તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
અનિલ ચાવડા

મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ (અનુ. વિવેક મનહર ટેલર)

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

સમય અને અનુભવ માણસને સતત ઘડતા રહે છે. લગભગ પાંચ વરસ પહેલાં આ જ કવિતાનો અનુવાદ મકાનમાલિકનું ગીત લયસ્તરો પર મૂક્યો હતો. એ વખતે અભણ ગરીબ હબસીની સ્લમ-ભાષાના સ્થાને શિષ્ટ ગુજરાતી પ્રયોજી હતી પણ આ ગ્લૉબલ કવિતા કૉલમ માટે આ કવિતા તૈયાર કરતી વખતે આ ભાષા ડંખી. કવિએ મૂળ અંગ્રેજી ભાષામાં જેવી ભાષા વાપરી છે એવી ભાષા અને પ્રાસરચનાનો વિચ્છેદ કરીને મેં કવિતાનું હાર્દ ખતમ કરી હોવાનું અનુભવાયું. એટલે એ જ કવિતાનો ફરી એકવાર અનુવાદ કરી હુરતની હેરીમાં બોલાતી ભાહામાં પાછી લખી કાઇઢી છે તે અંઈયા મેલું છું. ગમે તો બી કે’જો ને ની ગમે તો બી કે’જો.  હમજા કે ની?

4 Comments »

 1. Lata hirani said,

  June 17, 2017 @ 2:08 am

  ગમ્યું… સરસ..

 2. Nehal said,

  June 17, 2017 @ 5:00 am

  વાહ! સરસ!

 3. ketan yajnik said,

  June 17, 2017 @ 7:13 am

  કેટલાક ફૂલ માલિની માવજત હેંઠળ તો કેટલાક નૈસર્ગીક સૃષ્ટિ માં પતંગીયા ને ફૂલ જોડે સંબંધ જેવી જેની રુચી

 4. Shivani Shah said,

  June 18, 2017 @ 7:38 am

  એક પછી એક હ્રદયસ્પર્શી કાવ્યો share થઈ રહ્યા છે..શરુવાતમાં એમ લાગે છે કે રમૂજી કવિતા છે પણ પાછળથી પલટો લે છે..કવિતાના mood સાથે ભાષામાં પણ ફરક પડી ગયો..હળવાશની જગ્યાએ કડકાઇ આવી ગઈ. . ( Life is Beautiful પીક્ચર યાદ આવી ગયું. .) અસરકારક અનુવાદ. . ભાષાંતર…ભાવાનુવાદ !!

  કવિતા વાંચીને બીજી કવિતા યાદ આવી ગઈ. .
  અંધેરી નગરી ને ગંડૂ રાજા..
  ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા..
  બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે
  કદી સારી બૂરી ન વેચે વિવેકે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment