જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.
ગની દહીંવાલા

આપણી વચ્ચે રહે છે – કરસનદાસ લુહાર

એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.

તેજ જેવા તેજનો પર્યાય પોતે –
થઇ તમસમય આપણી વચ્ચે રહે છે.

ઉષ્ણ શ્વાસોથી ઊભય સંલગ્ન તેથી –
આર્દ્ર વિસ્મય આપણી વચ્ચે રહે છે.

ગીત બેઉ કંઠથી શેં એક ફૂટે ?
કોઇ ક્યાં લય આપણી વચ્ચે રહે છે !

જે વિજયને બાનમાં રાખી ઊભો છે,
એ પરાજય આપણી વચ્ચે રહે છે.

આથમી ચૂકેલ વચ્ચોવચ્ચતાનો,
કોઇ આશય આપણી વચ્ચે રહે છે.

આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે.

– કરસનદાસ લુહાર

જ્યારે બે માણસ સાથે ઊભા રહે તો એમની વચ્ચે એક આખું વિશ્વ રચાતું હોય છે.  પણ જો બેનો સૂર પૂરો ન મળે તો બન્ને વચ્ચે ઘેરો રંગ ઝમતો જાય છે. છેલ્લા બે શેર ખાસ ધારદાર થયા છે :  વચ્ચેનું બધું આથમી જવા છતાંય એક ઈચ્છા તગતગ્યા કરતી હોય છે. ઘણી વાર કશુંક ખૂટતું હોવાનો ભ્રમ અને ભય જ આપણને કોરી ખાતો હોય છે.

11 Comments »

 1. "અભિષેક" said,

  March 23, 2010 @ 12:19 am

  સરસ રચના છે.

 2. વિવેક said,

  March 23, 2010 @ 12:51 am

  સુંદર ગઝલ…

  બધા જ શેર સામાન્ય ગઝલબાનીથી ઉપર ઊઠીને થયા છે. તમસમય જેવો કાફિયો પણ કવિ સાવ સહજતાપૂર્વક પ્રયોજી શક્યા છે. આર્દ્ર વિસ્મય અને વચ્ચોવચ્ચતા જેવી અરુઢ બાનીમાં શેર સોળે કળાએ ખીલ્યા છે. આખરી શેર પણ દમદાર થયો છે…

  આ ગઝલ વાંચીને તરત જ પહેલો પ્રશ્ન મનમાં ઊગ્યો: શું મને ગઝલ લખતાં આવડે છે?

 3. vihang vyas said,

  March 23, 2010 @ 3:00 am

  વાહ….નખશિખ સુંદર ગઝલ…

 4. Pinki said,

  March 23, 2010 @ 3:15 am

  ક્યા બાત હૈ ! અલગ જ વાત અને વિષય !
  અને કવિ કેટલી નાજુકાઈથી તેને રજૂ કરે છે ?!
  કોઈ ફરિયાદ નથી બ..સ તેનો ગમ/ભય છે.

  સંબંધની દોરી જેના લય થકી ટકી રહી છે
  તે જ આપણી વચ્ચે – દોરી તૂટવાનાં ભયનું કારણ ન બની રહે ?!!

  તમસમય, આર્દ્ર વિસ્મય અને વચ્ચોવચ્ચતા અનાયાસે જ ધ્યાન ખેંચે છે.

 5. pragnaju said,

  March 23, 2010 @ 5:15 am

  ખૂબ સુંદર ગઝલ

  એક સંશય આપણી વચ્ચે રહે છે,
  ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.

  મત્લામાં જ સાર આવી ગયો!.સંશય એટલે શક, શંકા, સંદેહ, દહેશત કે ભય. કેટલીય વાર વ્યક્તિ પૂર્વગ્રહોથી એટલો ગ્રસ્ત રહે છે કે, કંઈક નવું કરવાની કે કંઈક યોગ્ય કરવાની ઇચ્છા અંદર ને અંદર જ મરી જાય છે. એવું ન બને એ માટે જરૃરી છે કે પોતાના મનમાં શંકાઓ અને સંદેહો માટે ક્યાંય જગ્યા ન રાખો. આ વિશ્વમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે પોતાના માટે સફળ કરિયર કે સુરક્ષિત ભવિષ્યની ઇચ્છા ન રાખતી હોય, પરંતુ કેટલીક વાર જાણે-અજાણ્યે આપ આપનો સફળતાલક્ષી માર્ગ ખુદ બંધ કરી દો છો.

 6. Nirav said,

  March 23, 2010 @ 8:57 am

  અદભૂત રચના !

 7. હેમંત પુણેકર said,

  March 23, 2010 @ 12:04 pm

  સુંદર ગઝલ! ચોટદાર મત્લાથી ચાલુ થઈને ગઝલ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નૈરાશ્ય અને સંબંધની વિફળતાનો રંગ ઓર ઘૂંટાતો જાય છે. સરસ!

 8. કિરણસિંહ ચૌહાણ said,

  March 29, 2010 @ 8:40 am

  બહુ જ સુંદર ગઝલ. લોહ અને લોહી વચ્ચેના કવિ લુહારસાહેબ ગુજરાતી ગઝલનું અણમોલ ઘરેણું છે.

 9. vishal luhar said,

  May 25, 2010 @ 2:25 am

  ખુબ જ સરસ્

 10. vishal luhar JAMNAGAR said,

  May 25, 2010 @ 2:32 am

  આખિ ગઝલ મા ક્યો સેર સફ્
  આપણી વચ્ચે કશું હોતું નથી-નો
  ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે. આ શેર ત્તો ખરેખર ખુબ જ ખુબ જ ગમયો.

 11. kava vishal s. said,

  July 16, 2010 @ 5:27 am

  I like much this . I never forget this huge man of our cast

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment