કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

ધોધમાર વરસાદ પડે છે – વિમલ અગ્રાવત

તગતગતી તલવાર્યું તડફડ આમતેમ વીંઝાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
ઢાલ ફગાવી, બખ્તર તોડી, લોક વીંધાતા જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

કળીઓ ફરફર ફૂલ બની ને લહ લહ લહ લહરાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
ઝરણા હફડક નદી બની ને દરિયામાં ડોકાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

તદ્દારે તદ્દારે તાનિ દિર દિર તનનન છાંટેછાંટો ગાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે,
ઘેઘેતિટ્ તા-ગી તિટ્ તકતિટ્ પવન તાલમાં વાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

જળનું ઘોડાપૂર અમારી આંખ્યુંમાં રૂંધાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.
સેંથો, ચૂંનડી, કંગન, કાજળ લથબથ પલળી જાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે.

હું દરિયેદરિયા ઝંખુ ને તું ટીપે ટીપે ન્હાય રે સાજણ ધોધમાર વરસાદ પડે છે;
હું પગથી માથાલગ ભીંજુ, તું કોરેકોરો હાય –
અરે ! ભરચક ચોમાસાં જાય ને મારું અંગ સકળ અકળાય રે
– નફ્ફટ ધોધમાર વરસાદ પડે છે !

– વિમલ અગ્રાવત

વરસાદના ગીતોની તો આખી ફોજ વાંચી હોય તોય આ ગીત તમને ભીંજવ્યા વગર છોડે એવું નથી. મોટેથી લયબદ્ધ રીતે વાંચો, બીજી વાર વાંચો, અને પછી જ સમજવાની મગજમારી કરો.

7 Comments »

  1. hasmukh said,

    August 31, 2011 @ 7:29 AM

    વાહ્ ઘણા વખતે સાંભળ્યુ. મજા આવી.

  2. himanshu patel said,

    August 31, 2011 @ 12:03 PM

    રાવજીના લયમાંથી દદડેલું ગીત એકવાર વાંચવાની મજા આવી.

  3. વિવેક ટેલર said,

    September 1, 2011 @ 3:26 AM

    વાહ… સુંદર લય સાથે ઝરણાની પેઠે વહેતું જતું મજાનું ગીત…

  4. vimal agravat said,

    October 8, 2012 @ 11:04 AM

    રાવજીનો લય ??????????????????????

  5. svapnil shah said,

    July 23, 2013 @ 12:17 PM

    આ કવિતા વાંચવા કરતા તેનું પઠન સાંભાળવું એ અદભૂત લહાવો છે.દુરદરશન પર કવિ કહે કાર્યક્રમમાં વિમલ અગ્રાવતનું આ ગીત સાંભળ્યું હતુ . અદભૂત લયનું કામણ

  6. svapnil shah said,

    October 28, 2013 @ 4:15 PM

    વિમલ અગ્રાવત ક્યાં રહે છે? કોઇ જાણતું હોય તો અહી જણાવજો પ્લીઝ. કોઇ સંપર્ક નંબર કે ઇમેલ હોય તો મને જણાવવા વિનંતિ.

  7. Rajnikant Vyas said,

    September 10, 2015 @ 3:16 AM

    ધોધમાર વરસતું ગીત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment