તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપુરી

અઢળક જોયું – ચંદ્રકાંત શેઠ

ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!

જળમાં જોયું, ઝગમગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?

પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.

– ચંદ્રકાંત શેઠ

ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે……ગેબી કશું નથી, અદ્રશ્ય કશું નથી, માત્ર દ્રષ્ટિ ખૂલી નથી…..

4 Comments »

  1. KETAN YAJNIK said,

    February 7, 2017 @ 5:15 AM

    ગેય કાવ્ય :
    ગાતા ગાતા ગમ્યું ગમ્યું અઢળક ગમ્યું મબલખ ગમ્યું

  2. Rakesh Thakkar, Vapi said,

    February 8, 2017 @ 2:56 AM

    સ…રસ.

  3. La Kant Thakkar said,

    February 11, 2017 @ 10:17 AM

    “ઊંડું જોયું, અઢળક જોયું….
    અભિનંદન…
    અંગત અનુભવ અને અનુભૂતિ ….. અલગ અલગ પ્રકારે થતા રહે ….

    “છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.

    અનુભવ-જ્ઞાને સમજાયેલું માપ છું,અનુભૂતિ તણો એહસાસ અમાપ છું,
    સકળ બ્રહ્માંડનો વિશાળ વ્યાપ છું, ચોફેર ચળકતો ચેતનાનો ચાપ છું,
    પ્રેમ-આનંદસભર ‘જીવંત’વિચાર છું,સ્પર્શ-સ્પંદન રણઝણ બેસુમાર છું,
    જુઓ તો ખરા! કેવો આરપાર છું !પારદર્શિતાનું સજ્જડ પોત અપાર છું.”

    .

  4. Sarla Sutaria said,

    February 17, 2017 @ 1:48 PM

    અઢળક ગમ્યું. વારંવાર વાંચ્યું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment