તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.
વિવેક ટેલર

(થઈ જઈએ રળિયાત) – આંડાલ (તામિલ) (અનુ. સુરેશ દલાલ)

આ માગશરનો મહિનો ને આ પૂર્ણચંદ્રની રાત,
ચલો સખી નાહવાને જઈએ, થઈ જઈએ રળિયાત.

ગોકુળની સુંદર કન્યાઓ ગોકુળનો છે મહિમા,
સજીધજીને ચલો સખી ! પછી જળમાં સરશું ધીમાં.

યશોદાની આંખોનો ઓચ્છવ; વનરાજ, નંદનો છોરો
ઘનશ્યામ દેહ ને કમલનયન એ : નહીં આઘો નહીં ઓરો.

ચહેરો જેનો ચંદ્ર સમો ને બધાંયનું સુખધામ
એ આપણને વરદાન આપશે : સ્તુતિમય સઘળાં કામ.

– આંડાલ
(અનુ. સુરેશ દલાલ)

ભારતીય સંસ્કૃતિના ભક્તકવિઓએ કદી કવિતા કરવા માટે કલમ નથી ઉપાડી પણ ભક્તિ એમના લોહીમાં એવી રીતે ભળી ગઈ હતી કે એમની કલમથી કે જીભેથી નકરી લયબદ્ધ કવિતા ટપકતી. તામિલ કવયિત્રી આંડાલની આ કૃષ્ણભક્તિપ્રેમની કવિતા જેટલી સરળ અને સહજ લાગે છે એટલી જ ઊંડી પણ છે. પ્રભુમિલનની આશા હોય તો કશું પણ અપૂર્ણ ખપે નહીં. માટે જ પૂર્ણચંદ્રની રાત. અને નાહવા જઈએ ત્યારે સામાન્યરીતે આપણે મેલાં કપડાં પહેરીને જતાં હોઈએ છીએ જ્યારે નહાયા પછી ચોખ્ખાં અને નવાં કપડાં ! ખરું ? અહીં જ આંડાલનું ભક્તિપદ કાવ્યત્વ પામે છે. અહીં નહાવા જવાનું છે પણ સજીધજીને. પ્રભુપ્રેમમાં તરબોળ થવા જવું હોય તો જેમ કશું અપૂર્ણ ન ચાલે, એમ જ કશું મેલું કે જૂનું પણ ન ચાલે. બધો મેલ મેલીને જવું પડે અને એમાં ઉતાવળ પણ ન ચાલે… ત્યાં તો ધીમે ધીમે સરવાનું હોય…

6 Comments »

 1. મીના છેડા said,

  February 24, 2012 @ 7:11 am

  ભક્તિ કાવ્ય તો સુંદર જ…. પણ એની સુંદરતા ત્યારે વધી જ્યારે વિવેક તારી નજરે આ કાવ્ય માણ્યું … આ ટિપ્પણી ન હોત તો આ કાવ્ય કદાચ સરસરી નજરે જ સુંદરતા ઊભી કરત…

 2. Darshana Bhatt. said,

  February 24, 2012 @ 11:17 am

  Yes Meenaben ,you are right. A beautiful Bhakti Kavy.

 3. vineshchandra chhotai said,

  February 24, 2012 @ 11:55 pm

  કદાચ આ મહિમા થિ બહુ લોકો મહેર ન જ હોયે , કવિય્ત્રિ નિ બ્ભાવ્ના સમજ્વ જેવિ ……………..ઉતમ ………

 4. pragnaju said,

  February 26, 2012 @ 4:27 am

  ગોકુળની સુંદર કન્યાઓ ગોકુળનો છે મહિમા,
  સજીધજીને ચલો સખી ! પછી જળમાં સરશું ધીમાં.

  યશોદાની આંખોનો ઓચ્છવ; વનરાજ, નંદનો છોરો
  ઘનશ્યામ દેહ ને કમલનયન એ : નહીં આઘો નહીં ઓરો.
  સુંદર

  દક્ષિણની મીરાં ગણાતી ભક્ત કવયિત્રી આંડાલના આ શબ્દો છે. મીરાંબાઈની માફક તેમણે પણ ‘ગિરિવર મારો સાચો પ્રિયતમ’ની ભાવનાને પોતાના જીવનમાં સાકાર કરી બતાવી હતી. આંડાલ તમિળનાડુના સુપ્રસિદ્ધ વૈષ્ણવભક્તના સંત પેરિયાળવારની પાલક પુત્રી હતી. ભગવાન શ્રીકૃષ્ણ માટે પુષ્પો વીણતાં તુલસીના છોડ પાસેથી એક નાનકડી બાળકીના રૂપે તેમને તે પ્રાપ્ત થઈ હતી. પેરિયાળવારે તેનું નામ ‘કૌદે’ રાખ્યું હતું, જેનો અર્થ થાય છે પુષ્પમાળા.
  પરમ ભાગવત કૃષ્ણભક્ત પિતા પેરિયાળવારના મુખે ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓની કથા સાંભળી કૌદેનું મન પણ નાનપણથી કૃષ્ણભક્તિના રંગથી રંગાઈ ગયું હતું. તેણે પણ મીરાંબાઈની માફક ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પ્રિયતમ પતિ તરીકે સ્વીકારી લીધા હતા. તે ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું વર્ણન વિવિધ પ્રકારની કવિતા અને પદોમાં કરતી રહી. ભક્ત કવયિત્રી આંડાલના આ પદો ‘તિરુપ્પાવૈ’ તથા ‘નાચ્ચિયાર તિરુમોલિ’ નામના બે ગ્રંથોમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.

 5. વિવેક said,

  February 26, 2012 @ 11:46 pm

  @ પ્રજ્ઞાજુ:

  રસપ્રદ પૂરક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર !

 6. Prajapati Karashan said,

  March 4, 2012 @ 3:23 am

  Mane aa kaviyatri ni kavita khare khar bhu ras pard lagi.ane bahu j saras rite samjave li kavita khub j sundar chhe. aanu bhasantar pan niche sars karelu chhe e mane bahu j gamyu. Jay Krishna.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment