મનગમતી કોઈ પંક્તિ અચાનક કદી જડે
તો થાય છે, આવી ગઈ જાગીર હાથમાં !
નયન દેસાઈ

વિરહ – હીરાબહેન પાઠક

દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,

મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !

હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ

ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે

છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !

વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે

તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.

– હીરાબહેન પાઠક

વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ  સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.

કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!

અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.

આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.

(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )

5 Comments »

  1. હેમંત પુણેકર said,

    March 21, 2013 @ 3:30 AM

    સુંદર!

  2. Harikrishna. (HariK) Patel said,

    March 21, 2013 @ 9:48 AM

    વિધ્ના લેખ કોન મારે મેખ હિરાબેન્ને ખુબ
    ધ્ન્યવાદ્

  3. jjugalkishor said,

    March 21, 2013 @ 9:51 AM

    પુસ્તકનું નામ “પરલોકે પત્ર” ગુજરાતી સાહિત્યનું એક બેનમૂન સર્જન.

  4. pragnaju said,

    March 21, 2013 @ 1:27 PM

    ખૂબ સરસ
    સાથે માણીએ
    ‘શેષ’નું આ કાવ્ય
    છેલ્લું દર્શન પૃથ્વી છંદમા

    ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
    ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –

    કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
    સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

    ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
    ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;

    ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
    સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

    ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
    રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે

    અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
    ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
    અને અમર બનેલી પંક્તીઓ
    મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
    કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
    ત્યાર બાદ હીરાબેન…………………………

  5. Maheshchandra Naik said,

    March 21, 2013 @ 2:02 PM

    વિરહની વેદનાનુ સરસ કાવ્ય્………………….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment