મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
હેમેન શાહ

(એકલો) રાજેશ પંડ્યા

રસ્તામાં
થોડાં ઝાડ આવ્યાં.
થોડાં પહાડ આવ્યાં.

થોડાં પશુ આવ્યાં.
થોડાં પંખી આવ્યાં.

ક્યાંક ઝરણાં આવ્યાં.
ક્યાંક વોકળાં આવ્યાં.

એકાદ નદી આવી.
એકાદ માછલી આવી.

રસ્તામાં
બધું આવ્યું તોય
માણસ ચાલતો રહ્યો
એકલો એકલો.

-રાજેશ પંડ્યા

ગઈકાલે આ કવિની એક નકારાત્મક કવિતા જોઈ, આજે એક સકારાત્મક કવિતા…

એક નાની અમથી કવિતા પણ કેવી ધારદાર ! આપણી ચોકોર સર્જનહારે કેવી મજાની સૃષ્ટિ રચી છે પણ આપણે ‘બાજાર સે ગુજરા હૂઁ, ખરીદદાર નહીં હૂઁ’ જેવી વૃત્તિ સેવીને એકલા જ રહીએ છીએ… થોડાં, ક્યાંક અને એકાદથી ઉપર ઊઠીને કવિ એકબાજુ બધું આવ્યું કહીને શક્યતાઓનો વ્યાપ અનંત કરી દે છે તો બીજી તરફ એકલોની દ્વિરુક્તિ કરીને ચાબખો મારે છે…

7 Comments »

 1. himansu vyas said,

  July 14, 2009 @ 6:16 am

  આને આપણે કૈક અલગ રીતે જોઇએ તો . . . . . .

  મનુષ્ય માત્ર હંમેશા એકલો જ હોય છે. પરન્તુ તે જો “સ્વ” ની દોસ્તી કરી લે, નિજાનન્દે વિચરતો હોય તો તેને કશુજ ચલિત કરી શક્તુ નથી.. અલબત્ત તેણે પોતાના આત્મા સાથે સંવદિતા ટકાવી રાખવી પડે છે.

 2. Kirtikant Purohit said,

  July 14, 2009 @ 7:06 am

  બન્ને રચનાની ભાવોક્તિ સરસ રહી.

 3. sapana said,

  July 14, 2009 @ 9:20 am

  એકલો આવ્યો ને એકલુ જવાનું!! રસ્તામાં આવતા સંબંધો રૂપી જાળાઓ છોડતા બધા એકલા થઈ જવાનાં!
  હું મારામાં શોધુ મને.

  સપના

 4. pragnaju said,

  July 14, 2009 @ 9:27 am

  ખુબ જ સુંદર અને હ્યદયસ્પર્શી કાવ્ય

  યાદ આવી
  એકલો એકલો તારી સાથે વાત કરું છું
  તું સાંભળે છે કે નહીં ?
  સમજે છે કે નહીં ?
  તું મને ઓળખે છે કે નહીં ?
  મને એની પરવા નથી.

  તારી સાથે વાત કરું
  ને હળવો થાઉં
  તું ગુલાબ હોય કે
  આભનો ઊંચો ચંદ્ર
  તું આકાશ હોય કે
  પૃથ્વી :
  તું કાંઈ પણ હોય
  કે ન પણ હોય
  પણ હું હોઉં છું
  એટલે વાત કરું છું:
  વાત કર્યા વિના મને
  ચેન પડે નહીં.

  તું કોઈ પણ રીતે
  હશે તો ખરો !
  નહીં તો વાત કરવાની
  ઝંખના કદી જાગે નહીં.
  વાદક ક્યાંક તો હશે
  નહીં તો વીણા કદી
  અમથી અમથી
  હવાના સ્પર્શે
  આટલી ઝીણી વાગે નહીં.

 5. mrunalini said,

  July 14, 2009 @ 9:42 am

  માણસ ચાલતો રહ્યો
  એકલો એકલો.
  સરસ
  ટાગોર તો કહે છે જ
  તારી જો હાક સુણી કોઇ ના આવે,
  તો એકલો જાને રે! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! –

  પણ એક વાત તો નક્કી કે માણસ પોતાને એકલો માને તો ભગવાનને ખોટું લાગે!

 6. priyjan said,

  July 14, 2009 @ 1:16 pm

  આપણી તો આખી સફર જ “સ્વ થી શરુ થઈ ને સ્વ” સુધીની છે તો પછી એક્લા હોવનો ડર્ર કેમ્?

  ને છતાં ય આપણે બધા જ એકલતાથી દૂર ભાગીયે છે…

 7. રમેશ સરવૈયા said,

  May 2, 2011 @ 6:28 am

  ખુબજ સુંદર રચના માણી
  ૧૯૬૯ મા આવેલી સમ્બન્ધ ફિલ્મનુ ગીત યાદઆવી ગયુ
  મુકેશજી ના અવાજમા કવી શ્રી પ્રદિપજી એ લખેલુ અને ઓ.પી.નૈયરજી સ્વરબધ કરેલુ
  આ ગીત પણ માણવા જેઉ છે.
  http://www.youtube.com/watch?v=nVc0PoxL5Tg
  ચલ અકેલા ચલ અકેલા ચલા અકેલા ….
  તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા
  હજારો મીલ લમ્બે રાસ્તે તુજકો બુલાતે
  યહા દુઃખડે સહેને કે વાસ્તે તુજકો બુલાતે
  હૈ કોન સા વો ઇન્સાન યહા પર જીસને દુઃખના ઝેલા
  તેરા કોઈ સાથ ન દે તુ ખુદ સે પ્રીત જોડ લે
  બિછોના ધરતી કો કરલે અરે આકાશ ઓઢલે
  યહા પુરા ખેલ અભી જીવન કા તૂને કહા હે ખેલા
  ચલ અકેલા ચલ અકેલા …………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment