એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
હિતેન આનંદપરા

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

રાજકોટના યુવા કવિ અલ્પેશ ‘પાગલ’ શરીરે અપંગ છે. સોળ વર્ષની ઉંમરથી વ્હીલચેર સાથેની કેદ ભોગવે છે. પણ વ્હીલચેરમાં બેસીને જે ગઝલો લખે છે એમાં એમની વેદનાનું ઊંડાણ પણ તાદૃશ જરૂર થાય છે. મુલાયમ શબ્દો અને મખમલી પીડાઓ લઈને વ્હીલચેરનો નહીં, પણ ‘વીલ’ ચેરનો આ કવિ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ‘લયસ્તરો’ તરફથી એમને હાર્દિક શુભકામનાઓ…

(ગઝલ સંગ્રહ: “ઈશ્કથી અશ્ક” – જિગર જોષી ‘પ્રેમ’ સાથે સંયુક્ત ગઝલ સંગ્રહ)

11 Comments »

 1. Pinki said,

  May 9, 2008 @ 1:56 am

  એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
  થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

  ખૂબ જ સ-રસ…….!!

 2. pragnaju said,

  May 9, 2008 @ 8:53 am

  જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
  ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.
  વાહ્-ધન્યવાદ અલ્પેશ ‘પાગલ’
  અમે પાગલ,અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
  મા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું!

 3. Jayshree said,

  May 9, 2008 @ 2:14 pm

  બધા જ શેર જાણે ગમી ગયા… અને એમા આ તો ખૂબ જ ગમ્યા… ( મોટાભાગની ગઝલ જ અહીં લખાઇ ગઇ.. પણ, હવે શેર એવા ગમી જ જાય તો શું થાય..! )

  તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
  આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

  જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
  ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

  એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
  થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

  આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
  ‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

 4. Bharat said,

  May 9, 2008 @ 2:14 pm

  રાજકૉટ ના કવિ ….વાહ ! હવે તો સુરત અને અમદાવાદ ના લોકો ને સાવચેત રહેવ પડશે !!!

 5. Rasheeda said,

  May 9, 2008 @ 6:46 pm

  વાહ વાહ્!
  બહુ જ સુન્દર. મજા પડી અને બહુ જ આનન્દ થયો.
  શેર ચોટ લાગે એવા તેજ અને મીઠા છે.

 6. ડો.મહેશ રાવલ said,

  May 9, 2008 @ 11:13 pm

  અભિનંદન દોસ્ત !
  સુંદર ગઝલ.
  સાચી દીશામાં છો,સતત અને સખત મહેનતથી જ ધાર્યું પરિણામ આવી શકે – અને તારી આ ગઝલ એનો સચોટ પુરવો છે.

 7. Jayesh Bhatt said,

  May 10, 2008 @ 5:00 am

  વાહ કવિ વાહ

  તમેય રાજ્કોટ ના ને હુય રાજ્કોટ નો મને તો બહુજ ગમ્યુ કૉક દિવસ આવિશ ત્યારે મલિશ્

  જયેશ ભટ્ટ્

 8. RAZIA MIRZA said,

  May 12, 2008 @ 6:59 am

  વાહ અલ્પેશ ભાઈ વાહ,
  મને આશા છે આ કુંપળ એક’દી જરુર વટવ્રુક્ષ બનશે.

 9. Saloni Patel said,

  May 13, 2008 @ 11:58 am

  એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
  થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

  આ શેર બહુ જ ગમ્યો.

 10. akpesh pathak 'pagal' said,

  June 12, 2008 @ 12:26 pm

  આભાર સોનાલી,
  visit my blog pagalkavi.blogspoy.com

  -alpesh pathak ‘pagal’

 11. sanketsinh said,

  November 4, 2009 @ 11:39 pm

  saras rajuaat… sathe ni ek fariyaa

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment