ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
કૈલાસ પંડિત

જળ ખુદ હોડી બને – હર્ષ બ્રહ્મભટ્ટ

હું ચરણ માંડું અને રસ્તો  બને,
એક ટીપું શક્ય છે દરિયો બને.

ઘાસ પરથી ઓસ છો ઊડી જતું,
એક પળ પાકે અને મોતી બને.

ચોતરફ ઘનઘોર છો અંધાર છે,
વીજળી ઝબકે અને નકશો બને.

એક વાદળ આભમાં દેખ્યા પછી,
ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને.

પાણીમાં મેં ડૂબકી મારી અને-
શક્ય છે કે જળ ખુદ હોડી બને !

-હર્ષ બ્રહ્મભટ્ટ

વાદળને આભમાં જોવા ઊંચી થતી ધરતીને લીધે પહાડો રચાવાની કેવી મનહર કલ્પના !

16 Comments »

 1. jigar joshi 'prem' said,

  March 17, 2011 @ 11:00 pm

  આમ જોઇએ તો મત્લામાં રસ્તો / દરિયો કાફિયો પ્રયોજ્યા બાદ તુરંત બીજા શે’રમાં “મોતી” અને અઁતિમ શે’રમાં “હોડી” કાફિયો પ્રયોજ્યો છે….ગઝલની શિસ્તમાં સ્પીડ-બ્રેકર જેવું લાગે…પણ જો છેલ્લો શે’ર ચોથા ક્રમ પર મૂકવામાં આવે તો એક પ્રયોગશિલ રચના થઈ શકે….દરિયો / રસ્તો ત્યાર બાદ મોતી / નક્શો / હોડી / પહાડૉ…એમ થાય તો વાત બને…..

 2. Maheshchandra Naik said,

  March 17, 2011 @ 11:01 pm

  ચોતરફ ઘનઘોર છો અંધાર છે,
  વીજળી ઝબકે અને નક્શો બને.
  એક વાદ્ળ આભમાં દેખ્યા પછી,
  ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને
  કવિશ્રી હર્ષભાઈ દ્વારા સરસ ગઝલ સાંપડી છે…………..આ ચાર શેર મનભાવન બની રહ્યા છે, આભાર……….

 3. Pancham Shukla said,

  March 18, 2011 @ 9:40 am

  સરસ ગઝલ. બધા જ શેરમાં એક ઉંડાણ અનુભવી શકાય છે.

  મિત્ર જિગર જોશીનો પ્રતિભાવ ગમ્યો.

  આખરી શેરમાં ‘ખુદ’ને બદલે ‘સ્વયં’ શબ્દ હોય તો એજ ભાવ સાથે છંદને કદાચ વધુ ઉપયોગી નીવડે.

  પાણીમાં મેં ડૂબકી મારી અને-
  શક્ય છે કે જળ ખુદ/સ્વયં હોડી બને !

 4. pragnaju said,

  March 18, 2011 @ 10:22 am

  સુંદર ગઝલ
  આ શેર વધુ ગમ્યા
  એક વાદળ આભમાં દેખ્યા પછી,
  ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને.

  પાણીમાં મેં ડૂબકી મારી અને-
  શક્ય છે કે જળ ખુદ હોડી બને !

 5. rajesh gajjar said,

  March 18, 2011 @ 12:20 pm

  જળ ખુદ હોડી બને !……..
  મન પુલકિત બન્યુ..

 6. ધવલ said,

  March 18, 2011 @ 3:25 pm

  સરસ !

 7. જયેન્દ્ર ઠાકર said,

  March 18, 2011 @ 4:46 pm

  જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ!

 8. sudhir patel said,

  March 18, 2011 @ 7:42 pm

  સુંદર ગઝલ, પણ કવિ જિગર અને પંચમની વાત સાથે સહમત થવું પડે!

  સુધીર પટેલ.

 9. Lata Hirani said,

  March 18, 2011 @ 11:00 pm

  કણમાં જ બ્રહ્માંડ છે એની સુગંધ આ ગઝલમાં આવે છે ને !! પગલામાં રસ્તો અને ટીપામાં દરિયો…. મનને સદાય ભીનું રાખનાર ઓસની જેમ છવાઇ જાય છે ને ધરતી ઊંચકાઇને પહાડ બને ત્યારે કવિતા એવરેસ્ટના ઉત્તુંગ શિખરોને આંબે !!! શબ્દોને શ્વાસ બનાવનાર કવિ જ પાણીને હોડીમાં પલટાવી શકે….. હર્ષભાઇ, સલામ !!!
  (મારી દૃષ્ટિએ ‘ખુદ’ને બદલે ‘સ્વયં’ વાપરવાથી લય તૂટી જાય)

  લતા જ. હિરાણી

 10. વિવેક said,

  March 19, 2011 @ 1:07 am

  જિગર અને પંચમદાની વાત સાચી છે…
  આ ગઝલમાં કાફિયાદોષ છે અને છેલ્લે ખુદની જગ્યાએ સ્વયં વાપર્યું હોય તો છંદ પણ જળવાઈ રહે છે…

 11. sapana said,

  March 19, 2011 @ 8:49 am

  જીગરભાઈ પંચમભાઈ અને વિવેકભઐ સાથે સહમત છું..મારાં જેવાં નવોદિતને પણ આ ખૂચ્યું..
  ઘાસ પરથી ઓસ છો ઊડી જતું,
  એક પળ પાકે અને મોતી બને.આ પંકતિઓ ગમી
  સપના

 12. કિરણસિંહ ચૌહાણ said,

  March 20, 2011 @ 11:45 am

  વિચારો બહુ જ સુંદર પણ કાફિયાદોષને કારણે મજા બગડી. ભાઇ જિગરના સૂચન પ્રમાણે શેંરોનો ક્રમ બદલવાથી પણ ભૂલ તો નહિ જ સુધરે. એને પ્રયોગાત્મક ન જ ગણી શકાય. જે તે સ્વરૂપનું બંધારણ ન જળવાય તો એનું સૌંદર્ય જોખમાય.

 13. Narendra Joshi said,

  March 20, 2011 @ 12:16 pm

  મારી ગજલની અન્તીમ કડીઓ
  ચરને ધરેલુ દીલ તેમણે થોક્કરે માર્યુતુ
  નરેન ભુલ મે કરી હતી દીમ ચરનમો ધર્યુ તુ

  અનુસ્વાર ટાઈપ થતો નથી

 14. Narendra Joshi said,

  March 20, 2011 @ 12:17 pm

  મારી ગજલની અન્તીમ કડીઓ
  ચરને ધરેલુ દીલ તેમણે થોક્કરે માર્યુતુ
  નરેન ભુલ મે કરી હતી દીલ ચરનમો ધર્યુ તુ

  અનુસ્વાર ટાઈપ થતો નથી

 15. વિવેક said,

  March 21, 2011 @ 1:03 am

  અનુસ્વાર ટાઇપ કરવા માટે “Shift” અને “6” ટાઇપ કરશો.

 16. PRADIP SHETH . BHAVNAGAR said,

  March 21, 2011 @ 11:15 pm

  સરસ રચના…….
  કવિ હર્ષ બ્રહ્મભટ્ટનુ સરનામુ આપવા વિનંતી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment