જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

નવા નવા – ‘રાઝ’ નવસારવી

આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.

તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.

તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.

– ‘રાઝ’ નવસારવી

હજુ તો ગઈકાલે જ મૃત્યુને ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ ગણાવીને રાજેન્દ્ર શાહ ગયા. ને આજે આ ગઝલનો છેલ્લો શેર વાંચવામાં આવ્યો. આ બધી ફિલસૂફી પછી પણ જીવન(ની આસક્તિ) અને મૃત્ય(ના ડર) ના સમીકરણો ક્યાં બદલાય છે ? એ ખરેખર જો બદલાય તો તો પયગંબરી મળે.

13 Comments »

  1. manhar m.mody ('mann' palanpuri) said,

    January 5, 2010 @ 11:56 PM

    મત્લાના શેરથી જ ગઝલ ગમી જાય અને મનમાં વસી જાય છે. બધા શેરમાં જીવનનો મર્મ સચોટ રીતે જીવંત થાય છે.

    આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
    કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.

  2. Dilip Shah said,

    January 6, 2010 @ 1:15 AM

    વાહ્ વાહ્
    તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
    પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

  3. virendra bhatt said,

    January 6, 2010 @ 4:08 AM

    જન્મ-જીવન-મરણ-જન્મ…ની અનંત સાંકળની ખૂબ જ સુંદર અને સહજ રજૂઆત.

  4. Just 4 You said,

    January 6, 2010 @ 5:44 AM

    Nice one….

    તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
    પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

  5. kanchankumari parmar said,

    January 6, 2010 @ 6:28 AM

    શેતાનિ ચ્હેરા ઉપરછે ભલા ભોળા મહોરા ….દિવસે દિવસે ઘટે નહિ ….પણ રોજ વધે નવા નવા……

  6. ડૉ.મહેશ રાવલ said,

    January 6, 2010 @ 12:51 PM

    નવા નવા જેવો નવો જ રદિફ લઈને સુંદર ગઝલ બની છે.
    ભાવસમૃધ્ધિ અને અર્થની ગહનતા આખી ગઝલને એક ઊંચાઈ પ્રદાન કરે છે.
    -અભિનંદન.

  7. Girish Parikh said,

    January 6, 2010 @ 5:11 PM

    ‘રાઝ’ની આ ગઝલનો રાઝ બહુ સરસ રીતે છતો થયો છે. વાહ!

  8. વિવેક said,

    January 7, 2010 @ 3:24 AM

    સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર પાણીદાર થયા છે…

  9. P Shah said,

    January 7, 2010 @ 11:20 AM

    ખૂબ જ સુંદર ગઝલ !

    બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં…

  10. pragnaju said,

    January 7, 2010 @ 11:28 PM

    મઝાની ગઝલ
    દાદ આપવા જેવો મત્લાનો શેર

  11. ઊર્મિ said,

    January 8, 2010 @ 12:17 AM

    અરે, આ મસ્ત મજાની ગઝલ વાંચીને મને વર્ષો પહેલા ખૂબ જ સાંભળેલી રિષભઅંકલની એક ગઝલ યાદ આવી ગઈ…

    “શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવા નવા !
    જોવા મળે છે રોજનાં ઈશ્વર નવા નવા.”

  12. Kirtikant Purohit said,

    January 8, 2010 @ 8:25 AM

    આપણા પર્ઁપરા યુગની એક ધરોહર સમા રાઝ સાહેબની એક બહુજ સુઁદર ગઝલ.

    તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
    પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.

    કોઇ સુરતી મિત્રને આ ગઝલપ્રિન્ટ રાઝ સાહેબ સુધી નવસારી પહોઁચાડવા વિન્ઁતિ. મારા એક ખૂબ ગમતા શાયર.

  13. prashant patel said,

    January 10, 2010 @ 6:55 PM

    “તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
    અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.”

    વાહ! એક-એક શેર ખુબ સુંદર છે! એક note worthy વાત કે રાઝ સાહેબે ગઝલ માં ઇશ્વર-અલ્લાહ અને પુનર્જન્મ ની વાત કર અને traditional કફન કે કબર નો કોઇ ઉલ્લેખ નથી. શું ખુમારી છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment