તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.
હરદ્વાર ગોસ્વામી

વાયરા ધીરા ધીરા કળપે – ઊજમશી પરમાર

કોકડ મોકડ વળી અમસ્તો પડ્યો ક્યારનો સોપો,
સવળે નહીં લગરીકે, મારો ડંગોરો કે તોપો.

લહલહ કરતો હાંફે, લાંબી જીભ લટકતી હેઠે,
જરીય પડખું ફેરવવાની તસ્દી ના’વે નેઠે.

હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,
કિયા ગુનામાં ઝાડ નમીને ઊભાં પાંદડાં ઢાળી ?

વાટેઘાટે એદી અજગર સમો પડ્યો જળ-સ્થળમાં,
કરે જાગતું પડ એને તો ધરબી દઉં હું તળમાં.

જરી ય ફફડે ધજા તો એના ઉડાડું લીરેલીરા,
સોગ પાળતા ખૂણે વાયરા કળપે ધીરા ધીરા.

– ઊજમશી પરમાર

સન્નાટાની કવિતા… લય અને શબ્દની બાંધણી એવી ચસોચસ થઈ છે કે ભારીખમ્મ સુનકાર આપણી છાતી પર ચડી બેસતો હોય એમ લાગે. કૂકડું વાળીને સોપો એ રીતે પડ્યો છે કે લાકદીથી ફટકારો કે તોપ ફોડો, એ જરાય સવળવાનો નથી. આળસુ અજગર પેઠે જાણે જીભ લટકાવીને એ હાંફી રહ્યો ન હોય… વાયરાને એ જાણે પોતાની નીચે દબાવી બેઠો ન હોય એમ એ વાતો અટકી ગયો છે. ઝાડના પાંદડા પણ વાયરાની ગેરહાજરીમાં નીચા ઢળી પડ્યાં છે. શોકાતુર વાયરો ધીમે ધીમે ઝૂરી રહ્યો છે…

9 Comments »

 1. મીના છેડા said,

  June 23, 2012 @ 4:02 am

  જાણે આખી બપોર પર સન્નાટો ફરી વળ્યો…..

 2. pragnaju said,

  June 23, 2012 @ 8:03 am

  સરસ
  યાદ
  ડૉ. કિશોર મોદી.
  પાદરના પાળિયે ઊભું એકાંત બહુ ગમે,
  ખેતરના ઢાળિયે ઊભું એકાંત બહુ ગમે.
  વૈશાખની બપોર માથે મૂકી ચાલતા,
  માણસના ફાળિયે ઊભું એકાંત બહુ ગમે.

 3. Dhruti Modi said,

  June 23, 2012 @ 9:04 pm

  આહા, કેટલું સુંદર ગીત, મન પર પણ ઍક ભારે સોપો પાડી દે છે.

 4. kishoremodi said,

  June 23, 2012 @ 10:44 pm

  સરસ ગીત
  મણિલાલ દેસાઈની યાદ આવી ગઈ.
  પવન પેઠો રાનમાં તોયે ઝાડવાં કેવા થિર બેઠેલા
  ફૂલ બેઠા છે ફેરવી ડાચું કિયે ઠેકાણે પઈડું વાકું.

 5. sudhir patel said,

  June 24, 2012 @ 12:25 am

  ખૂબ સુંદર!!
  સુધીર પટેલ.

 6. rajesh mahant said,

  June 24, 2012 @ 8:01 am

  એક સન્નાટાનો વ્યાપેલો ભય્
  ખુબ જ સરસ શબ્દ નિરુપણ્

 7. Maheshchandra Naik said,

  June 24, 2012 @ 2:10 pm

  સન્નાટાની સરસ અભિવ્યક્તિ અને એકાંતને માણવાની તક……….

 8. Dinesh Pandya said,

  June 25, 2012 @ 4:34 am

  હવે વાયરો ફરકે ક્યાંથી, સૂતો હેઠ દબાવી,

  સન્નાટો જ સન્નાટો, કોકડ મોકડ, સોપો, ડંગોરો,
  લહલહ, ધરબી દઉં, તળમાં, લીરેલીરા, સોગ,
  કળપે, વ. લોક્બોલીના શબ્દો લઈ
  કવીએ રચેલું સુંદર ગીત!
  અભિનંદન!
  દિનેશ

 9. Rasila Kadia said,

  June 26, 2012 @ 3:31 am

  ખુબ ગમઇ.સોપો કોકડ્ મોકડ્ પડ્યો હોવાનેી કલ્પના મઝાનેી રહેી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment