ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
વિવેક મનહર ટેલર

આસિમ વિશેષ : ૪ : તાપીનો કિનારો તો નથી ! – આસિમ રાંદેરી

Aasim Randeri

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી !

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી !

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી !

દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?

મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી ?

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી !

હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી !

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,
કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી !

પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

– આસિમ રાંદેરી

આસિમ રાંદેરી પ્રણય અને વિરહના કવિ હતા. પણ એમના પ્રણયમાં મરીઝની ઉદાસીની કાલિમા કે ઘાયલની રક્તરંજિત ખુમારી નહોતી. એમના પ્રણયમાં સૌહાર્દતા, ઋજુતા અને ધીરજનો અખૂટ અસ્ખલિત ધોધ વહેતો નજર આવે છે. મૃદુ લાગણીઓનો જે પુદગલ એમની રચનાઓમાં નજરે ચડે છે એ સાનંદાશ્ચર્ય જન્માવે છે. લગભગ પંચોતેર વર્ષ જેટલા લાંબા એમના સર્જનકાળ દરમિયાન આ આખી દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ પણ એમના પ્રણયનો રંગ એવોને એવો ચિરયુવાન જ રહ્યો ! ચકરડાવાળા ટેલિફોન અને  ઓપરેટરયુક્ત ટેલિકોમ સેવાથી માંડીને પામ-ટોપ જેવા મોબાઈલ ફોન સુધી દુનિયા આ વર્ષોમાં વિકસી ગઈ. ભારત દેશ ગુલામીમાંથી આઝાદ થયો અને આર્થિક મહાસત્તા બનવા લગોલગ પહોંચી ગયો  પણ આસિમ સાહેબની પ્રણયભક્તિમાં મીનમેખ ફરક ન આવ્યો, એ ધ્રુવતારકની પેઠે એ જ રીતે અને એ જ જગ્યાએ ઝળહળતી રહી…

11 Comments »

 1. bharat said,

  February 7, 2009 @ 4:20 am

  “દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
  ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?”

  સુન્દર કલ્પના!!!!!!!!! લાગે છે કે હુ ગઝલના કિનારે છુ!!!!!!!

 2. Bharat said,

  February 7, 2009 @ 4:25 am

  લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
  મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.
  એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
  જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી ……..
  સહજ
  ભાવ થિ
  દિલ થિ કેટ્લુ
  કહિ ગયા,દરેક ને ખુદ નિ વાત લાગે .

 3. pragnaju said,

  February 7, 2009 @ 6:13 am

  પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
  એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

  લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
  મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.
  વાહ્

 4. Chetan Framewala said,

  February 7, 2009 @ 9:22 am

  હું હજી કવિતાનો ક શિખતો હતો ત્યારે આદરણીય આસિમ સાહેબને મણવાનો મોકો મળ્યો. પ્રસંગ હતો આઈ એન ટી મુશાયરાની રજત જયંતિનો..
  સાહેબના કંઠે ‘ જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે” સાંભળવાનો લાભ અનેરો છે,
  લગભગ ૯૦ વર્ષની જૈફ વયે ‘લીલા” રજુ કરતી વખતે જે રોમાંચ એમનાં મુખ પર જોવા મળ્યો – ચહેરા પર જે લાલિમા છવાઈ ગઈ હતી,એવું ગાલતું હતું, જાણે યુવાનીમાં ડગ ભરતા કોઈ નવ યુવાન આપની સામે કાવ્ય પાઠ કરી રહ્યું હોય.

  જય ગુર્જરી

 5. nirlep said,

  February 7, 2009 @ 9:33 am

  વાહ્…કેવી ઋજુતા અને કુમાશ..કશે ચાબખા નહિ જડે, નિર્ભેળ પ્રણયભક્તિ અને મસ્તીના સમાનાર્થી એટલે આસીમસાહેબ!!!

  દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
  ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?

  મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
  એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી ?

  સાહેબ તમે અત્યત ઔચિત્યપૂર્ણ અને યોગ્ય અંજલિ આપી છે.

 6. ઊર્મિ said,

  February 7, 2009 @ 11:00 am

  એક એક શેર લાજવાબ…!

  પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
  એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

  વાહ.. ક્યા બાત હૈ!

  લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
  મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

  કંઈક અંશે અમનેય આવો અનુભવ થયો છે…!

 7. Abhijeet Pandya said,

  February 7, 2009 @ 11:39 am

  ગઝલ રમલ છંદમાં લખેલી છે પરંતુ ગઝલમાં ઘણા શેરમાં છંદ તુટતો જોવા મળે છે. જો પ્રીન્ટ એરર
  હોય તો સુધારવા વિનંતિ.

 8. તાહા મન્સૂરી said,

  February 7, 2009 @ 10:02 pm

  બિલ્કુલ ખરી વાત
  આસિમ સાહેબની સર્જનપ્રક્રિયા પર તેમની ઉંમરની ક્યારેય અસર વર્તાઇ નથી
  તેથી જ તો આસિમસાહેબ ૯૫ વર્ષની ઉંમરે પણ કહી શક્યા હતા કે,

  “યાદ એક બેવફાની મને નિશદિન પ્રેરે છે “આસિમ”,
  નહિંતર આ પંચ્ચાણુંમે વર્ષે પ્રેમની ગઝલો ના સર્જાત!

 9. વિવેક said,

  February 7, 2009 @ 10:42 pm

  પ્રિય અભિજીત પંડ્યા,

  આપની વાત સાચી છે. પ્રસ્તુત ગઝલમાં છંદદોષ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ગઝલ આસિમ રાંદેરીના ‘શણગાર’ પુસ્તકમાં પહેલા પાને પ્રકટ થયેલી છે અને ત્યાંથી એ ‘યથાવત્’ ટાઈપ કરવામાં આવી છે. સુરેશ દલાલ સંપાદિત ‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’ના 131મા પાને આ ગઝલ થોડા ફેરફાર સાથે અને શેરોના ક્રમાંકમાં પરિવર્તન સાથે પ્રગટ થઈ છે પણ ‘લયસ્તરો’ પર અમે મૂળ કાવ્યને એના મૂળ સ્વરૂપમાં જ પ્રગટ કરવામાં માનીએ છીએ.

  ‘આસિમ વિશેષ’ શૃંખલામાં પ્રગટ થયેલ કાવ્યોમાંના કેટલાક ઇન્ટરનેટ પર પહેલેથી અસ્તિત્વ ધરાવે છે પણ ધ્યાનથી જોશો તો માલુમ પડશે કે એ બધા જ કાવ્યો અધૂરા છે અને જોડણીની અક્ષમ્ય ભૂલો ધરાવે છે. ‘લયસ્તરો’ બને એટલા ‘ચોખ્ખા’ કાવ્યો પીરસવામાં માને છે પણ ટાઈપ કરનારા હાથ મનુષ્યોના જ છે એટલે આપને ક્યારેય કોઈ ભૂલ નજરે ચડે તો જણાવતા રહેવા વિનંતી…

  આપના સતત સદભાવ બદલ ખૂબ ખૂબ આભાર !

 10. sunil shah said,

  February 8, 2009 @ 10:04 pm

  પ્રત્યેક શેર અદભુત..

 11. Jigar said,

  June 4, 2016 @ 2:00 am

  આહાહાહા… આસીમ સાહેબની રચનાઓ વાંચી સહજ અાંસુઓ વહેવા લાગે … અપ્રતિમ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment