(ધૂળ ખંખેરો) – ભાવિન ગોપાણી
ભલે કાયા અને કપડાં ઉપરથી ધૂળ ખંખેરો,
કળા જો હોય, પડછાયા ઉપરથી ધૂળ ખંખેરો.
અધૂરા રહી ગયેલા કોઈના સપનાની મળશે છાપ,
મળ્યો રસ્તેથી એ સિક્કા ઉપરથી ધૂળ ખંખેરો.
ફરીથી ચિત્ત ને ચહેરા ઉપર આવી જશે રોનક,
પ્રણયના એક-બે કિસ્સા ઉપરથી ધૂળ ખંખેરો.
અમે બારી વગરના ઘરમાં પણ વર્ષો જીવી જઈશું,
ફકત આકાશના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.
હજી ઊભા થઈ મહેમાન પહોંચ્યા ક્યાં છે ઘરની બ્હાર?
તરત ના આ રીતે સોફા ઉપરથી ધૂળ ખંખેરો!
થશે ચલચિત્ર ચાલુ ને અમે બેસી રહીશું બહાર,
અમારું કામ છે પડદા ઉપરથી ધૂળ ખંખેરો.
વીતાવ્યું રણ છતાં રણ સાથે લઈને ક્યાં સુધી ફરશો?
હવે પાંપણ અને ચશ્માં ઉપરથી ધૂળ ખંખેરો.
મળી છે કોઈના રૂમાલમાં ખુશબૂ નવી આજે,
ફરીથી આપણે શંકા ઉપરથી ધૂળ ખંખેરો.
બને એવું કે એ જોઈ શકે ઘરની ખરી હાલત,
ચલો, ભગવાનના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.
કળા કરવી તો ન્હોતી પણ કળા કરવી પડી અંતે,
કહ્યું છે કોઈએ, પીંછા ઉપરથી ધૂળ ખંખેરો.
જરૂરી છે જ નહિ કે એમના પગલાં ઉપર ચાલો,
બને તો એમના પગલાં ઉપરથી ધૂળ ખંખેરો.
કશું ન્હોતું અને અંતે કશું રહેશે નહીં બાકી,
જીવન છે ધૂળનાં ઢેફાં ઉપરથી ધૂળ ખંખેરો.
પધારો જળ રૂપે ઈશ્વર, પધારો અન્ન રૂપે દેવ,
વલખતાં જીવના જડબાં ઉપરથી ધૂળ ખંખેરો
ગયું છો ધૂળમાં જીવન, મરણ તો સ્વચ્છ જોઈએ,
દુપટ્ટો ઝાટકો, પંખા ઉપરથી ધૂળ ખંખેરો.
– ભાવિન ગોપાણી
ટ્વેન્ટી- ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટ મેચ ગઝલ… ચૌદ-ચૌદ શેર પણ લગભગ બધા જ મનનીય… આખી ગઝલમાં આધુનિક ગઝલ અને પરંપરાની કૃતિ વચ્ચેની આવનજાવન મનભાવન રીતે સતત વર્તાયે રાખે છે. કવિ પડછાયા ઉપરથી ધૂળ ખંખેરવા કહે છે ત્યારે નવી ગઝલનો રણકો સંભળાય છે, એ જ રીતે પ્રણયના કિસ્સા પરથી ધૂળ ખંખેરવા આહ્વાન આપે છે ત્યારે પરંપરાની ગઝલરીતિ પ્રતીત થાય છે. બંનેની મજા છે અને બંને અહીં હારોહાર માણી શકાય છે. ‘ધૂળ ખંખેરવી’ રુઢિપ્રયોગનો કવિએ વાચ્યાર્થ મુજબનો કસ તો કાઢ્યો છે, પણ એનો જે ખરો અર્થ છે – સખત ધમકાવવું, ખૂબ ઠપકો આપવો-એ ઉજાગર કરતો એકાદ શેર પણ અહીં ઉમેર્યો હોત તો ગઝલ છે એથી વધુ સરાહનીય થઈ શકી હોત.