શું કરું, ખબર નથી; ક્યાં જવું, ફિકર નથી,
શબ્દનું શરણ લીધું, રહીશું જેમ રાખશે.
- વિવેક મનહર ટેલર

એ દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.

9 Comments »

  1. pragnaju said,

    March 18, 2009 @ 10:04 PM

    અમારા પ્રિય પુસ્તકનું ,જેઓ તનો અણસાર પામ્યા છે તેવા મકરંદભાઈનું સર્વાંગસુંદર ભાષાંતર
    તેઓનુ રસદર્શન તેમની પાસે કરાવી મૂકવા વિનંતી

  2. KIRANKUMAR CHAUHAN said,

    March 18, 2009 @ 10:05 PM

    કવિઓ આટઆટલી વરવી વાસ્તવિકતાઓ છતી કરે છે છતાં ‘એવા રે અમે એવા રે !‘ આ બાબત દુઃખદ છે.

  3. વિવેક said,

    March 19, 2009 @ 2:22 AM

    સાદ્યંત સુંદર રચના…. ટાગોરની where the mind is without fear and the heart is held highની યાદ અપાવે છે…

  4. Hemant said,

    March 19, 2009 @ 3:14 AM

    લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
    વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
    રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
    જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

    —–>Bitter Reality…..

  5. kantilalkallaiwalla said,

    March 19, 2009 @ 12:21 PM

    I am very happy to read this song. It applies at present in each and every countires more or less. Writer. observer and creator KHALIL GIBRAN and tranplator MAKRANDBHAI Dave deserve my saluations.And Dhaval deserve congratulations for posting such valuable post

  6. Sapana said,

    March 19, 2009 @ 1:27 PM

    દેશની દાજ કોને નથી હોતી?

    પણ આભ ફાટ્યુ છે. ક્યા થીગડુ મારવુ? જીવ કળીયે કળીયે કપાય તોય શું?

    સપના

  7. એ દેશની ખાજો દયા (Pity The Nation) – ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ દવે) | ટહુકો.કોમ said,

    January 21, 2013 @ 1:47 AM

    […] – ખલિલ જીબ્રાન (આભાર – લયસ્તરો.કોમ) […]

  8. લયસ્તરોએ દેશની દયા ખાજો - ખલિલ જિબ્રાન (અનુ. વિવેક મનહર ટેલર) - લયસ્તરો said,

    March 6, 2018 @ 3:21 AM

    […] પણ કર્યો છે, જે લયસ્તરો પર જ આપ અહીં – https://layastaro.com/?p=1911 – માણી […]

  9. Mihir H Pandya said,

    March 8, 2021 @ 2:50 AM

    એ દેશમાં
    ઝાઝાં છે મંદિરો ને ઝાઝાં જુગારખાનાં,
    એ દેશમાં ઉપાયો ક્યાં છે ઉગારવાના ?
    ઝાઝા છે મુખર વક્તા, ઝાઝા છે મૂઢ શ્રોતા,
    એ દેશમાં છે મેલાં કથણી તણાં મસોતાં.
    ઝાઝા છે પ્રેક્ષકો ને ઝાઝા છે અદાકારો,
    એ દેશમાં છે નકલી વેશો તણો વધારો.
    ઝાઝા છે ગુરુજીઓ, ઝાઝા છે વળી ચેલા,
    એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા.
    ઝાઝા છે પક્ષકારો, ઝાઝા છે દેશનેતા,
    એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા.
    ઝાઝા છે બંધ, ઝાઝી હડતાળની બજારો,
    એ દેશમાં હંમેશાં હડધૂત છે હજારો.
    ઝાઝા છે ખાસ દિવસો, ઝાઝી વળી રજાઓ,
    એ દેશમાં ફળે છે સદીઓ તણી સજાઓ.
    તેજીના ટકોરાથી જાગે ન દેશ હમણાં,
    એ દેશમાં રહ્યાં છે સૌ લોક સારુ ડફણાં.
    મકરન્દ દવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment