કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
શેખાદમ આબુવાલા

તારાથી જે થાય કરી લે – તેજસ દવે

તારી સામે મારી ઇચ્છા લે આ મૂકી, તારાથી જે થાય કરી લે;
સૂરજ સામે આંખ અમારી બે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ધક્કા મારી-મારીને તેં કીધું’તું કે, ‘અહીંયા કદી ન પાછો ફરતો’,
તેં દીધેલી ધમકી ગજવે મેં આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.

ઝાડ કહે કે, ‘એક જ તણખે આખું જંગલ ખાક થશે’ પણ જંગલ રચવા-
એક જ કૂંપળ કાફી છે ને તે આ મૂકી, તારાથી જે થાય કરી લે.

– તેજસ દવે

અમદાવાદ શનિસભામાં પહેલીવાર જવાનું થયું અને તેજસ દવેના મોઢે આ ગઝલ સાંભળી. સાંભળતાવેંત આફરીન પોકારી જવાયું. એકવડા બાંધાના દેખાવડા કવિનો બેવડા બાંધાનો ભીતરી મિજાજ અને ત્રેવડા બાંધાની ખુમારી ગઝલના શબ્દે-શબ્દે અનુભવી શકાય છે. ‘તારાથી થાય એ કરી લે’ તો આપણે વાતે-વાતે બોલીએ. બોલચાલના આ શબ્દોને એમના શબ્દગત કાકુસહિત કવિ ચાર શેરમાં લાંબી રદીફમાં જે રીતે વણી શક્યા છે એ કામ સાચે જ કાબિલે-દાદ છે. સૂરજ જેવા વિરાટ અસ્તિત્વની સામે પોતાની બે આંખ – જે ખબર જ છે કે પ્રકાશથી આંધળી જ થઈ જવાની છે, તો પણ દાદાગીરીપૂર્વક કવિ જે રીતે મૂકે છે એ જ પ્રેમની સાચી તાકાત છે. તું ના જ કહેવાની છે એ ખબર છે, પણ તારી સામે મારી ઇચ્છા તો હું વ્યક્ત કરીશ, કરીશ ને કરીશ જ. લાખ માર-અપમાન સહન કર્યા પછી પણ, કોઈપણ પ્રકારના ધમકી-દાટી સામે હાર ન માને એ જ સાચો પ્રેમ. હોડી ભલે કાણાંવાળી હોય, મન્સૂબા કાણાંવાળા ન હોય તો દરિયા જેવા દરિયાને પણ દારી શકાય. અને આખરી શેરની અમર આશા તો આખી ગઝલને નવી જ ઊંચાઈ બક્ષે છે.

આવો જ મિજાજ દીપ્તિ મિશ્રાની હિંદી ગઝલ “હૈ તો હૈ”માં પણ જોઈ શકાય છે.

5 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  January 12, 2017 @ 2:54 am

  વાહ! શુંં ખુમારી છે.
  છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.

 2. Ashish Talati said,

  January 12, 2017 @ 3:55 am

  સહિ તેજસ, મસ્ત

 3. Jayshree Bhakta said,

  January 12, 2017 @ 4:38 am

  Vaah kavi… kya baat hai!!

 4. algotar ratnesh said,

  January 12, 2017 @ 4:56 am

  વાહ સરસ

 5. Maheshchandra Naik said,

  January 12, 2017 @ 2:58 pm

  ખુમારીનુ કાવ્ય,જબરજસ્ત વાત કહી દીધી……..સરસ્,સરસ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment