આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

ગઝલ – રમણીક સોમેશ્વર

કરાંજી કરાંજીને દિવસો વિતાવે,
એ સાવજ, વિસારી બધું, ઘાસ ચાવે !

ફફડતા રહે હોઠ, બોલી શકે ના –
‘અબે એય મખ્ખી ! મને કાં સતાવે ?’

એ હણહણતા હયનો જુઓ હાથ સાહી,
સમજદાર કીડીઓ ડગલાં ભરાવે !

ગરજતા સમુદ્રો સતત જેની જીભે,
એ ભીંતોની સાથે રહે મૂક ભાવે !

વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !

-રમણીક સોમેશ્વર

ગઝલને કોઈ શીર્ષક ન આપ્યું હોવા છતાં કવિ આ મુસલસલ ગઝલમાં વૃદ્ધની વ્યથા રજૂ કરે છે એ તરત જ સમજી શકાય છે. યુવાનીનું જોર ઓસરી જાય ત્યારે સંતાનોની દયા પર માંડ જીવતું ઘડપણ આજીવન જે કામ કરવા કરતાં મરી જવાનું પસંદ કર્યું હોત એ કામ કરવા મજબૂર થઈ જાય છે, જાણે સિંહના ઘાસ ખાવાના દહાડા આવ્યા… જે ઘોડો ક્યારેક હણહણતો હતો એ આજે પૌત્રોના પ્રેમ માત્ર પર જીવી રહ્યો છે. કવિએ પૌત્રોની સરખામણી કીડી સાથે કરી એમની ઉંમર બતાવી છે પણ આગળ સમજદાર વિશેષણ લગાવી એક જ ઝાટકે પંડના દીકરાઓની અણસમજ પર તીવ્ર કટાક્ષ કર્યો છે… છેલ્લો શેર તો આખી ગઝલનો શિરમોર શેર છે વળી !

15 Comments »

 1. Jina said,

  March 5, 2009 @ 12:41 am

  અત્યંત હૃદયસ્પર્શી….!!

 2. pragnaju said,

  March 5, 2009 @ 6:13 am

  વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
  ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !
  સુંદર
  યાદ આવી જગતગુરુ શંકરાચાર્યની અમરવાણી
  જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ
  ….મનુષ્ય દૈહિક ઉપભોગોમાં સત્વર મગ્ન થાય છે, પછીથી અરેરે ! શરીરના રોગો આવે છે. જોકે જગતમાં આખરી અંત મરણ જ છે છતાં મનુષ્ય પોતાનું પાપાચરણ છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….
  યુવાની ચાલી જતાં કામવિકાર-લાલસાનો આવેગ ક્યાંથી રહે ? પાણી સુકાઈ જતાં સરોવર ક્યાંથી રહે ? પૈસો ઓછો થતાં પરિવાર શા માટે વળગી રહે ? આત્મતત્વનું જ્ઞાન થતાં સંસાર શી રીતે રહી શકે ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ

 3. Girish Desai said,

  March 5, 2009 @ 6:39 am

  સમય સમય બળવાન છે, નહી પુરુષ બળવાન
  કાબે અર્જુન લૂટીયો, વહી ધનુષ વહી બાણ

  ઇતિ સુંદર રચના

 4. kantilalkallaiwalla said,

  March 5, 2009 @ 8:57 am

  The best description of old age,which depends on some one who do not bother one day he too will pass through same position. Anyway, it is no point of blaming some one or finding fault with some one. This is not advise this is only opinion that old age has two options (1) pass time under all circumstances without remebering past or (2) as per jainisim prefer Santharo.I know very well too that to give opinion is one thing and easy but to put in action is another thing and hard. Unfortunately I am coming in the second category.

 5. Shah Pravinchandra Kasturchand said,

  March 5, 2009 @ 11:53 am

  ડેલ કાર્નેગીએ લખ્યું છેઃ
  “તમારી પાસે એવી એક કળા રાખો કે જેની દરેકને જીવનમાં જરુરત હોય.પછી તમે દૂર જંગલમાં એક ખૂણામાં ચાલ્યા જાવ.જગત આખું તમને શોધતું જંગલમાં પહોંચી જશે.”

  ઘડપણને કાળ હંફાવે છે જેમની પાસે આવી કળા નથી હોતી.
  ઘડપણ કાળને ય હંફાવે છે જેમની પાસે આવી કળા હોય છે.

  હા,એ વાત સાચી કે આવી કળા સહુને સાધ્ય નથી હોતી અને એવી કળાનું મહત્ત્વ યોગ્ય કાળે નથી પમાતું.એ જ્ઞાન પ્રાપ્ત થાય એ પહેલા કાળ એને પામી લે છે અને પેલું સર્વકાલીન જ્ઞાન સામે આવી જાય છેઃ
  अंगंगलितंपलितंमुंडंदशनविहीनंजातंतुण्डम्।
  वृद्धोयातिगृहित्वादण्डंतदपिनमुंचतिआशापिण्ड्म॥

 6. mahesh dalal said,

  March 5, 2009 @ 1:07 pm

  બહુજ અનોખિ પણ સચોટ રચના ..

 7. ધવલ said,

  March 5, 2009 @ 9:33 pm

  વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
  ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !

  – સરસ !

 8. Pinki said,

  March 6, 2009 @ 12:50 am

  વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
  ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે ! – વાહ્… !!

  કાકુથી ગઝલની ખૂબ જ ચોટદાર રજૂઆત….

  સાવજનાં ઘાસ ખાવાના દિવસો આવી ગયાં અને અબે… મખ્ખી મને કાં સતાવે ?
  તેવું પણ કહી નથી શકતો. તો= ‘સમજદાર’ કીડીઓ દાદાને ડગલાં ભરાવે કે દાદા એમને –
  ખરી કથની જ એ છે કે બન્ને એકમેકને આશરે !! કારણ દીકરા-વહુ busy !! તો વૃદ્ધત્વને એકલતા કેવી કોરી ખાય તે વાતની પણ સુંદર રજૂઆત …….

  રમણીકભાઈની ગઝલને ફરી માણવાની મજા આવી ……. !!

 9. P Shah said,

  March 6, 2009 @ 1:42 am

  વિતાવ્યો હતો કાળ ફાળો ભરીને,
  ક્ષણેક્ષણ જુઓ કાળ એને વિતાવે !

  રમણીકભાઈની એક સુંદર ગઝલ !
  માણવાની ખૂબ મજા આવી.

 10. Lata Hirani said,

  March 6, 2009 @ 8:36 am

  ક્યા બાત હૈ !! ખુબ સરસ

 11. KIRANKUMAR CHAUHAN said,

  March 6, 2009 @ 8:50 am

  રમણિકભાઇની વધુ એક નવી અને નોખી શૈલી ધરાવતી ગઝલ માણવા મળી.

 12. પંચમ શુક્લ said,

  March 6, 2009 @ 10:20 am

  સુંદર ગઝલ.

 13. neha said,

  March 6, 2009 @ 10:20 am

  ઘણુ સરસ
  હમણા એક વૃધ્ધાને રસ્તા પર એક વૃધ્ધની અર્થી સામે હથેળીનુ છાજવું કરીને જોતા જોઈ…..કલ્પના કરી….કદાચ આ આ વૃધ્ધા આખી જિંદગી વૃધ્ધના એક તરફી પ્રેમમાં રહી હોય તો અત્યારે એના મનોભાવ કેવાં હશે? અને જે કવન લખાયું એની પંક્તી……
  રસ્તો સરે કે હું સરું પણ ભેદ એમા કૈ નથી
  અંતર તમારાથી વધે છે વાત બીજી કૈ નથી
  આ જિંદગીભર આમ મુંગી ચાહમાં બળીયા પછી
  અંતે હવે સાથે જ બળીએ વાત બીજી કૈ નથી…….

  વૃધ્ધોની સ્થિતિ દયનિય હોય છે એ વાતની ના નહી, ક્યારેક તેઓ પણ વધુ પડતાં નિરાશાવાદી થઈ જતાં હોય છે….

 14. Gaurang Thaker said,

  March 7, 2009 @ 1:51 pm

  હ્રદયસ્પર્શી રચના..મઝા આવી.

 15. ડો.મહેશ રાવલ said,

  March 12, 2009 @ 6:39 am

  સંવેદનોથી છલોછલ રચના…..
  એમાંય આ પંક્તિ ખાસ…
  ગરજતા સમુદ્રો સતત જેની જીભે,
  એ ભીંતોની સાથે રહે મૂક ભાવે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment