ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.
મીરાંબાઈ

ગીત – વિહંગ વ્યાસ

Vihang Vyas_ Tu aavya ni vela
(ખાસ ‘લયસ્તરો’ માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગીતરચના)

*

તું આવ્યાંની વેળા
રોમે રોમે રોજ દૂઝતાં, રુઝ્યાં આજ ઝળેળા

સમેટાઈને રાખેલા વિખરાઈ ગયા છે શ્વાસ
તારે પગલે મારી ભીતર દોમ દોમ અજવાસ

ઉંબરથી ઓસરિયે વહેતા કુમકુમવરણા રેલા

જાણ થઈ છે આજ મને કે ખળખળવું એ શું
નર્યો નીતર્યો મારે ફળિયે અવસર યાને તું

વરસોના અળગા પડછાયા કરીએ આજે ભેળા
તું આવ્યાંની વેળા

-વિહંગ વ્યાસ

વિરહાસન્ન જીવન માટે મિલનની એક જ વેળા કેવી સંજીવની બની રહે છે ! વિયોગ અને પ્રતીક્ષાના અગ્નિથી રોમે-રોમે રોજે-રોજ ફૂટતા ફોલ્લા એક જ ઘડીમાં રુઝાઈ જાય છે. જે શ્વાસ માત્ર જીવવાના હેતુસર ભીતરમાં શગની પેઠે સંકોરીને રાખી મૂક્યા હતા એ આજે વિખેરાઈને ચોમેર પ્રસરી રહ્યા છે અને બહારની જેમ જ અંદર પણ અજવાળું અજવાળું થઈ રહે છે… ઉંબરે થીજી રહેલી પ્રતીક્ષા ઓસરી સુધી દડી જાય અને એના પગલે પગલે કંકુછાંટણા થાય એ જ તો મિલનનું ખરું સાફલ્ય છે… અને કવિની આખરી આરત એમના પ્રણયની ચરમસીમાની દ્યોતક છે… એ આવે એ જ એમને મન ખરો અવસર છે… કાયા નહીં, માત્ર પડછાયા એકમેકમાં ભળી જાય તોય આ સંતોષીજનને તો ઘણું…

7 Comments »

 1. pragnaju said,

  November 21, 2009 @ 1:19 am

  સમેટાઈને રાખેલા વિખરાઈ ગયા છે શ્વાસ
  તારે પગલે મારી ભીતર દોમ દોમ અજવાસ
  ઉંબરથી ઓસરિયે વહેતા કુમકુમવરણા રેલા
  વાહ્

  સુંદર ગીતનું — મધુરું રસદર્શન

  જાણે નીના ગાતી હોય…

  વિતાવ્યો આતશીદિન ને શબે હિજરા પડી આગે,
  અરેરે વસ્લની બે પળ શરમમા વાપરી કાઢી

  જરા તીરછી નજરથી જોઈ લીધું નાથની સામે,
  બહુ દિ્વસની વાત ચંદ્ ઈશારામાં કહી નાંખી

 2. kanchankumari parmar said,

  November 21, 2009 @ 5:18 am

  થૈ પડછાયો રહ્યો હું તારિ આસ પાસ;સુરજ ઉગે કે ના ઉગે ; ધરિ બનિ ઘુમ્યો તારિ આસ પાસ……

 3. kirankumar chauhan said,

  November 21, 2009 @ 6:51 am

  સુંદર, સરળ ને સહજ ગીત. કવિના મુખે એકવાર સાંભળ્યું છે એટલે વાંચતા વાંચતા વિહંગભાઇનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે.

 4. sudhir patel said,

  November 21, 2009 @ 2:08 pm

  ખૂબ જ સુંદર ગીત અને એવો જ સરસ રસાસ્વાદ!
  વિહંગભાઈને અભિનંદન!
  સુધીર પટેલ.

 5. Kirtikant Purohit said,

  November 22, 2009 @ 11:00 am

  ગીત અને રસસ્વાદ બન્ને મધુર.

 6. Lata Hirani said,

  November 23, 2009 @ 6:10 pm

  ગીતના શબ્દો અને લયમાં મન વહી ચાલ્યું… ખુબ સુંદર રચના

 7. Gaurang Thaker said,

  November 28, 2009 @ 8:34 am

  વાહ સરસ મઝાનુ ગીત..
  જાણ થઈ છે આજ મને કે ખળખળવું એ શું
  નર્યો નીતર્યો મારે ફળિયે અવસર યાને તું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment