આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
નિનાદ અધ્યારુ

મળી આવે – હિતેન આનંદપરા

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

– હિતેન આનંદપરા

માંગ્યું ન મળે એની જેટલી તકલીફ છે એટલી જ તકલીફ ઘણીવાર માંગ્યું મળી જાય એની પણ હોય છે. કવિ કહે છે એવું ટાંચણ મળી આવે તો શું કરવું? પહેલો શેર મને ખૂબ ગમ્યો. મને છૂટ હોય તો ‘નદીના’ ને બદલે ‘નદીમાં’ એટલું બદલું. એનાથી મને વધારે ગમતો અર્થ નીકળે છે !

7 Comments »

 1. Jayshree said,

  July 31, 2006 @ 6:14 pm

  ટાંચણ એટલે ? લખાણ, કોતરણી, કે બીજું કંઇક?

 2. ધવલ said,

  July 31, 2006 @ 7:47 pm

  ટાંચણ એટલે ટૂંકી નોંધ. A short note.

 3. વિવેક said,

  July 31, 2006 @ 11:24 pm

  ‘નદીના’ શબ્દમાં જે અર્થ છે એ ‘નદીમાં’ શબ્દમાં નથી…. ‘ના’ અને ‘માં’ એ એક જ અક્ષર આખા શેરનો મિજાજ જ બદલી નાંખે છે. ભાષાનો સુપેરે પ્રયોગ કરો તો વાત કેટલી ચોટવાળી બને અને અધકચરો પ્રયોગ કરો તો વાત કેટલી નિષ્પ્રાણ બની જાય એ ધવલે ઊઠાવેલા પ્રશ્નથી તાદ્દશ થયું…

  અહીં વાત ખોવાઈ ગયેલી વ્યક્તિના અચાનક મળી જવાની છે અને નદીના સૂકાયેલા તટમાં કોઈના પગલાં મળી આવવાની વાત કરીએ તો શેરમાં જે ચમત્કૃતિ છે એ જ મરી પરવારે કારણ કે બંને વાત એક જ છે… કોઈના પગલાં મળવાં અને કોઈનું મળવું એ બે વાતમાં અલગતા ક્યાં છે ? સૂકાઈ ગયેલી નદી પોતે જો અચાનક મળી આવે તો જ વિખૂટા થઈ ગયેલા સ્વજનના આકસ્મિક મિલનની સાચી મજા આવે!

 4. સુરેશ જાની said,

  August 1, 2006 @ 12:57 am

  ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
  ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે

  મને આ પંક્તિઓ ઘણી ગમી. મારા અત્યારના મિજાજને અનુકૂળ આવે છે !!

 5. વિવેક said,

  August 1, 2006 @ 3:00 am

  ગઝલના મત્લાને સમજવામાં મારી થોડી ગફલત થઈ ગઈ લાગે છે. ‘પગરણ’ શબ્દનો સહજ અર્થ આપણે સૌ ‘પગ’ પરથી ‘પગલાં’ તરીકે કરીએ છીએ. મેં પણ એ જ કર્યો. પણ ધવલે ઈ-મેઈલ વડે મારું ધ્યાન ખેંચ્યું કે ‘પગરણ’ને ‘પગ’ સાથે કશું લાગે વળગતું નથી. હરિવલ્લભ ભાયાણી ‘શબ્દકથા’માં જણાવે છે કે ‘પગરણ’નો સાચો અર્થ ‘સારું ટાણું’ કે ‘મંગળ પ્રસંગ’ થાય છે. પગરણ સંસ્કૃત શબ્દ ‘પ્રકરણ’ પરથી ઉતરી આવ્યો છે જેના અન્ય અર્થ છે – પ્રસ્તાવ, પ્રારંભ , પ્રસંગ. એ પરથી નવી ગુજરાતીમાં ‘પગરણ માંડવું’ એટલે ‘શરૂઆત કરવી’.

  એટલે ‘શરૂઆત’ના સાચા અર્થમાં આ મત્લાને ફરીથી જોઈએ તો સુકાઈ ગયેલી નદી જ્યાંથી આરંભ પામતી હોય એ જગ્યા અચાનક જડી આવે અને જે આનંદ થાય એને વિખૂટાં પડેલા અને અચાનક મળી આવતા સ્વજન સાથે સરખાવ્યો હોય એમ જણાય છે.

 6. Mital said,

  August 1, 2006 @ 7:13 am

  ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
  ‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે

  aa vanchi ne juni yaad fari sadvadi uthi ane haji pan ewu thaai ke ek TAACHAN madi awe, jema lakhyu hoi “તને ચાહું છું હું”

  dhaval bhai no aabhar ke hiten bhai ni atli saras kavita no labh amne pan madyo.

  ,
  Mital

 7. પંચમ શુક્લ said,

  August 1, 2006 @ 7:49 am

  ઘણાં વખત પછી લગાગાગા ના આવર્તન વાળી ગઝલ મઝાથી માણી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment