દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

અંગત અંગત : ૦૨ : મારા દરેક શ્વાસ જેના ઋણી છે…

‘લયસ્તરો’ની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જીવનમાં અગત્યનો ભાગ ભજવી ગઈ હોય કે મહત્ત્વનો ‘ટર્નિંગ પૉઇન્ટ’ સાબિત થઈ હોય એવી રચના પોતાની કેફિયત સાથે મૂકવાનું ધવલે સૂચવ્યું એ દિવસથી વિમાસણમાં પડી જવાયું. કઈ કવિતા પર આંગળી મૂકવી અને કઈ પર નહીં એ ધર્મસંકટ બની ગયું. મારા વાચનખંડના બધા જ પુસ્તકો એકસામટા છાતી પર ધસી આવ્યા. મનોજ ખંડેરિયાની ગઝલો જેણે મને અજાણપણે કાફિયા-રદીફનું જ્ઞાન આપ્યું હતું એમાંથી એક પસંદ કરું કે કલાપીની આપની યાદીથી ચડેલા અનંત કેફને યાદ કરું, મરીઝનું ગળતું જામ હાથમાં લઉં કે પછી ગનીચાચાની દિવસો જુદાઈના જાય છે ને સ્મરું,  કાન્તની સાગર અને શશીના કારણે કવિતામાં આવતી સૌંદર્ય દૃષ્ટિ ખુલી હતી એની નોંધ લઉં કે પછી ઉમાશંકરના ભોમિયા વિનાની કંદરાની વાત કરું – આ વિમાસણમાં હતો ત્યાં જ ઊર્મિ સાથે ફોન પર વાત કરતાં કરતાં મનમાં પ્રકાશ થયો… શા માટે એ એક આખી ગઝલ અને એક ગઝલની પંક્તિની વાત ન કરું જેણે મારી આખી જિંદગી જ બદલી નાંખી હતી !

ગઝલ

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.

હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

-વિવેક મનહર ટેલર

*

ગઝલ પંક્તિ

(આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,)
ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો !

– આદિલ મન્સૂરી

*

જે શાળામાં ભણ્યો હતો એ જ જીવનભારતીના ઑડિટોરિયમમાં 1990-91ની આસપાસ એક કવિસંમેલનમાં કવિતા વાંચવા ગયો. કોલેજની જ એક છોકરી એ કવિ સંમેલનના એક ખૂણામાં બેઠી હતી અને મારા શબ્દો પોતાના લોહીમાં આત્મસાત્ થતા અનુભવી રહી હતી. મારી જાણ બહારની અમારી એ મુલાકાત પછી તો પ્રણય અને પરિણયમાં પરિણમી પણ મારા હાથમાંથી ગઝલ અને એ રીતે કવિતા છટકી ગયાં. શરૂમાં કોલેજના અભ્યાસની તાકીદ અને પછીથી નોકરી, પછી કન્સલ્ટિંગ રૂમ અને એ બાદ હૉસ્પિટલ શરૂ કરી જીવનમાં ઠરીઠામ થવાની અસંમજસ હતી કે પછી એક જ દિશામાં વળી રહેલી મારી ગઝલ માટેનો સમયનો તકાજો હતો પણ દોઢ દાયકા સુધી કશું નોંધપાત્ર લખી ન શકાયું. પંદરેક વર્ષમાં તો હું ભૂલી પણ ગયો કે હું ક્યારેક કવિતા પણ કરતો હતો. લખવાનું ભૂલી ગયો અને વાંચવાનુંય વિસારે પડી ગયું. પણ મારી કવિતાને ન ભૂલી તો માત્ર ઑડિટોરિયમના ખૂણે બેઠેલી એ છોકરી જે એની દરેક વરસગાંઠ પર, અમારી દરેક પ્રપોઝલ એનિવર્સરી ઉપર અને દરેક લગ્નતિથિ પર ‘શું ભેટ જોઈએ છે’ એવા મારા પ્રશ્નના જવાબમાં દર વરસે આગલા વરસોની લાગલગાટ નિરાશાઓ ખંખેરીને, એક નવા જ ઉત્સાહથી અચૂક એક નવી ગઝલ જ માંગતી રહી, એટલી હદે કે આગલી વર્ષગાંઠ પર એને ભેટવાળો પ્રશ્ન પૂછતાં મને બીક અને શરમ પણ લાગવા માંડી.

મેં ગઝલ તો ન લખી આપી પણ અંદર સતત કંઈક કોરાતું રહેવાનું અનુભવી રહ્યો. 2005ના શરૂઆતના ગાળામાં જીવનભારતીના એ જ ઑડિટોરિયમમાં નવોદિત કવિઓનું ‘ગઈ કાલનો આ છોકરો શાયર બની ગયો’ નામથી કવિ સંમેલન યોજાયું. અમે બંને શ્રોતાગણમાં બેઠાં. એક પછી એક કવિ કવિતા રજૂ કરતાં ગયાં પણ અમે બંનેએ સમાન તીવ્રતાથી અનુભવ્યું કે અમે સમયના કોઈ બીજા જ ખંડમાં પહોંચી ગયા હતા… એ જ શાળા… એ જ મંચ… હું સ્ટેજ ઉપરથી ‘ઝાકળ’ ગઝલ રજૂ કરી રહ્યો હતો અને એ પાંખડી સમ ભીંજાતી હતી… વરસો પહેલાંની એ ઘટના અમે બંને એ એકસાથે અનુભવી. તીવ્ર વેદનાનો અનુભવ થયો. સખત ભીંસામણ છાતીના પિંજરાને કચડતી હતી, જાણે ભીતર જ્વાળામુખી ન ફાટવાનો હોય ! આર્દ્ર આંખે અમે બંનેએ એકમેક સામે જોયું. આજે આ જ મંચ ઉપર પેલા કવિમિત્રોની પડખે બેસીને કવિતા વાંચવાના બદલે હું શ્રોતાગણમાં બેસીને એમને સાંભળતો હતો…. એણે મારા હાથ પર એનો હાથ દાબ્યો… પથ્થર ફોડીને ઝરણું શું આ જ રીતે નીકળતું હશે ?

…બસ, એ ઝરણું એ પછી અવિરત vmtailor.comના નામે આપ સહુ સુધી પહોંચતું રહ્યું છે…

28 Comments »

 1. Pinki said,

  December 6, 2010 @ 2:24 am

  હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
  મન-વિચારોને જો અડે ઝાકળ.

  તમે કહો છો એવી જ મીઠી મૂંઝવણમાંથી વાચકો પસાર થઇ રહ્યા છે.
  શું કોઇ એક માત્ર કવિતા ….. ?

  સવારે સૂરજ વહેલો મોડો ઊગે, પણ કાવ્યરુપી ઝાકળ જેને ભીંજવતું હોય,
  એની સવાર તો કાવ્યથી જ ઊગવાની !
  અને અંગત અંગત… કવિતા સાથેની એ ક્ષણો જ તો જિંદગી છે.

 2. ડો.મહેશ રાવલ said,

  December 6, 2010 @ 6:21 am

  શ્રી વિવેકભાઈ,
  તમે અનુભવેલી લાગણીનાં દરેક ભાવની અભિવ્યક્તિ અને એના પછીની સંવેદનાઓને અહીં જે નિખાલસતામાં ઝબોળી પ્રસ્તુત કરી છે એ,અત્યંત ભાવવાહી રહી.
  ઝાકળ-ગઝલથી આરંભાયેલ ગઝલ અને જીવન યાત્રા યશ.કિર્તી,માન,સન્માન અને ઐશ્વર્યનાં આજ પર્યંત અદીઠા કે અનટચ્ડ રહેલાં તમામ શિખરોને આંબી, સંતોષ,શાંતિ અને હાશકારાનું સીમાચિહ્ન બની રહો……એવી એક ગઝલકાર તરીકે તો ખરીજ પણ એક અંગત મિત્રભાવે શુભકામનાઓ પાઠવું છું.
  અને પરિચય,પ્રણય અને પરિણય વડે વિવેકાઈ ગયેલી લાગણીઓને સતત સિંચન વડે નિખારતી રહી છે એ વૈશાલીને પણ અઢળક આશીર્વાદ.
  જય હો….!

 3. PUSHPAKANT Talati said,

  December 6, 2010 @ 6:59 am

  વિવેકભાઈ નું સુંદર મજાનું વર્ણનાત્મક અને દિલને સ્પર્ષીજતું વિવરણ વાંચી ઘણો જ આનન્દ થયો.

  કોલેજની જ એ છોકરી, જે કવિ સંમેલનના એક ખૂણામાં બેઠી હતી તેને સલામ કરવાનું મનથાય છે. કેમ કે તેમણે જ તો તમારા હાથમાં છટકી ગયેલી કલા ને ફરી મુકી; અને અમારા જેવા ને ગઝલકારની ભેટ ધરી. – દોઢ દાયકા બાદ પણ ફરી એક કલાકારને સુષુપ્તતામાંથી બહાર કાઢી / જાગ્રુત કરી અને પોતાની દરેક વરસગાંઠ ઉપર અને દરેક પ્રપોઝલ એનિવર્સરી ઉપર અને દરેક લગ્નતિથિ પર મળવા પાત્ર કિમતી ભેટ તજી ને દર વરસે અચૂક એક નવી ગઝલ જ માંગતી રહી, – અને તેથી જ વિવેકભાઈ કરતાં તેમનો વ્ધુ આભારી હોવાનું અનુભવી રહ્યો છું .
  વિવેકભાઈ , – આપની ક્રુતિ સરસ તેનજ ગમે તેવી હોવાનું હું CONFIRM કરું છું. પરન્તુ સાથે સાથે આપને કલાકાર બનાવનાર કલાકારને હું કેમ અન્યાય કરી શકું ? – તો અમારાં ભાભીજી ને તો તે જસ (યશ) આપવો જ પડે ને ? !!!
  આભાર.

 4. rekhasindhal said,

  December 6, 2010 @ 7:22 am

  બહુ સુઁદર વિવેકભાઈ. શરૂઆત જ એકદમ અદભૂત થઈ છે.

  રાત રડતી અને સરે ઝાકળ,
  પુષ્પની આંખથી વહે ઝાકળ.

  વાંચતા જ હ્રદય પીગળવા લાગે.

  ઝાકળ પર આટલી સરસ ગઝલ પહેલાં ક્યારેય વાંચ્યાનું યાદ નથી.
  અભિનંદન.

 5. સુનીલ શાહ said,

  December 6, 2010 @ 9:59 am

  વાહ કવિ…
  અંગત લાગણીઓની અભિવ્યક્તિ ખૂબ સુંદર શબ્દો દ્વારા કરી. ગમ્યું.

 6. vijay shah said,

  December 6, 2010 @ 10:13 am

  શત શત અભિનંદન્

  હવે તો તે સરવણીઓ વહી વહીને ગંગા થઇ ચુકી છે
  રાહ જોઉં ક્યારે તે મહાનદી બનીને સાગરને મળે છે.

 7. Girish Parikh said,

  December 6, 2010 @ 10:47 am

  એક કવિની હૃદયસ્પર્શી કેફિયત. –ગિરીશ પરીખ

 8. pragnaju said,

  December 6, 2010 @ 11:53 am

  અંગત અંગત ભાવની મઝાની પારદર્શક અભિવ્યક્તી ફરી ફરી વાંચી
  અને
  આવી જ પારદર્શક અભિવ્યક્તી તમારી ઘણી રચનાઓમાં લાગી જ છે.
  મનહરના સૂર ગૂંજે છે
  મહોબત કહો તો મહોબત કરી છે-
  બગાવત કહો તો બગાવત કરી છે.
  કહો દંભીઓને કે સમજાવે એને
  કાંઇ બંડ પાછું ન પોકારી દે…
  ‘એ ઝરણું એ પછી અવિરત vmtailor.comના નામે આપ સહુ સુધી પહોંચતું રહ્યું છે’
  અને પહોંચતું જ રહે તેવી પ્રભુ પ્રાર્થના
  દુઆ કરતે હે હમ શિર જુકાએ,
  તુ અપની મંઝીલ કો પાયે,

 9. Bharat Trivedi said,

  December 6, 2010 @ 12:05 pm

  કવિના પ્રેમની વાતમાં મને ખૂબ રસ પડે ! અને જો તે પ્રેમ સફળ થયો હોય તો મઝા બેવડાઈ જ જાયને ! અહીં તો સફળ કવિના સફળ પ્રેમની વાત છે અને એવી જ કાવ્યાત્મક રીતે કે વિવેકભાઈ, મઝા આવી ગઈ. એક છોકરી હું કવિતા વાંચું ત્યારે ઊઠીને ચાલી જતી હતી! તેને એમ કે કવિઓ તો આવું બધું લખ્યા કરે! સાલા સાવ જુઠ્ઠા ! આજે ૩૯ વર્ષથી મારી કવિતા સંભળાવીને હું બદલો લઉં છું ને આજેય તે મારી કવિતાની નંબર વન વિવેચક છે!

  -ભરત ત્રિવેદી

 10. ધવલ said,

  December 6, 2010 @ 12:37 pm

  જીંદગીભરની ઠોકરોને સરભર કરવા … એકાદ ટેકો પૂરતો હોય છે .

  સર્‍સ !

 11. Girish Parikh said,

  December 6, 2010 @ 12:47 pm

  મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં
  (મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.)

  ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક લખવાના શ્રી ગણેશ મેં ઉપરના શેરથી કર્યા હતા. (વિવેકે આપેલી ગઝલ-પંક્તિ પણ ઉપરનો શેર જે ગઝલમાં છે એમાં જ છે.) ઉપરના શેરની પ્રથમ પંક્તિ વિશે થોડુંકઃ
  એ પંક્તિ વાંચતાં હું રડી પડેલો! મને યાદ આવેલાં શારદા મા (શ્રી રામક્રુશ્ણ પરમહંસ દેવનાં પત્ની જેમને એ માતા ગણતા હતા). બાળકને રડતો જોઈને કઈ માને દુખ ન થાય, અને આતો સમગ્ર વિશ્વનાં માતા.
  ગઝલની એ ખૂબી છે કે એના શેરોમાંથી અલૌકિક અર્થ પણ નીકળે, અને લૌકિક અર્થ પણ નીકળે.
  આપણા શરીરને જન્મ આપનારી જનની પણ આપણને રડતા જોઈ જરૂર રડી પડે. અને પ્રિયતમને રડતો જોઈને કઈ પ્રિયા રડી ન પડે?
  ઉપરના શેર વિશેનું પૂરું લખાણ વાંચોઃ
  http://girishparikh.wordpress.com/2010/03/24/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B6%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6/
  –ગિરીશ પરીખ

 12. Ramesh Patel said,

  December 6, 2010 @ 1:46 pm

  તો ઉષા બળતી હોત ભડકે પણ,
  ઠારવા સૂર્યને બળે ઝાકળ.

  દર્દ હો કે ખુશી જીવનની હો,
  બેયમાં આંખમાં તરે ઝાકળ.
  …………………………..
  ગઝબના શેર! આપના હ્ર્દયથી જ ઊભરી શકે. મંગલ ભાવના અને મંગલ સંયોગ.
  અંતરથી અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 13. dHRUTI MODI said,

  December 6, 2010 @ 3:37 pm

  અંગત હૃદયસ્પર્શી વાતો પણ ગમી અને ગઝલ પણ આસ્વાદી.અભિનંદન કવિને અને કવિની કવિતા સમ પ્રિયાને.

 14. sapana said,

  December 6, 2010 @ 8:45 pm

  સરસ પ્રસ્તાવના…હ્રદયસ્પર્શી…ઝાકળ રદિફ ગમ્યો..સાદી સરળ ગઝલ્!!
  સપના

 15. Taha Mansuri said,

  December 6, 2010 @ 10:25 pm

  ખુબ જ સરસ ગઝલ અને એટલી જ સરસ કેફિયત.

  આપે એક વખત “લયસ્તરો” ઉપર જ લખ્યું હતું કે આદિલ મન્સૂરીનાં પગલાં પોતાની હોટલમાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય સમજી પોતાનું આખું બિલ જતું કરનાર હોટેલિયર્સ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને આંચ નહી આવે, પણ આજ હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ભાભીજી (આપનાં પત્ની શ્રી) જેવી સ્ત્રીઓ છે ત્યાં સુધીયે ગુજરાતી ભાષાને કોઇ આંચ નહીં આવી શકે.

 16. ઉલ્લાસ ઓઝા said,

  December 7, 2010 @ 4:23 am

  સુંદર હૃદયસ્પર્શી, લાગણી-સભર રચના. અભિનંદન.

 17. nilam doshi said,

  December 7, 2010 @ 5:48 am

  congrats …today not to you only…but in true sense vaishali ne….
  jene lidhe……

  aaje… aa badhu…. ..

 18. ઊર્મિ said,

  December 8, 2010 @ 8:45 am

  કવિ અને ખાસ તો કવિની પ્રેરણામૂર્તીને પ્રણામ…

 19. devika dhruva said,

  December 8, 2010 @ 11:21 am

  દિલના ઊંડાણમાંથી નીકળેલી,ઉંડે સુધેી સ્પર્શી જતી ભીની ભીની અભિવ્યક્તિ ખુબ ગમી.
  હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
  મન-વિચારોને જો અડે ઝાકળ……..ખુબ સરસ વિવેકભાઈ..અભિનંદન બંનેને…

 20. બીના said,

  December 10, 2010 @ 11:30 am

  સરસ વિવેકભાઈ. અભિનંદન તમને બંનેને!

 21. કિરણસિંહ ચૌહાણ said,

  December 10, 2010 @ 10:38 pm

  વાહ, વિવેકભાઇ!
  નજાકતભરી આપની ગઝલ અને કમનીય કેફિયત – બંને ગમ્યા. તાજેતરમાં આકાશવાણી, સુરત પરથી પ્રસારિત થયેલી આપણી મુલાકાત યાદ આવી ગઇ. જેમાં આ રૂપાળા પ્રસંગનો તમે બહુ ભાવપૂર્વક ઉલ્લેખ કર્યો હતો.

 22. milind gadhavi said,

  December 18, 2010 @ 9:45 am

  એક મીઠું મૌન મૂકું છું…

 23. Mekna Patel said,

  April 6, 2012 @ 3:04 am

  E Bhinjayel Haiya ni Bhinash na Ame Sahu Aabhari Chhie………

 24. વિવેક said,

  April 6, 2012 @ 7:53 am

  આભાર, દિલ સે !!!

 25. jitendrapadh said,

  May 19, 2012 @ 10:16 pm

  Tame gujarati bhashane matbar karvana ane jagatna khune pahochdvana je payas karyachhe te badal lakh lakh abhinandan….aagekuch sathe vijai bhav.Jitendrapadh/ Editor nutannagari(gujarati weekly)vashi / navimumbai.Mob-09819696574.

 26. વિવેક said,

  May 21, 2012 @ 2:05 am

  🙂

 27. jahnvi antani said,

  April 6, 2013 @ 1:38 pm

  વાહ ………આના સિવાય કશુ કહેવાનુ હોય જ નહિ…

 28. malvikasolanki said,

  April 28, 2013 @ 8:35 am

  ખુબ જ સુઁદર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment