તું એવી રીતે આ સંબંધને ભૂલી ગયો, વ્હાલા
કે જાણે પાણીની ઉપર હવાએ પગલા ના પાડ્યા !
વિવેક મનહર ટેલર

ભાષાભવન – અદમ ટંકારવી

એના પાયામાં પડી બારાખડી
ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવવાચક નામ મૂક્યું ઉંબરે

થઈ ધજા ફરક્યું ત્યાં સર્વનામ ‘તું’
ટોડલે નામોના દીવા ઝળહળ્યા
સાથિયા કેવળપ્રયોગી આંગણે
રેશમી પડદા વિશેષણના હલ્યા

કે અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

ભાષાની ભવ્યતા અને પ્રેમ સામે એની નિરર્થકતા કવિએ આ સૉનેટમાં કેવી સરસ રીતે juxtapose કરી છે ! ગુજરાતી ભાષાના નાનાવિધ અંગ વાપરી કવિ પહેલા અષ્ટકમાં ભવ્ય ભાષાભવન ખડું કરે છે ત્યારે તો સમય પણ એની કાંગરી નહીં ખેરવી શકે એવું અડીખમ હોવાની પ્રતીતિ કરાવે છે પણ ષટકની શરૂઆતમાં જ ત્યાં પ્રિયપાત્રનો ‘તું’ ધજા થઈને ફરફરે છે અને પ્રેમની દિવ્ય અનુભૂતિ થાય છે અને એના સૂસવાટા માત્રથી આખેઆખું ભાષાભવન પત્તાંના મ્હેલની જેમ ઊડી જાય છે. પ્રેમની અનુભૂતિ ભાષાતીત હોય છે…

3 Comments »

 1. Suresh Shah said,

  February 19, 2016 @ 3:58 am

  ભાષાની ભવ્યતા દર્શાવતું આ કથન અદભુત છે. પ્રેમ સામે એની નિરર્થકતા કવિએ સરસ રીતે રજુ કરી.
  આસ્વાદ કરાવવા બદલ આભાર. જવલ્લે જ મળતો આવો આનંદ.

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. lata hirani said,

  February 20, 2016 @ 1:35 am

  ક્યા બાત હૈ ! આદમભાઈ !
  કેમ છો ? અમદાવાદ ક્યારે આવો છો ?

 3. Jigar said,

  April 1, 2016 @ 9:19 pm

  યકીનન , બેમિસાલ કૃતિ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment