બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

શુક્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંધ્યાની સોનેરી ભાત
ઝાંખી થાતાં ઊગે રાત;
ઊઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
કવિતા શો થાતો ચમકાર.
ચળકે શુક્ર.

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

ઉષા તણી નથડીનું નંગ,
સ્નેહ સરીખડો તેનો રંગ.
મલકે શુક્ર.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

આ વર્ષ કવિશ્રી ઉમાશંકર જોશીનું જન્મશતાબ્દી વર્ષ તો છે જ પણ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું પણ જન્મ શતાબ્દી વર્ષ છે.  તો આ પ્રસંગે ઉમાશંકરના મોઢે શ્રીધરાણીની કવિતા વિશે બે વાત સાંભળીએ તો કેવું ? :  “રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા. પહેલી કડીમાં સંધ્યાશુક્રનું વર્ણન છે. બીજીનું વર્ણન સંધ્યાશુક્ર વિશે છે કે પભાતશુક્ર અંગે કે બંને અંગે ? અંતમાં પ્રભાતશુક્રની દ્યુતિને ‘ઉષા તણી નથડીનું નંગ’ એ અપૂર્વ ચિત્રમાં મઢી લીધી છે. પલક પલક થતી શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’… ‘ઝળકે’… ‘મલકે’ એ શિલ્પ દ્વારા પ્રગટ કરી દીધી છે એ છૂપું રહેતું નથી.

7 Comments »

  1. Pancham Shukla said,

    November 19, 2010 @ 8:38 AM

    સુંદર કાવ્ય.

    બ.ક.ઠા જેવા દુરારાધ્ય કવિ/વિવેચકે શ્રીધરાણીની કેટલીક ઉત્તમ રચનાઓની શૈલિ અને ભાષાકર્મને બિરદાવ્યા છે. શ્રીધરાણીના કાવ્યો એમના સમકાલીન ઉ.જો અને સુંદરમથી ભિન્ન છે.

    એમનું પુસ્તક ‘My India, My America’ મળે તો વાંચવાની ઈચ્છા છે.
    http://www.questia.com/PM.qst?a=o&d=74006387

  2. devika dhruva said,

    November 19, 2010 @ 8:53 AM

    વાંચતા વાંચતા ગાવા મંડાય અને ગાતા ગાતા ડોલી ઉઠાય એવી લયબધ્ધ સુંદર કવિતા..

  3. dHRUTI MODI said,

    November 19, 2010 @ 9:17 AM

    ભાષાનું અદ્ભુત પ્ર્ભુત્વ, અદ્ભુત ગેયતા, વાહ ! સિવાય બીજો કોઈ ઉદ્ગાર ઉદભવી શકે ઍમ નથી.

  4. Bharat Trivedi said,

    November 19, 2010 @ 9:35 AM

    આ સુંદર કાવ્ય વષો પછી વાંચવા મળ્યું.મને લાગે છે કે આ કવિ પોતાની પ્રતિભાના પ્રમાણમાં આપણે ત્યાં ઓછા પાંખાયા. એની પાછળ કદાચ તેમનો વિદેશવાસ પણ નિમિત્ત બન્યા હોય. એ તો જે હોય તે, પણ તેમનું કામ તેમના સમકાલિનો કરતાં બે ડગલાં આગળ તો ખરું જ. મને ગમતા બીજા કવિ વિષે પણ એવું કહી શકાય અને તે નામ છે- નલિન રાવળ.

    -ભરત ત્રિવેદી

  5. pragnaju said,

    November 19, 2010 @ 2:08 PM

    લયબધ્ધ સુંદર ગીત
    સંસ્કૃતમાં શુક્રનો અર્થ છે શુધ્ધ અથવા તેજસ્વી. શુક્ર એ વ્યુત્પતિની દ્રષ્ટિએ શુક્લ સાથે સમાનતા ધરાવે છે. શુક્લ એટલે કે સફેદ.તેનું આ રીતે પણ વર્ણન છે…શુક્ર એ મોહક આંખો, ભવ્ય શરીર, વાંકડિયા વાળ અને સારી પ્રકૃતિ ધરાવતો કવિ છે.શુક્ર એ જ્ઞાની અને તપસ્વી છે. બળવાન શુક્રમાં સાંસારિક પ્રેમને ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં પલટાવી શકવાનું સામર્થ્ય છે.અને शुक्रशोणित संसर्गामान्तर गर्भ्शायागातम जिवोअवाक्रामती सत्व सम्प्रोगता गर्भो अभिनिर्वर्टती…આ વૈદિક વિચારો બાદ શુક્રની તેજસ્વિતાને ‘ચળકે’… ‘ઝળકે’… ‘મલકે’ માણવાની વધુ મઝા આવશે

  6. વિહંગ વ્યાસ said,

    November 20, 2010 @ 12:29 AM

    શુક્રતારિકા…..આકાશનગરની…..અભિસારિકા…..(હાઇકું)મનોહર ત્રિવેદી.

  7. jigar joshi 'prem' said,

    November 20, 2010 @ 7:45 AM

    વાહ ! મજાની રચના છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment