તાઓ તો રહે છે, પવન પણ ફૂંકાય છે, સૂરજ ઊગે છે ને આથમે છે એટલે અજવાળું પણ થાય છે ને રંગોથી ભરેલી ભરચક સાંજ પણ થતી રહે છે પણ જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એ માણસ માટે આ તમામ અસ્તિત્વનો સંદર્ભ ગુમાવી બેસે છે. ચારેતરફ હવે સ્તબ્ધતા સિવાય કાંઈ નથી. કવિ “સ્તબ્ધતાના સ્તંભ” એમ બહુવચન વાપરવાને બદલે “સ્તબ્ધતાનો સ્તંભ” એમ એકવચન વાપરે છે જે સૂચક છે. આ સ્તબ્ધતા ‘સ્વ’થી ‘સર્વ’ સુધી વિસ્તરી ચૂકી છે એટલે ચોતરફ ભલે ખોડી દેવાયા હોય પણ સ્તબ્ધતાનો સ્તંભ તો એક જ છે, અનેક નહીં… કુંવારી કુંતી અનૌરસ કર્ણને નદીમાં તરતો મૂકી દે એમ પ્રિયજનની પ્રતીક્ષા હાથ ચડી છે. આ પ્રતીક્ષા ટૂંકી કે નાની નથી એ વાત વહેલી સવાર અને નવજાત શિશુના કલ્પનથી સમજી શકાય છે. હજી તો વહેલી સવાર થઈ છે, ઇંતેજારનો આખો દિવસ બાકી છે. પ્રતીક્ષા હજી તો નવજાત શિશુ છે, એને પુખ્ત થવામાં જન્મારો વીતી જશે… બધી જ સાધનસામગ્રી હાથવગી હોવા છતાંય જિંદગીનું ચિત્ર સાવ અધૂરું છે કેમકે કોઈક અધરસ્તેથી જ ત્યાગી ગયું છે. ચિત્ર સ્થિરતા, ગતિહીનતાનો ભાવ પણ ઈંગિત કરે છે… ઝાડ અજંપાનું છે પણ લીલુંછમ છે. આ અજંપો સૂકાવાનો નથી, એ એવોને એવો જ રહેવાનો છે. લાખ કોશિશ કરવા છતાંય આ અજંપાને જીવનના આંગણામાંથી હટાવવો હવે નામુમકિન છે.

લાંબી બહેરવાળી રચનાઓનું સૌથી મોટાં ભયસ્થાન ભરતીના શબ્દો અને સહજ વ્યાકરણના નિયમોનું અતિક્રમણ છે. એકાદ અપવાદને બાદ કરતાં અનંત રાઠોડની આ રચના આ ભયસ્થાનોથી બચી શકી છે એ સૌભાગ્ય. ગઝલના રદીફમાં આવતો “અને” શબ્દ “ને”ના સ્થાને અથવા “દઈ/લઈ”ના સ્થાને વપરાયો હોવાનું તરત જ ધ્યાનમાં આવે છે. એ જ રીતે મત્લાના શેરમાં “સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી”માં આવતો “એ” પણ ભરતીનો શબ્દ છે, જે હકીકતે ગઝલના પઠનની પ્રવાહિતા અવરોધે છે.

12 Comments »

  1. Jigar said,

    January 6, 2017 @ 12:55 AM

    લાંબી બહેરમાં ખુબ ઉમદા કામ…વાહ
    ઝક્કાસ સિલેક્શન વિવેકભાઇ

  2. Rakesh Thakkar, Vapi said,

    January 6, 2017 @ 1:39 AM

    લાંબી બહેરમાં સરસ રચના!
    ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

  3. Jigar said,

    January 6, 2017 @ 4:11 AM

    ઘણા સમયે ખુબ ધારદાર રચના વાંચી ..બીજી વાર કોમેંટ કરવાનું મન થયું… ચારેય શેરો કાતિલાના !! kya andaaz e bayaan hai..

  4. Jigar said,

    January 6, 2017 @ 4:18 AM

    પણ ત્રીજા શેરમાં થોડું વ્યાકરણ ખુંચે છે : બહુ સ્હેલાઈથી એક જણ…ચાલ્યું ગયું છે ક્યાંક

    વિવેકભાઈ,
    “જણ” ને નાન્યતર લઇ શકાય ?

  5. KETAN YAJNIK said,

    January 6, 2017 @ 6:39 AM

    ખૂંચી ગઈ

  6. Saryu parikh said,

    January 6, 2017 @ 9:24 AM

    Wah! Bahu saras.
    Saryu Parikh

  7. Neha said,

    January 6, 2017 @ 9:51 PM

    Sundar bhavwahi ghzl

  8. ઢીંમર દિવેન said,

    January 6, 2017 @ 10:01 PM

    👌🏾 …ખુબ સુંદર સમજુતી…સુહ્રદ્ય રચના…🙏🏾

  9. poonam said,

    January 7, 2017 @ 2:01 AM

    lambi Behr ni mast rachna…

  10. અનંત રાઠોડ said,

    January 7, 2017 @ 8:38 AM

    Thank you very much.
    Interpretation is good, Dada.

  11. Tejal vyas said,

    January 8, 2017 @ 7:58 AM

    Nice… 👍

  12. Savan makvana said,

    May 17, 2022 @ 10:15 AM

    Kavi mja aai gai khub sundar 👌👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment