લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

યાદગાર ગીતો :૧૩: ગમતાંનો કરીએ ગુલાલ – મકરન્દ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                                 ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો
.                                        વરસે ગગનભરી વ્હાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
.                                          ને વેર્યે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારાં
.                                           રણકી ઊઠે કરતાલ !

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
.                              ને ગમતાંનો કરીએ ગુલાલ.

– મકરન્દ વજેશંકર દવે
(જન્મ: ૧૩-૧૧-૧૯૨૨, મૃત્યુ: ૩૧-૦૫-૨૦૦૫)

સંગીત : ગૌરાંગ વ્યાસ
સ્વર :  ભવન કોરસ

[audio:http://urmisaagar.com/saagar/audio/GAMTA-NO-KARIYE-GULAAL-Makarand-Dave.mp3]

જન્મ અને વતન સૌરાષ્ટ્રનું ગોંડલ. ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ જે બેતાળીસની લડત વખતે પડતો મૂક્યો. વ્યવસાયે પત્રકાર. ‘નંદીગ્રામ’ નામની રચનાત્મક સંસ્થાના સર્જક. મકરન્દ દવેની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. લોકસાહિત્ય અને સંતસાહિત્ય પરંપરાના ઊંડા જાણતલ હોવાના નાતે એમના પદ્ય અને ગદ્યમાં એનો સર્જનાત્મક વિનિયોગ અવારનવાર જોવા મળે છે. (કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘ઉજાગરી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’)

કવિનું યાદગાર ગીત યાદ કરવા બેસું તો લાઈન લાગી જાય છે: ‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’, ‘અમે રે સૂકું રૂનું પૂમડું’, ‘કોઈ ઘટમાં ગહેકે ઘેરું’, ‘પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ ઊગતી પરોઢના બારણે’, ‘વજન કરે તે હારે રે મનવા’…. એક અસ્ખલિત પ્રવાહ દડતો આવે છે. પણ આજે મેં પસંદગી ઉતારી છે આ ગીત પર કેમકે કવિ અને કવિતાનો -બંનેનો ખરો સ્વભાવ અહીં વહેલી પરોઢે ખુલતા કમળની જેમ ખુલે છે અને ભાવકના ભાવજગતને મઘમઘ કરી દે છે. પરંપરાની પંગતમાં બેસીને કવિ એક પછી એક ઉદાહરણ આપીને ‘વહાલું તે વહેંચવાનું’નો બોધ એવી તાજપથી આપે છે કે હજારોવાર વાંચ્યા બાદ પણ આ કાવ્ય આજેય સાવ તાજું ને તાજું જ લાગે છે… કવિના બાગનું આ એવું પુષ્પ છે જે કદી વિલાવાનું નથી…

11 Comments »

 1. Jayshree said,

  December 12, 2009 @ 3:38 am

  એકદમ મઝાનું ગીત….. મારું એકદમ ગમતું…
  જેટલીવાર સાંભળું, એટલીવાર ૪-૫ વાર એકસાથે સાંભળી જ લઉં..!!

  અને આખા ગીતમાં મને સૌથી વધુ ગમતા શબ્દો..

  ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ……….

 2. pragnaju said,

  December 12, 2009 @ 7:03 am

  ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
  સરી સરી જાય એને સાચવશે કયાં લગી?
  આવે તે આપ કરી પળમાં પસંદગી,
  મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
  . ને વેર્યે ફોરમનો ફાલ.
  અદભૂત
  યાદ…
  દયાળુ છે તમે માગો ન માગો તોય દેવાનો
  વગર માગે પ્રભુ એ આપવાની ટેવ રાખી છે
  દુઃખોને તો હંમેશા એક્લો હું સંઘરી લઉં છું
  ખુશી ને મેં હંમેશા વ્હેંચવાની ટેવ રાખી છે

 3. gopal parekh said,

  December 12, 2009 @ 7:59 am

  મકરન્દબઐની મૃત્યુ તા. ૩૧ જાન્યુઆરી ૨૦૦૫ છે, ૩૧ મે નહીઁ

 4. વિવેક said,

  December 12, 2009 @ 8:07 am

  આભાર, ગોપાલભાઈ… હું મારી પાસેના પુસ્તકોમાં જોઈને વેળાસર સુધારી લઈશ…

 5. sudhir patel said,

  December 12, 2009 @ 12:47 pm

  ‘ગમતાંનો કરીએ ગુલાલ’ ને એક કહેવતનો દરજ્જો આપનાર અવધૂત કવિનું અવિસ્મરણીય ગીત!
  સુધીર પટેલ.

 6. Girish Parikh said,

  December 12, 2009 @ 12:56 pm

  ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
  ને ગમતાંનો કરીએ ગુલાલ.
  –મકરન્દ દવે
  મકરન્દ દવે પણ મારા પ્રિય કવિ છે. આધ્યાત્મિક રંગે રંગાએલાં અમનાં સર્જનો ખૂબે પ્રેરક છે.
  એમણે સુંદર બાલગીતો પણ લખ્યાં છે. વર્ષો પહેલાં ‘રમકડું’ બાલમાસિકમાં પ્રગટ થએલ એમના બાલગીતની પ્રથમ પંક્તિ યાદ આવે છેઃ “કરો રમકડાં કૂચ કદમ.”
  જનાબ આદિલ મન્સૂરીની દુઆઓથી અને પ્રભુકૃપાથી હાલ “આદિલની ગઝલોનો આનંદ” શ્રેણીમાં આદિલજીના ૭૨ શેરો પર ૭૨ ભાગ લખી રહ્યો છું. ૨૫ ભાગ લખાઈ ગયા છે અને બ્લોગો પર (મુખ્યત્વે gujaratipoetrycorner યાહૂગ્રુપની સાઈટ પર) પોસ્ટ કર્યા છે.
  યોગ્ય પ્રકાશક મળતાં “આદિલની ગઝલોનો આનંદ” પુસ્તક રૂપે પ્રગટ કરવાની ઈચ્છા છે. એની પ્રસ્તાવનાનું નામ વિચાર્યું છેઃ ‘આદિલની ગઝલોનો આનંદ વહેંચીએ”. એની શરૂઆતમાં જ મૂકીશ મકરન્દ દવેની ઉપરની બે પંક્તિઓનું અવતરણ.

 7. Lata Hirani said,

  December 12, 2009 @ 1:20 pm

  સાવ સાચી વાત. ફરી ફરીને વાંચવા ગમે અને મન પ્રસન્ન પ્રસન્ન થઇ જાય એવું કાવ્ય્.

 8. Vihang vyas said,

  December 13, 2009 @ 4:48 am

  Gamatu geet. Majaa padi.

 9. Fenil Desai said,

  December 16, 2009 @ 5:16 am

  મને ગુજરાતિ બાલ ગેીતો જોઇએે..koini pase che..
  jem ke..ghoda gaadi vaalo, ek bilaadi jaadi, etc..

 10. champak ghaskata said,

  June 20, 2010 @ 10:05 am

  hi fenil bhai……….

  http://layastaro.com/?p=536

  tamaru baal geet………..
  ચપટી વગાડતાં આવડી ગઈ ………..

 11. NARESH SHAH said,

  April 27, 2015 @ 5:01 pm

  Vivekbhai,

  Can you please upload the audio file
  for this geet/kavita ?

  Thanks.
  Naresh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment