દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

તડકાનો ટુકડો – યોગેશ જોષી

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…

– યોગેશ જોષી

અછાંદસ કવિતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. થોડુંઘણું ગુજરાતી આવડતું હોય એ બધા અછાંદસ કવિતાઓ ઢસડવા માંડે છે પણ અછાંદસ એટલે કે મુક્ત કાવ્ય કવિતાનો સહુથી વિકટ પ્રકાર છે. ઉત્તમ અછાંદસ એ ગણાય જેમાંથી તમે એક શબ્દની પણ બાદબાકી કરી ન શકો.

આ જુઓ… સાવ નાનકડું પણ કેવું બળકટ અછાંદસ ! એક શબ્દ પણ આમાંથી બાદ તો કરી જુઓ..! તડકો અહીં ઉજાસ અને ઉષ્મા – બંનેનું પ્રતીક છે. આપણા બધાનાં જીવનમાં આવું બનતું હોય છે. કોઈ સૂરજની જેમ પ્રવેશીને આપણા જીવતરના આખા આકાશને ઝળાંહળાં કરી મૂકે છે અને પછી ચાલ્યું જાય ત્યારે ? એના સ્મરણનું અજવાળું અને હૂંફ જ જીવતરના ઓરડામાં વ્યાપી ગયેલા અંધકારને દૂર કરવામાં કામ આવતા હોય છે !

15 Comments »

 1. Rina said,

  February 9, 2013 @ 1:08 am

  Beautiful. ..

 2. perpoto said,

  February 9, 2013 @ 3:34 am

  ઢળતી સાંજે

  ઝાંખો પાંખો તડકો

  રઝળે છતે

 3. himanshu patel said,

  February 9, 2013 @ 9:28 am

  તડકો
  અને બધુંય અજવાળું…

  (તડકો એટલેજ અજવાળુ નહીં ?)

  [શબ્દો કાઢ્યા પછી ફરીથી]

  સુરજ આથમી ગયો તડકો સમેટી.
  બારીએથી આવેલો,એક ટૂકડો રહી ગયો રૂમમાં.
  બસ, એ ઓઢી,
  હવે હું સુઈ જઇશ.

 4. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  February 9, 2013 @ 10:35 am

  શ્રી હિમાંશુ પટેલ ને જણાવવાનું , તડકામાં તીવ્રતા હોઈ શકે-બલ્કે હોય! અજવાળામાં શિતળતા પણ હોય!
  સવારે બારી માંથી આવેલ તડકા નો ટુકડો – કોમળ હોઈ શકે નહીં – હોયજ ! બસ શિતળતા અને કોમળતા ઓઢી ને સુઈ જવાની વાત , એટલે સુ-પ્રભાત ને સુ-પ્રભાત કહેવા ગુડ નાઈટ પણ કહેવું જોઈશે ને! “દાળ કે ચા બગડે એની રાહ જોયા વગર સવાર સવાર માં બારી એ ઉભા રહી ને કોઈ સારું ગીત સંભળાયું હોય કોઈ નો સારો વિચાર કે સંગાથ મળ્યો હોય ,એ માંથી કંઈ પણ “બારીએથી આવેલો,એક ટૂકડો રહી ગયો રૂમમાં.” હોઈ શકે છે! કે , જેને સંસ્મરણ માં રાખી “બસ, એ ઓઢી,હવે હું સુઈ જઇશ” ની ઈચ્છા થાય કે થઈ હોય ! આ થઈ મારો ભાવાનુવાદ નું “અર્થ” કરણ ! કૃતિ ની મજા એ છે , કે, બહુ ઓછા શબ્દો થી કહેવાની વાત કહી દેવી ! હવે ,એમાંથી કોઈ શબ્દ.કે શબ્દોની બાદબાકી કરવી તે રસ નો ક્ષય કરવા જેવો છે! છતાં વિવેક ભાઈ કહે એટલે મેં પણ બે વખત વાંચ્યું ! છતાં તમારો પ્રયોગ સરા!હનીય છે

 5. Hassan Ali wadiwala said,

  February 9, 2013 @ 10:55 am

  At the age of 85 only remains are good memoirs which can be taken as a piece of sun light….in fact if you feel that light it is cool….that coolness makes you sleep sending you in deep rewinding your memoirs ,,,,which you can wear while sleeping……awaiting the eternal peace.which is around in the corner as said by the writer.
  Wish you all a happy ending and more happy beginning after reading few words having the philosophy of the life.

 6. Darshana bhatt said,

  February 9, 2013 @ 11:57 am

  કવિ તડકાના ટૂકડાને ઓઢીને સુવાની વાત તો કરે છે પણ ઉજ્જવળ યાદો સૂવા ક્યાં દે છે!!
  સુંદર રચના. બહુ જ ગમી.
  આભાર.

 7. pragnaju said,

  February 9, 2013 @ 12:42 pm

  ગઇ કાલે અહીં સ્ટોર્મ નેમો ની શરુઆત ફ્રીઝીંગ વરસાદથી થઇ આખી રાત ઠંડો પવન ફૂંકાયો અમને અડકી નેમો ઉતર-પૂર્વ તરફ જતો રહ્યો…અને સવારે તડકો !
  અને અનુભવ્યું
  સવારે
  બારીમાંથી આવેલા
  તડકાનો ટુકડો
  રહી ગયો
  મારી રૂમમાં…
  અનુભૂતિની મઝા કાંઇ ઔર હોય છે
  યાદ
  ઉષ્માભર જ્યાં ‘આવો’ કહી કો ભાવથી ના બોલાવે,
  શું કરવા જઈએ એવે ઘર, જે ઘર તડકો ના’વે?
  અને અમારો મનોજના તો ખિસ્સામાં તડકો
  ઊંચા થઈ, બેસી કિરણોની પાંખે, નભને પ્રકાશ થઈને અડકો,
  લઈ ખિસ્સામાં તડકો,

 8. Pravin Shah said,

  February 10, 2013 @ 8:11 am

  સુંદર ! તડકાની, તડકાના અજવાસની- શીતળતાની વાત ગમી.
  કવિને અભિનંદન !

 9. Pravin Shah said,

  February 10, 2013 @ 8:21 am

  આ જ કવિની એક બીજી રચના- જેમાઁ કવિએ ગરમાગરમ તડકો પીવાની વાત કરી છે.
  ગરમ ગરમ તડકો- ‘ટકોરા મારું છું આકાશને’ માંથી સાભાર-

  શું તું
  વરસાદની
  રાહ જુએ છે ?!

  હું તો
  બસ,
  પીઉં છું

  ગરમ ગરમ
  તડકો….

  -યોગેશ જોષી

 10. yogesh joshi said,

  February 10, 2013 @ 11:57 pm

  આનન્દ અને આભાર ; વિવેક્ભૈ

 11. વિવેક said,

  February 11, 2013 @ 12:06 am

  @ હિમાંશુ પટેલ:

  આપનો પ્રશ્ન: (તડકો એટલેજ અજવાળુ નહીં ?)

  મારી દૃષ્ટિએ નહીં… મારી દૃષ્ટિએ અજવાળું એ તડકાની બાય-પ્રોડક્ટ છે, સમાનાર્થી નથી… દિવસ ઊગે ત્યારે તડકો ભલે ન પથરાયો હોય પણ અજવાળું બધે પથરાઈ જાય છે… આજ ઘટના સૂર્ય આથમી જાય ત્યારે પણ સાંજના સ્વરૂપે ચાલુ રહે છે… દિવસ દરમિયાન પણ જ્યાં તડકો નથી પહોંચતો એ બધે અજવાળું તો પહોંચી જ જાય છે… અજવાળું એ તડકા કરતાં વધુ વ્યાપક છે…

 12. Maheshchandra Naik said,

  February 12, 2013 @ 1:52 am

  શિયાળામા તડકાની મઝા લીધી હોય એમને જરુર આ રચનાની મઝા આવી શકે, આભાર…

 13. La'Kant said,

  February 13, 2013 @ 1:32 am

  સૂરજ,તડકો ,અને અજવાળું….ક્રુતિકર્તાના પ્રતીકો….એના અલગ લોકો દ્વારા અર્થો…તેમની પૃષ્ઠભૂમિ અનુસાર! માણવાનો આનંદ…
  આસપાસના વાતાવરણમાંથી જે ઝીલાય…તે,તત્કાલીન મનોભાવો,ભીતરનું કાઠું-તાસીર,વિશિષ્ટ દૃષ્ટિ ઈ. શબ્દોની પહોંચ-પકડ-સૂઝ-બૂઝ, કળા-કારીગરી, એવા ઉપલબ્ધ સંસાધનો દ્વારા ઉત્કૃષ્ટ અર્થ અને મર્મ કોઈ સિદ્ધ વાચક-ભાવક ઉપજાવી શકે એનું પ્રમાણ ઉપરના કથનો કહી જાય છે.
  યોગેશ જોષીજી “તડકાનો ટુકડો રહી ગયો”તો, ” એવી કલ્પના કરે છે ,… લાધેલું/શોધી કાઢેલુ હૈયે અંકાયેલું સચવાયેલું રાહત અને મૌજ-મજો-આનંદ ખાતર વાપરવા માગે છે… એમની ચોઈસ છે…અન્યોની ભલેને જુદી હોય એ એમની રીતે અર્થ કરીને માણે… બધા એમની રીતે સહી !
  { ” જીસકા જીતના,જૈસા આંચલ,માનસ ,ઉતની-વૈસી ઉસકી સૌગાત ! ” } તો જાણીતી વાત છે ને ?
  માણ્યું -માન્યું એટલું આપણું…બાકી રહ્યું તે વાતાવારણનું ..! –લા ‘ કાન્ત / ૧૩-૨-૧૩
  .

 14. હેમંત પુણેકર said,

  February 14, 2013 @ 1:06 am

  સવારના જે તડકાનો ટૂકડો આવ્યો હતો રૂમમાં એ સાંજ પડ્યા પછી કઈ રીતે રહી ગયો એ સમજાયું નહીં.

 15. મુક્તકાવ્ય (ચતુર્શબ્દ મુક્તક) « Girishparikh's Blog said,

  February 14, 2013 @ 9:34 am

  […] http://layastaro.com/?p=9668 […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment