પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
બેફામ

દીવાનખાનામાં

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

-પન્ના નાયક

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

8 Comments »

 1. Pravin Shah said,

  June 28, 2008 @ 2:25 am

  બે દિવસ પહેલાં પન્ના નાયકની એક કૃતિ માણી હતી, અને આજે અહીં લયસ્તરો પર.
  ખૂબ આનંદ થયો. અભિનંદન!
  આજના માનવની સૌથી મોટી મુઝવણ એટલે આજની જીવનવ્યવસ્થા વચ્ચે પોતાના મનને ક્યાં ગોઠવવું! કવિને આશા છે કે માનવને નવો વિકલ્પ નવો રસ્તો જરુર મળશે…..
  …….-પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું.

  દરેકના મનની મુઝવણ અહીં તાદૃશ થાય છે.

  સુંદર ગઝલનો થાળ ઉપર વિવેકભાઇનું વિવેચન -મીઠો મુખવાસ જાણે!

 2. sunil shah said,

  June 28, 2008 @ 4:45 am

  સરસ રચના.

 3. pragnaju said,

  June 28, 2008 @ 8:47 am

  પન્ના નાયકનું સુંદર અછાંદસ
  સઘળું બરાબર થાય છે ત્યારે જ
  છટકે છે મારું મન-
  આ બધામાં મને ક્યાં ગોઠવું ?
  કેન્દ્ર શોધું છું.
  જ્યાં હું સરખું બેસી શકું…
  -પણ બારી કનેથી રસ્તો નિહાળતી
  હું ઊભી જ રહું છું.
  ઘણા બધાનો અનુભવ

 4. Nilesh Vyas said,

  June 29, 2008 @ 11:36 pm

  અભિનંદન!

  પન્ના નાયકનું સુંદર અછાંદસ અને વિવેકભાઇનું વિવેચન…. મજા પડી ગઈ
  દરરોજ સવારે વાંચવા જો મળે તો દીવસ સુધરી જાય.

 5. Pinki said,

  June 30, 2008 @ 1:42 am

  મન પણ વસ્તુની જેમ ક્યાંક ગોઠવી શકાતું હોત તો –
  અને સંભવતઃ બારીની બહાર જ ?

 6. nilamdoshi said,

  June 30, 2008 @ 11:58 am

  યેસ..માનવીના મનને ગોઠવવું સૌથી અઘરી વાત છે જ. આપણા સૌનો આ અનુભવ છે જ.

  માનવીના મન ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ
  એક સનાતન શ્રાવણ..

  પણ એ યે કયાં સનાતન રહે છે ૵

  કાશ ! મનને હોત પગ તો

  થાકીને ભટકી ભટકી
  જાત કદી અટકી..

 7. Vishwanathan said,

  April 24, 2009 @ 10:42 am

  Could not make head or tail from this poem..would like to see in Hindi..pl.

 8. દીવાનખાનામાં - પન્ના નાયક | ટહુકો.કોમ said,

  March 10, 2010 @ 6:55 pm

  […] (આભાર – લયસ્તરો.કોમ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment