જ્યાં સુધી ‘ઈર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સંયોગવર્ણન – નર્મદ

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;
ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.
આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;
જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.
વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;
અતીસ જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.
ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;
એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.
ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;
જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.
આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં ઈ;
પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે.
બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં;
નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.
આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;
વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે.
ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;
પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

આખી કવિતા અર્થ સાથે કોમેન્ટ વિભાગમાં જુઓ.

સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. આજે નર્મદની પુણ્યતિથિ છે ત્યારે એક રતિકાવ્ય અહીં રજૂ કર્યું છે. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

3 Comments »

 1. ધવલ said,

  February 25, 2006 @ 9:44 am

  ‘વીરસત્ય અને રસિક ટેકીપણું’ જીવી બતાવનાર નર્મદને કવિ નીરંજન ભગતે સર્વોત્તમ અંજલી આપી છે –

  “ક્યાં તુજ જોસ્સો કેફ, ક્યાં આ જંતુ માણહાં ?
  માથા પરની રેફ, નર્મદ સ્હેજ ખસી ગઈ.”

 2. વિવેક said,

  February 28, 2006 @ 8:55 am

  સંયોગવર્ણન

  ( નર્મદના સમયમાં પ્રવર્તમાન જોડણી અને શબ્દ-ઉચ્ચારણ યથાવત્ રાખી આ રચના રજૂ કરી છે. નર્મદના સમયની કવિતાઓ વાંચતા એટલું પ્રતીત થાય છે કે એ સમયના કવિઓ એમના કવિકર્મ વિશે સવિશેષ સજાગ હતાં અને સાંપ્રત સમયના સમાજનું હૂબહુ આલેખન કરવાની પોતાની નૈતિક જવાબદારી અદા કરવાની કોશિશ કાવ્યતત્ત્વના ભોગે પણ કરતાં હતાં. આ કાવ્યમાં ધનિક નાયક-નાયિકાના રોજિંદા જીવનનો એક આખો દિવસ નર્મદે સરસ રીતે આલેખ્યો છે. ભલે તે કાવ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ન હોય, પણ નર્મદના સમયના સમાજને ઓળખવાનો આનાથી સુંદર રસ્તો કદાચ અન્ય કોઈ નથી.)

  સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;
  ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.
  વ્હાણે ઉઠી સાથ ફરે સુબાગે 1, જોતાં ફુલો સાંભળતાં ખગોને 2;
  આવી ફરી તે દુધ ચાહ પીએ, વાંચે લખે ને ઘરકામ જોએ.
  શોડેદશે 3 તો જમવાનું થાએ, કામે પિયૂડો પછિ રોજ જાએ;
  કોટિ કરીને ચુમિઓ લઈને, આંખો ઘણી ચંચળ મેળવીને.
  સીવે ભરે ને લખતી હિસાબ, સૂએ બપોરે પછિ થોડિ વાર;
  ત્રંણેક વાગે ઉઠિ કેશ હોળે, ધોઈ પછી તે ઘસિ મ્હોડૂં લોહે 4.
  ફેરે ઘણી તસ્તસ કાંચળી જ, જે લાલ કાળી લિલિ ને સફેત;
  સાડિ રુડી રેશમિ લાંબી ફોળી, કાળી પિળી લાલ ગુલાબિ ધોળી.
  શોભે સુનાની 5 કર પાટલીઓ, જાંબૂડિયા બેસતિ બંગડીઓ;
  કંઠો બિરાજે મણિયુક્ત કંઠે, મોતીતણા હાર રમે સુહૈડે.
  ઝીણી સુંચાઈ કરિ હીંગોળોકે 6, વસ્ત્રો સુવાસે ભરિ નાખિને તે;
  શૃંગાર એવો જુગતે 7 સજીને, જોતાં સુખાપે રસથી ફૂલી રે.
  આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;
  જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.
  ફેરે ફુલો ને સુંઘતાં ફુલો ને, ખાતાં સુમેવો જ લિલો સુકો તે;
  દીપે પિઈને પનિયાં 8 સુમારે, ઘેલે મુખે તે હસતાં સુગાલે.
  વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;
  અતીસ 9 જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.
  નીશા પડેથી પછિ તે ઉઠે છે, ધીમે ધિમે ચાંદનિમાં ફરે છે;
  સાતેક વાગે ઘરમાં જઈને, વસ્ત્રો ઉતારિ જમવા જ બેસે.
  ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;
  એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.
  ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;
  જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.
  આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં 10 ઈ;
  પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ 11 કરેછ હેતે.
  બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ 12 માંડે પછિ મોટ ઘેલાં;
  નાના પ્રકારે 13 રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.
  આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;
  વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા14 વિટલાય ગાલે.
  ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;
  પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

  (અનુષ્ટુપ)
  એ પ્રમાણે સુખી જોડૂં, આનંદો ઉરમાં ભરે,
  ઋતઋતતણા રંગી, કામ કલ્લોલને તરે.
  દંપતી સાંબકેરી તે, પૂજા નિત્ય કરે ઘણી,
  માને પાડ વળી ઝાઝા, ગાઈને સ્તુતિ તે તણી.

  (1= બાગમાં ફરે, 2= પક્ષીઓને, 3= સાડા દસ વાગ્યે, 4= લૂછે, 5= સોનાની, 6= સુગંધીદાર પદાર્થો, 7= આછું, 8= નશીલો પદાર્થ, 9= અતિ, 10= તૂટક તૂટક શબ્દો (પ્યારમાં સંબોધનો અડધા અને અસ્પષ્ટ થઈ જાય છે તેવો ઉલ્લેખ) 11= ઊંચે દમે કોટિ કરવી એ ઉત્તમ નાયક નો કામશાસ્ત્ર પ્રમાણેનો વિલાસ છે, 12= રતિયુદ્ધ, 13= અનેક પ્રકારે, સંભોગ પછી છૂટી ગયેલાં વાળ)

 3. JAHAL said,

  September 23, 2009 @ 11:32 am

  I NEED NARMAD ONE BEST KRUTI DAGLU BHARU KE NA HATVU

  PLS IF SOME ONE HELP

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment