સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

ઑસ્ટ્રેલિયા – બર્નાર્ડ ઓ’ડાઉડ (અનુ.: વિવેક મનહર ટેલર)

ઑસ્ટ્રેલિયા

હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?

અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.

– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
કવિતા જેટલી અદભુત બીજી કોઈ કળા નથી… ક્યારેક કવિતા શીરાની જેમ સીધી ગળે ઉતરી જાય અને દિલને પણ સ્પર્શી જાય એવી હોય તો ક્યારેક અબોલારાણીની જેમ સાત પડદા પાછળ છૂપાઈ બેઠેલી પણ હોય… પુરુષાર્થ કરીને આ સાતેય પડદા ચીરવામાં ન આવે તો કવિતારાણી હાથ જ ન આવે એમ પણ બને. બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે. રચનાના વિશદ અસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.

*

Australia

Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?

The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.

– Bernard O’Dowd

1 Comment »

  1. pragnajuvyas said,

    December 31, 2022 @ 9:02 PM

    કવિ શ્રી બર્નાર્ડ ઓ’ડાઉડ ના ‘ઑસ્ટ્રેલિયા’ કાવ્યનો
    ડૉ. વિવેક મનહર ટેલરનો સ રસ અનુવાદ
    અને ખૂબ સ રસ વિશદ અસ્વાદ
    ‘અન્યત્ર લુપ્ત થતી જતી પશુ-પક્ષીઓ અને જળચરોની પ્રજાતિઓ ઑસ્ટ્રેલિયામાં નિર્ભીક થઈ રમણે ચડે છે, પરિણામે ઑસ્ટ્રેલિયાના વનમાંથી અલૌકિક સંગીત-સૂરાવલિઓ જન્મે છે. એક રીતે કવિ ઑસ્ટ્રેલિયાને મહાદ્વિપીય સંગ્રહાલય, જ્યાં ભૂતકાળને વર્તમાનસ્વરૂપે સાચવી રાખવામાં આવ્યો હોય એ રીતે જોતા હોવાનુંય અનુમાની શકાય. આ પરિપ્રેક્ષ્યમાં આદિમ એબોરિજિનલ લોકો અહીં દૃષ્ટિગોચર થાય છે.’
    તેમનો આ સટિક આસ્વાદ ખૂબ ગમ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment