એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

પવનની ઉતાવળ– ભાનુપ્રસાદ પંડ્યા

મારે હવે ઉપડવું જોઈએ –
હથેળીમાં ફૂલ લઈને એકલાં
હળુ હળુ ફરે છે સોડમદે,
પતંગિયાની પાંખનું
પટોળું પહેરીને ઊભાં ઊભાં
મલકે છે પ્રભાતકુંવરી.
પર્ણોની સિતાર હજી પડી સાવ ચૂપ ?
ગતિહીન દીસે પેલા દેવળનાં
ધજા અને ધૂપ ?
પાલવમાં ઢાંકી રાખ્યું
ચલાવી લેવાય કેમ
છડેચોક નીસરતું રાતુંચોળ રૂપ ?
રસ્તામાં ગંધને
ભમરા ગમાડતા જવા છે,
જળના છોરું રમાડતાં જવાં છે,
વગડાની વાટે ક્યાંક
બેસી પડી છે ઓલી ધૂળની ડોશી
એને બાવડું ઝાલીને બેઠી કરવી છે –
અડસઠ તીરથ ભેગી કરવી છે  !

– ભાનુપ્રસાદ પંડ્યા

પવનને ઉપડવું છે. ઉતાવળમાં ઉપડવું છે. એણે પર્ણોની સૂની પડેલી સિતારને ઝણકાવવાની છે, ઘજા ને ધૂપને ‘ગલીપચી’ કરવાની છે, પાલવને ઉડાડીને એક ઝલકની ચોરી કરવાની છે, ભમરાને સુગંધની દોરીથી બાંધી લેવાના છે ને – સૌથી મઝાની વાત – ધૂળ-ડોશીને અડસઠ તીરથની યાત્રા કરાવવાની છે. વાત સામાન્ય છે પણ કલ્પનો એવા તો મનમોહક છે કે કાવ્ય પૂરું થતા સુધી હોઠ પર મલકાટ આવી જ જાય છે. આ મલકાટ જ કવિ-ગીરીનો  વિજય છે :-) 

10 Comments »

 1. ઊર્મિ said,

  March 13, 2012 @ 11:51 pm

  અરે વાહ… મજા આવી ગઈ… ઘણા વખતે આવું મસ્ત મજાનું અછાંદસ વાંચવા મળ્યું.
  લાગે છે કે જાણે પવનની લહેરખી આપણનેય ‘ગલીપચી’ કરી જાય છે.
  અને પેલી ધૂળની ડોસી તો ઉડીને સીધી આંખે વળગે છે હોં… 🙂

 2. Rina said,

  March 14, 2012 @ 12:43 am

  વાહ…….

 3. munira said,

  March 14, 2012 @ 1:22 am

  પતંગિયાની પાંખનું
  પટોળું; પર્ણોની સિતાર ;ગતિહીન દીસે પેલા દેવળનાં
  ધજા અને ધૂપ ?
  ખુબ ખુબ સરસ !!!!

 4. rajul b said,

  March 14, 2012 @ 5:29 am

  પવન ની એક લહેરખી..કણકણ માં જીવન નો સંચાર..

  મનભાવન રચના..

 5. વિવેક said,

  March 14, 2012 @ 8:25 am

  સુંદર મજાનું કાવ્ય… એક આખું ચિત્ર તાદૃશ થઈ ગયું…

  વાહ કવિ! કમાલ !!!

 6. pragnaju said,

  March 14, 2012 @ 11:41 am

  સ રસ રચના
  વગડાની વાટે ક્યાંક
  બેસી પડી છે ઓલી ધૂળની ડોશી
  એને બાવડું ઝાલીને બેઠી કરવી છે –
  અડસઠ તીરથ ભેગી કરવી છે !
  વાહ્
  અડસઠ તીરથ એમનાં ચરણોમાં,
  બીજાં તીરથ ના ફરશો… ..
  મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા
  ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય ….
  પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?
  યાદ સૈફ
  ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,.
  શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
  થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
  ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

 7. Dhruti Modi said,

  March 14, 2012 @ 4:52 pm

  તાદ્ર્શ ચિત્ર ઉપસ્થિત કરતું સુંદર અછાંદસ.

 8. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  March 15, 2012 @ 10:48 am

  શું લખવું,સિવાય વાહ વાહ!

 9. મદહોશ said,

  March 22, 2012 @ 11:29 am

  મસ્ત અછાંદસ. જાણે કે વહેલી સવાર નો પવન મને તરબતર કરી ગયો.

 10. vineshchandra chhotai said,

  March 23, 2012 @ 4:08 am

  ભૈ ભૌ સરસ …………અતિ સુન્દેર ………………વાહ ……..અભિનન્દન ;;;;;આભર ……ધન્ય્વદ ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment