દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
વિવેક મનહર ટેલર

આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? – કૃષ્ણ દવે

છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?

મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યે મને તારામાં ગોતી દે એકાદી લીલીછમ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….

મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….

– કૃષ્ણ દવે

આ વખતે વાદળો રૂઠયા છે……. મનાવ્યા માનતા નથી……

 

14 Comments »

 1. વિવેક said,

  June 24, 2014 @ 12:56 am

  સુંદર રચના…

 2. mukesh vora said,

  June 24, 2014 @ 4:11 am

  અતી સુંદર રચના હજી આ ઉમરે પણ પહેલા વરસાદ માં ભીંજાવાનું મન થાય છે
  ખરેખર હૃદય માં લીલીછમ કુંપળો ફુંટવી જરૂરી છે.

 3. Shah Pravinchandra Kasturchand said,

  June 24, 2014 @ 7:45 am

  બચપણ્,જવાની અને બુઢાપો બધાં એકસાથે યાદ આવી ગયાં.
  ખૂબ સુંદર રચના.

 4. beena said,

  June 24, 2014 @ 8:18 am

  ચાલ ગઈ કાલ ભૂલી જા

  મારી તરસ ને તારી નારાજગી કેંસલ
  નવી ગિલ્લી નવો દાવ

  ચાલ તું મના મૂકીને વરસ

  આઈ પ્રોમિસ કે હું તરબતર ભીંજાઈશ,

  એક વાર લોકલ ટ્રેન માં વી.ટી.થી થાણા જતી હતી ત્યારે
  બહાર વરસાદ પડવા માંડ્યો
  ભરચક ભરેલા લેડિસ કંપાર્ટ્મેનટ માં કેટલીક સ્ત્રીઓ છત્રી બહાર કાઢવાની પેરવી કરતી હતી

  તો મરાઠી સ્ત્રીઓ (રોજની સહપ્રવાસીઓ )સહેલીઓ પરસ્પર છત્રી કાઢવાની મનાઈ કરીને કહે

  પહીલા પાઉસલા કાળી છત્રી દાખવું નકો.
  પછી બધી સહેલીઓ વર્ષનાં ગીતો ગાવા લાગી
  છત્રી બહાર નહિ કાઢી
  જ્યાં સુધી આવી સહેલીઓ પહેલા વરસાદનું આવું સ્વાગત કરતી હોય તો

  વાદળ રિસાઈ નહિ શકે.
  બેીના કાનાણેી

 5. beena said,

  June 24, 2014 @ 8:21 am

  કૃષ્ણ ભાઈની કવિતા અને અમારો સ્નેહ હોય ત્યાં લીલી છમ ડાળૅની ખોટ નહિ વર્તાય

 6. P P MANKAD said,

  June 24, 2014 @ 10:30 am

  Simply heart-touching. A lot of thanks for writing and sharing such a beautiful down-to-earth poem. Incidentally, i am also taking open bath in the first showers for the last 50 years-whereever I may have been/may be.

  P.P.Mankad,

 7. yogesh shukla said,

  June 24, 2014 @ 12:07 pm

  વર્ષાગીત સુંદર ,

  એક વાદળું મને ભીંજવીને સંતાઈ ગયું ,
  ખુલ્લા આકશમાં હવે હું એને ક્યાં શોધું ,
  ” યોગેશ શુક્લ “

 8. perpoto said,

  June 24, 2014 @ 2:33 pm

  આ ગીત કવિશ્રી ને મુખે સાંભળવું …એક લહાવો છે…

 9. Kamalkant said,

  June 25, 2014 @ 2:17 am

  ક્રુષ્ણ દવે ની કોઈ પણ રચના સુંદર હોય છે.
  આ ગીત નું સરસ મજા નું સ્વરાંકન થઈ જાય તો રૂઠેલા વાદળ પણ માની જાય…..

 10. pragnaju said,

  June 25, 2014 @ 7:51 pm

  ખૂબ સુંદર વર્ષા ગીત
  ૠષિમુનિઓ માનતા કે સંગીતની ખાસ ઘુનો કે તરજોથી એવાં આંદોલનો રચાય છે, જેનાથી વાદળાં કાજળઘેરાં કે ઘનશ્યામ બનીને પૃથ્વી પર વરસી પડવા પ્રેરાય છે. હકીકતમાં પર્જન્ય કે વરુણ દેવતાને રિઝવવા માટે આજેય આ પરંપરાનો સહારો લેવામાં આવે છે.
  સુરતમા પંડિત ઓંમકારનાથ ઠાકુરે મેઘ મલ્હાર ગાયો અને વર્ષાની મહેર થઇ તેના અમે સાક્ષી છીએ

 11. Brinda said,

  June 26, 2014 @ 12:38 am

  ખુબ જ સુંદર કવિતા! હવે વરસાદને બાલ્કનિમાં બેસીને માણવાનું મન થાય, પણ ભીંજાવાની વાત નહીં ઃ)

 12. chandresh said,

  June 26, 2014 @ 4:39 am

  સુંદર રચના….

 13. kiran said,

  June 26, 2014 @ 8:00 am

  આ વખતે વાદળો રૂઠયા છે……. મનાવ્યા માનતા નથી……

  બહુજ સરસ

 14. mahesh dalal said,

  July 15, 2014 @ 7:12 pm

  બહુજ સરસ વર્ષા ગેીત્..

  આકાશિ વદળિને નામે કહિ દવુ ચ્હ
  ક્યન વર્સિ લો.. કે વિખરાઓ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment