ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
નયન દેસાઈ

ગીત – હિતેન આનંદપરા

એય… મારી પાસે ન આવ
સાચકલી ખોટકલી વાતો ન કર
આંખોમાં આમ રાતવાસો ન કર
મને ભોળીને નાહકનું આમ ના સતાવ

દૂરેથી આંખ તારી જોતી ફરે ને કાંઈ દરિયા ઊલળે રે મારા દેહમાં
નજરોને જોરૂકી થઈને ન વાળું તો, કોણ જાણે શું થાતું સ્હેજમાં
અણદીઠા સાગરમાં કર ન ગરકાવ

રાતાં રાયણ જેવાં સપોલિયાં ભીંસે-ની લાગણીનું નામ લખું સ્પર્શ
મરજાદી તુલસીના ક્યારામાં માંડ મેં તો સાચવ્યાં છે સોળ સોળ વર્ષ
લચકેલી ડાળીને આમ ના નમાવ

ટળવળતા શ્વાસોને ઝૂલવાનું કે’ એ પહેલાં હકનો હિંડોળો તો બાંધ
આભ લગી ઊડવાના કોલ તો કબૂલું, પણ સગપણની પાંખો તો સાંધ
ત્યાર લગી રમવો ના એક્કેય દાવ

– હિતેન આનંદપરા

પ્રેમમાં પડતી ષોડ્ષીના ગીતો તો આપણી ભાષાના ખજાનામાં કંઈ કેટલાય મળી આવે. પણ આ ગીત તમે એના મધુરા લય સાથે વાંચો ત્યારે ફરીને પ્રેમમાં પડવાનું કે પાડવાનું મન થઈ આવે એવું મજાનું છે. ઉજાગરા માટે આંખોમાં રાતવાસો જેવો મજાનો શબ્દપ્રયોગ કરીને કવિ હિંચકાની હીંચ જેવો હળવો ઉપાડ લે છે. પ્રિયતમની દૃષ્ટિ માત્રથી અંગમાં અનંગના એવા દરિયા તોફાને ચડે છે કે જોરૂકા થઈ નજરોને વાળવી પડે છે નહીંતર જેમાં ગરકાવ થવા માટે મન સદૈવ આતુર જ છે, એવા અણદીઠા પ્રેમસાગરમાં ગરકાવ ન થઈ જવાય ! લચી પડેલી ડાળીને વધુ નમાવવાની વાત હોય કે પછી હકનો હિંડોળો બાંધવાની વાત હોય કે એક્કેય દાવ ન રમવાની વાત હોય, નાયિકા અહીં ના-ના કરીને હા-હા જ કરી રહી છે અને એ નકારમાં છુપાયેલો હકાર જ તો આ ગીતનું ખરું સૌંદર્ય છે.

4 Comments »

 1. AFTAB said,

  September 29, 2007 @ 2:26 am

  અરે આ ગીત સુંદર

 2. Bhavna Shukla said,

  September 29, 2007 @ 10:45 am

  દૂરેથી આંખ તારી જોતી ફરે ને કાંઈ દરિયા ઊલળે રે મારા દેહમાં
  ……………………………………………………………………
  અતિ સુંદર…
  એક કાવ્ય પાસે થી જે કૈ આશાઓ રાખી શકાય એ રીતે પૂર્ણ રચના બની શકી છે.

 3. pragnajuvyas said,

  September 29, 2007 @ 11:34 pm

  “દૂરેથી આંખ તારી જોતી ફરે ને કાંઈ દરિયા ઊલળે રે મારા દેહમાં
  નજરોને જોરૂકી થઈને ન વાળું તો, કોણ જાણે શું થાતું સ્હેજમાં
  અણદીઠા સાગરમાં કર ન ગરકાવ

  રાતાં રાયણ જેવાં સપોલિયાં ભીંસે-ની લાગણીનું નામ લખું સ્પર્શ
  મરજાદી તુલસીના ક્યારામાં માંડ મેં તો સાચવ્યાં છે સોળ સોળ વર્ષ
  લચકેલી ડાળીને આમ ના નમાવ”

  … લગ્નનાં ૫૦ વર્ષ પૂરા થવાનાં તોય
  અમને થાય કે અમે અજાણ્યાં થઈ જઈ આ કાવ્યમાં
  વર્ણવેલી લાગણીનો ફરી અનુભવ કરીએ!
  – અતિ સુંદર ગીત
  હિતેન આનંદપરા
  અભિનંદન

 4. ઊર્મિ said,

  October 1, 2007 @ 9:59 pm

  અરે વાહ દોસ્ત…. ખૂબ જ મજા આવી ગઈ હોં!!
  આ ગીત વાંચીને સાચ્ચે જ ઊર્મિઓ લીલી લીલી થઈ ગઈ… 🙂

  “ટળવળતા શ્વાસોને ઝૂલવાનું કે’ એ પહેલાં હકનો હિંડોળો તો બાંધ
  આભ લગી ઊડવાના કોલ તો કબૂલું, પણ સગપણની પાંખો તો સાંધ
  ત્યાર લગી રમવો ના એક્કેય દાવ…”

  આમ તો આખ્ખું ગીત જ હિલ્લોળા લેતું લાગ્યું પણ નાયિકાનાં એક્કેય દાવ ન રમવા જેવાં નખરાં તો ખૂબ જ ગમ્યાં…!! 😀

  તાજેતરમાં હિતેનભાઈને મળવાનો લ્હાવો મળવાનો હતો પરંતુ એમની તબિયત બગડી જવાથી ન મળી શક્યો… એનો અફસોસ આ કાવ્ય વાંચ્યા પછી વધુ થાય છે…! 🙁

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment