ખિસ્સામાં લાગણી લઈ ફરશો બજારમાં
સિક્કા તો એનાં એ જ છે ચલણો નવાં નવાં
– હરિશ્ચંદ્ર જોશી

આંખની સામે ઊભરાય છે દ્રશ્યો – શ્રીનાથ જોશી

દ્રશ્યોનો શાંત સમુદ્ર…
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

– શ્રીનાથ જોશી

દ્રશ્યોની આંગળી પકડીને અદ્રશ્ય તરફ જવાની વાત છે. મન દ્રશ્યોથી એવું ભર્યું ભર્યું થઈ જાય કે દ્રશ્યને અતિક્રમી જાય ! બીજી રીતે જુઓ તો આ અવાજોની આંગળી પકડીને મૌન તરફ જવા જેવી વાત છે. યાદ કરો, ધ્યાનમાં મંત્રનો સહારો લઈને જ મનને સમાધિ તરફ લઈ જવાનું હોય છે.

ઓહ ! આ તો સૌંદર્યો પીને ઊઘાડી આંખે સમાધિ પામવાની વાત છે – અને એય શાંત, ધીમી, લાવણ્યમય ગતિએ  !

5 Comments »

  1. ઊર્મિ said,

    January 25, 2010 @ 10:53 PM

    સુંદર અછાંદસ.. દૃષ્ટિ સામે દૃશ્યો તાદૃશ થઈ ગયા… આસ્વાદ પણ ખૂબ જ સ-રસ લાગ્યો… ધ્યાન ધરવા માટે મંત્રનો સહારો લેવાવાળી વાત પણ ખૂબ મજાની કરી…

  2. Sandhya Bhatt said,

    January 26, 2010 @ 4:55 AM

    સહજ,સુંદર,માણવી ગમે તેવી કવિતા

  3. Girish Parikh said,

    January 26, 2010 @ 11:33 AM

    દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
    શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.

    થોડાક જ શબ્દોમાં મનહર (‘મનહર’ લખવું હતું અને પહેલાં ‘મનહરિ’ ટાઈપ થઈ ગએલું!) ચિત્રો દોરી આ ‘મુક્તકાવ્ય’ (અછાંદસને કાવ્યને હું ‘મુક્તકાવ્ય’ કહું છું) છેલ્લી બે પંક્તિઓમાં ગહન ઊંડાણ (કે ઊંચાઈ)ની ‘શાંત, ધીમી લાવણ્યમય ગતિ’થી સૈર કરાવે છે. આકારમાંથી નિરાકાર તરફ જવાની આ ગતિ છે. આનંદ દ્વારા પરમાનંદ તરફનું આ પ્રયાણ છે.
    શ્રીનાથ તો શ્રીનાથ જ છે!

    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
    (ગિરીશનું સર્જાતું જતું પુસ્તકઃ ‘આદિલના શેરોનો આનંદ’ (tentative title)).

  4. વિવેક said,

    January 27, 2010 @ 2:05 AM

    દિવસના અજવાળામાં પોતાનું આગવું અસ્તિત્વ ધરાવતી સૃષ્ટિની તમામ સંપદા અંધકારની પીંછી દૃશ્યમાંથી અદૃશ્ય કરી દે છે… ઉતરતી સાંજ અને ઊગતી રાતનું જે દૃશ્ય કવિએ અહીં અંકિત કર્યું છે એ શબ્દદેહે હોવા છતાં શબ્દાતીત છે… શાંત, ધીમી અને લાવ્યણ્યમયી ગતિનો લય કવિએ આબાદ પકડ્યો છે એ આ કવિતાનું આખું ચિત્ર પૂર્ણ કરી આપે છે…

    … અદભુત કાવ્ય… ચારેતરફ વેરાયેલા કલ્પનોમાંથી એક નવું જ સર્જન !!

    ઉમાશંકરે કહ્યું હતું, સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે

  5. minesh shah said,

    January 27, 2010 @ 2:56 AM

    અતિ સુન્દર્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment