મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને
ભરત વિંઝુડા

અષાઢના પ્રથમ દિવસે – ઉદયન ઠક્કર

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી

નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી

એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી

કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી

કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી

બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી

આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી

પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી

– ઉદયન ઠક્કર

આજે અચાનક જ આ રમતિયાળ ગઝલ વાંચવામાં આવી ગઈ અને ખરેખર અષાઢના પ્રથમ દિવસ જેટલો આનંદ થઈ ગયો. આવા નવાનક્કોર કલ્પનો અને ગર્ભિત રમૂજથી ભરીભરી ગઝલ વારંવાર થોડી મળે છે ?! પહેલા જ શેરમાં કવિએ સરસ ગમ્મત કરી છે. કવિ અષાઢના પ્રથમ દિવસે કાલિદાસના નાયકની જેમ મેઘને પોતાની વ્યથા સંભળાવમાં રાચે છે ત્યારે એમની પ્રિયા શું કરે છે ? – કવિનું તદ્દન પોપટ કરે છે અને તાડપત્રી લગાવી દે છે 🙂 આ એક જ શેર પરથી ગઝલનો માહોલ બંધાઈ જાય છે. અષાઢનો પહેલો દિવસ તો રુઢિચુસ્ત ગઝલને માળીયે ચડાવીને શબ્દોને છૂટ્ટો દોર આપવાનો દિવસ છે ! એ મસ્તીના માહોલને મનમાં ભરીને તમે પણ આ ગઝલ ફરી એક વાર વાંચી જુઓ.

5 Comments »

  1. Hiral Thaker - 'Vasantiful' said,

    May 8, 2007 @ 4:15 AM

    Very nice …!!!Realy ‘Varsad’ yad avi gayo……Sathe sathe garam garam cha pan…..

  2. Darshit said,

    May 8, 2007 @ 12:40 PM

    its very nice and woven with words like Varsad na tipa nadi ma bhali jai tem ane chutta nathi padi sakata ek,be ke char…..

  3. JayShree said,

    May 8, 2007 @ 4:28 PM

    ખરેખર ધવલભાઇ…. પહેલો શેર વાંચીને જ મસ્તી આવી જાય…
    દરેક શેર એકદમ હળવા કરી દે એવા છે…

    મજા મજા આવી ગઇ… !!

  4. rajesh trivedi said,

    July 5, 2007 @ 7:08 AM

    હજુ વરસાદ્દ ના દિવસો શરુ થયા અને અષાઢના વરસાદની ભીની સુગંધ આપતી ગઝલ આવી ગયી. સુંદર રચના

  5. લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,

    July 13, 2008 @ 6:34 AM

    […] અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી -ઉદયન ઠક્કર […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment