ભોંયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઈ છે એક વણજારે ગાળેલી વાવ
– ધ્રુવ ભટ્ટ

લોકગીતોત્સવ: ૦૩ : આજ રે સપનામાં

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં-દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોર્યું રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

ઘમ્મર વલોણું ઈ તો અમારો જેઠ જો
દહીં દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

લવિંગ લાકડી ઈ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

પારસ પીપળો ઈ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે

લયસ્તરોની તેરમી વર્ષગાંઠ અને ૪૦૦૦ પૉસ્ટની બેવડી ખુશાલીની ઉજવણી નિમિત્તે આજે આ જાણીતું લોકગીત… ગીતના પૂર્વાર્ધમાં જે રૂપકો જોડાયેલાં છે એનો જવાબ ગીતના ઉત્તરાર્ધમાં જ મજાની રીતે જડી આવે છે…

*

આપણે ત્યાં એક સાહજિક સાર્વત્રિક માન્યતા એવી છે કે લોકગીત એટલે લોકોના મોઢે ગવાતા ગીત… લોકોએ રચેલા અને લોકો દ્વારા મુખોપમુખ પેઢી દર પેઢી વહેતું રહેલું પદ્યસાહિત્ય. પણ એ જાણીને નવાઈ લાગશે કે ‘લોકગીત’ નામાભિધાન તો છેક ઈ.સ. ૧૯૦૫ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈએ પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં અંગ્રેજી કાવ્યપ્રકાર Folk-song પરથી કર્યું હતું. કોઈપણ ભાષામાં બોલાતા શબ્દનું આયુષ્ય લખાતા શબ્દ કરતાં સેંકડો-હજારો વર્ષ વધારે જ હોવાનું. આપણે ત્યાં સમાજમાં ચલણી આવા ગીતો પહેલાં કંઠસ્થ મુખપાટીના ગીતો કે દેશજ ગીતો તરીકે ઓળખાતાં. પણ હવે લોકગીત શબ્દ સર્વસ્વીકૃત થઈ ગયો છે. આમ, જેનો કોઈ નિશ્ચિત રચનાકાર ન હોય અને જે સમાજના લોકોમાં મુખોપમુખ ચાલતું આવ્યું હોય અથવા પુરાતન હસ્તપ્રતોમાંથી જડી આવ્યું હોય એ લોકગીત એમ કહી શકાય.

લોથલમાંથી મળી આવેલા અવશેષો પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં વેદસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંથી દેશજ સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. શરૂઆતનું આ સંસ્કૃત સાહિત્ય ક્રમશઃ પ્રાકૃત ભાષામાં, પછી અપભ્રંશ ભાષા અને એમ શિષ્ટ ભાષામાં પલટાતું ગયું.

લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂલ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’.

(પૂરક માહિતી: ગુજરાતનાં લોકગીતો – સં. ખોડીદાસ પરમાર)

 

7 Comments »

  1. Shivani Shah said,

    December 7, 2017 @ 6:01 AM

    લોકગીતોના પરિચય માટે વિવેકભાઇનો આભાર.. Layastaro is rocking..this time with Gujarati folk songs…भूले बिसरे प्यारे गीत …

  2. Pravin Shah said,

    December 7, 2017 @ 6:27 AM

    બસ !
    વાહ, વાહ !
    Thank you, Thank you, Vivekbhai

  3. સુરેશ જાની said,

    December 7, 2017 @ 8:40 AM

    પહેલી જ વાર વાંચવા મળ્યું. શરૂઆતમાં તો સમજણ જ ન પડી કે, આ શેની વાત છે? પણ બીજા ભાગમાં પઝલના જવાબ વાંચીને એ કુતૂહલ સંતોષાઈ ગયું.
    રપા યાદ આવી ગયા…પ્રશ્ન કાવ્ય !

    મારું એક આવું પઝલ કાવ્ય….
    કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
    કોઇ ધસમસ શ્વાસે દોડે છે.

    કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
    કોઇ લયમાં શિરને ડોલે છે.

    કોઇ મરકે છે. કોઇ બબડે છે.
    કોઇ રડમસ ચહેરે લટકે છે.

    કોઇ ભારે ભારને ઊંચકે છે.
    કોઇ હળવા દડાથી ખેલે છે.

    ધરતી સરકે છે પગ નીચે,
    પણ ચિંતા વિણ હું ઊભો છું.

    બળે કેલરી ક્ષણે ક્ષણે,
    પણ હું તો સાવ જ શીતળ છું.

    કેટકેટલાં અંતર કાપું,
    છતાં નથી હું સહેજ ખસ્યો.

    આ વાત જીવનની છે કે પછી,
    ટ્રેડમીલથી એક દર્શન છે?.

    ———
    લોકગીતના ‘ઉપાડ’ કે શરૂઆતને ગીતનું ‘થડ’ કહે છે. મધ્યભાગને ‘પેટાળ’ કહે છે જેમાં સંવાદ, સંઘર્ષ કે આપત્તિનું નિરુપણ કરી મૂલ કથાતંતુના વેગને અંતિમ લક્ષ્યગામી બનાવાય છે. અને લોકગીતનું સમાપન એટલે ‘પીચ્છ’ કે ‘છેડો’.

    આ પણ ખબર ન હતી. એની જાણ કરવા માટે દિલી આભાર.

  4. Jayendra Thakar said,

    December 7, 2017 @ 3:26 PM

    કુટુંબના સભ્યોની સરખામણી સરસ લાગી. પણ નણદઈ ને જટાળો જોગી કેમ કહ્યો?…જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો

  5. pragnaju vyas said,

    December 7, 2017 @ 11:05 PM

    નાના હતા ત્યારે ખૂબ ગાતા આ ગીત
    અને
    ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો
    ફૂલડિયાંની ફોર્યું, સાહેલી, મારી ચૂંદડીમાં રે
    ગાતા શરમના શેરડા પડતા
    આજે આ ગીત સાથે ડૉ વિવેકભા ઇના રસદર્શનથી ઘણૂં નવું જાણ્યુ

  6. Ghanshyam sinh said,

    December 10, 2019 @ 9:25 AM

    Sir aa kya dhoran ni gujarati book nu lokgit che ? Kya varshani gseb board nu 6 ? Mne 7405090261 pn jansho …sir maro wp number 6

  7. વિવેક said,

    December 12, 2019 @ 12:38 AM

    @ ઘનશ્યામ સિન્હ:
    હાલ આ ગીત કોઈ પાઠ્યપુસ્તકમાં છે કે કેમ એની અમને કોઈ જાણકારી નથી…

    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment