ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

મનને કહ્યું (Dark Poem) – ચન્દ્રકાન્ત ટોપીવાળા

સૂરજને   કહ્યું   ઊગ,   સૂરજ   ઊગી   ગયો
ચન્દ્રને  કહ્યું  આથમ,  ચન્દ્ર  આથમી   ગયો
ફૂલને    કહ્યું    ખીલ,    ફૂલ    ખીલી    રહ્યું
પવનને   કહ્યું   વા,   પવન  વાવા  લાગ્યો.
સમુદ્રને   કહ્યું   ગરજ,   સમુદ્ર  ગરજી ઊઠ્યો.
આકાશને કહ્યું વરસ,  આકાશ વરસવા માંડ્યું
મનને કહ્યું હરખ,  મન  દુઃખી દુઃખી થઈ ગયું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

આ કવિતાને કવિ ‘ઘોર કાવ્ય‘ (Dark Poem) તરીકે ઓળખાવે છે. અહીં જીવનનો ભીતરનો ખરો -ઘેરો કાળો- રંગ સ્ફુટ થાય છે માટે? કવિતાની પહેલી છ પંક્તિમાં કવિ વારાફરતી પ્રકૃતિના છ અલગ-અલગ સ્વરૂપને એનો સાચો હેતુ પ્રકટ કરવા ઈજન આપે છે. આ કવિનો શબ્દ છે. કવિના શબ્દની તાકાત છે. કવિ સૂરજને કહે ઊગ તો એણે ઊગવું પડે. કવિનો શબ્દ જ્યારે કાગળ પર જન્મ પામે છે ત્યારે એ અ-ક્ષર બની જાય છે! પણ અહીં કવિ પોતાની તાકાત બતાવવા નથી આવ્યા. કવિ આવ્યા છે ભીતરના કાળા અંધારાને અજવાળવા. મનુષ્ય ભારોભાર પ્રકૃતિની વચ્ચોવચ રહીને પણ આજે પોતાની ઓળખ ગુમાવી બેઠો છે એની અહીં વાત છે. એની ફિતરતમાં કુદરતનો વ્યાપ નથી. કુદરત પાસે મોકળાપણું છે, આપવાપણું છે. એના આપવામાં કોઈ ગણિત નથી હોતું એટલે એ એનો સાચો હેતુ આજે પણ યથાર્થ પ્રકટ કરી જાણે છે. માણસ પાસે મોકળાશ નથી એટલે એના હૈયે હાશ નથી. માણસ આપવામાં નહીં, લેવામાં માને છે. અને આ અપેક્ષા એને પ્રકૃતિના કુદરતી નિયમોથી વેગળો રાખે છે. એટલે એનું મન વિસ્તીર્ણ નથી થતું, ક્ષીણ થાય છે. માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શક્તો. અને કવિ હસવાનું કહે ત્યારે એ માત્ર દુઃખી નથી થતો, દુઃખી દુઃખી થઈ જાય છે. આખી કવિતામાં એક જ વાર વપરાતું ક્રિયાપદ કાવ્યાંતે જ્યારે બે વાર કવિ વાપરે છે ત્યારે એ એની કથનીને દ્વિગુણીત કરી બેવડી ધાર કાઢી આપે છે અને આજ છે કવિનો સાચો શબ્દ: અ-ક્ષર !!

16 Comments »

 1. Pinki said,

  January 19, 2008 @ 3:24 am

  ‘dark poem’ આપણા અંતરમાં પ્રકાશ પાથરી દે એટલી સશક્ત છે.
  અને વિવેકભાઈનું રસદર્શન પણ અદ્.ભૂત……..!!

  માણસ એની પ્રાકૃતિક્તા એ રીતે ગુમાવી બેઠો છે કે હવે હસી નથી શકતો …!!
  ખૂબ જ સરસ……. !!

 2. સુનીલ શાહ said,

  January 19, 2008 @ 9:36 am

  અંતીમ પંક્તીનો સ્પાર્ક સમગ્ર કવીતાને ઉંચાઈ પર મુકી જાય છે. વિવેકભાઈ, કવીની સાથે તમને, લયસ્તરોને અભીનંદન

 3. Shah Pravinchandra Kasturchand said,

  January 19, 2008 @ 10:03 am

  સંસ્કૃતમાં કાવ્યની વિભાવના આવે છેઃ
  “રસાત્મકમેકંવાક્યંકાવ્યમ્! ”
  કવિતા શબ્દોની મોહતાજ નથી,રસ એનો આત્મા છે.એક વાક્ય માત્રથી રસની નિષ્પત્તિ થતી હોય તો એક વાક્ય માત્ર ઉત્તમ કવિતા બની જાય છે.
  સામાન્યતાનો પ્રકાશ અસામાન્યની પાર્શ્વભૂમિમાં દ્વિગુણિત જ નહીં પણ આગના ગોળાની જેમ ભભૂકી ઊઠે છે.કંઈક આવું જ અહીં થયું છે.
  બાકી જોવા જાવ તો સૂરજ,ચંદ્ર,ફૂલ,પવન,આકાશ અને સમુદ્રને આપણે કહીએ એટલે એમની બધી ક્રિયાઓ કરે છે એવું નથી.પણ કવિ લખે એટલે એમ બનતું હોય એવું લાગે છે.આજ વસ્તુ કવિનો પ્રભાવ છે જે એની કવિતામાં રસ બનીને વહે છે અને એના શબ્દોને કાવ્યત્વ અર્પે છે.
  આ રીતે જોવા જઈએ તો સમજ પડે છે કે સરળ લાગતું આ કાવ્ય કેવું તુમૂલ ઘમાસાણ મચાવે છે.
  સૂરજ,ચંદ્ર,ફૂલ,પવન,આકાશ અને સમુદ્ર ઉપર આપણો કોઈ અખત્યાર ચાલે નહીં;છતાં જાણે આપણે વશ હોય એમ લાગે છે.જ્યારે મનતો આપણું પોતાનું છે છતાં આપણું કહ્યું નથી કરતું.
  આ આપણું કેવું દુર્ભાગ્ય!
  આવી સરસ કવિતા અને એનું સરસ રસદર્શન પીરસવા બદલ વિવેકભાઈનો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો.

 4. harnish Jani said,

  January 19, 2008 @ 10:09 am

  માનવ અને ફૂલને હ્રદય છે. બાકીના જડ છે. જડને લાગણીઓ ન હોય.

 5. ઊર્મિ said,

  January 19, 2008 @ 11:37 am

  આજે તો લયસ્તરોની દિવાલ પર એક અદભૂત દર્પણ ટાંગી દીધું હોય એમ લાગે છે દોસ્ત!

  ખૂબ જ સરળ અને સુંદર કાવ્ય… અને એને અહીં વધારે સુંદર બનાવ્યું છે તારા સ-રસ કાવ્ય રસાસ્વાદે.

 6. pragnaju said,

  January 19, 2008 @ 12:50 pm

  “મનને કહ્યું હરખ, મન દુઃખી દુઃખી થઈ ગયું.”
  પંક્તી વાંચતા જાણે પ્રકૃિતની પ્રલયની પ્રક્રીયા
  “બ્લેક-હોલ”નો ખ્યાલ આવ્યો!
  સુંદર કાવ્ય અને વધુ સુંદર રસ દર્શન
  સંતોની વાણીમાં વારંવાર આવતુ- મન બંધનનું કારણ છે ને મોક્ષનું પણ કારણ છે.મન વિષયને માર્ગે જાય, અનીતિ, દુરાચારમાં જાય તો એમાંથી અધોગતિ થાય છે. એનાથી મોક્ષ થાય નહીં. પરંતુ એ મન બંધન ને જન્મમરણનું કારણ બને છે. યાદ આવ્યું!
  ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
  તારાં મનનું ગાણું એકલો ગાને રે ! –
  ટાગોરનું ગીત યાદ આવ્યું
  “મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
  પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે
  મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
  કાલે જ મેં કોઇને માશુક કહી છે ”
  … યાદ આવી અને મનની ગતીનો
  ઘોર કાવ્યનો ખ્યાલ આવ્યો!!!

 7. Ramesh patel said,

  January 19, 2008 @ 1:14 pm

  જિંદગી
  કોણ કહેછે જિંદગી છે રસ્તે રઝળતી વારતા
  ભાઈલા, જીવી જાણો તો થઈ જાય એ મહાકથા

  જેવું વિચારો એવી તમને દિશસે જિંદગી
  આંખો મિંચી કેમ ભાળશો, સૂરજની રોશની

  જીવી જાણો જિંદગી તો જિંદગી છે જિંદગી
  ભૂલી જો ભટક્યા કરોતો વેરાન છે જિંદગી

  ભૂલી તમે ભૂલ, ભૂલોને ભાળો જો હસી
  દોશો પડશે ખરી, મલકશે મગરુરથી જિંદગી

  જીવ્યા તમે પોતાના માટેતો તમે શું જીવ્યા?
  કેવું જીવતા દાતા બની, જુઓ ઊભા આ ઝાડવા

  સાધુ થવું કે સંસારી, વિચારતાં વહી ગઈ જિંદગી
  માંહ્યલાને રમવા દે મારી સાથે, હળવેથી બોલ્યા હરિ

  આયખું એવું ઊજળું કરો, અવિનાશીને આશરે
  સમાધિમાં સૂતા પછી પણ, લોક આવી દીવા કરે
  રમેશપટેલ(આકાશદીપ)

 8. ડૉ. મહેશ રાવલ said,

  January 19, 2008 @ 1:53 pm

  વિવેકભાઈ!
  કાવ્ય કરતાં તો કાવ્યાસ્વાદ ચડીયાતો લાગ્યો !!!!!
  અભિનંદન!

 9. munnaji said,

  January 19, 2008 @ 2:59 pm

  Why this poem is written in gujrati(if i guessed it)
  Damn it.
  write it in ENGLISH or at least HINDI so that everyone understand it
  I dont know , but if your are so intensive about your sadness
  then worship planet SATURN and LORD Hanuman.

 10. Ramesh patel said,

  January 19, 2008 @ 6:19 pm

  પ્રતીક્ષા
  ઝૂરાવે કેમ જગદીશ સૌને અરે!
  સવારથી સાંજ ઢળે ને યાદો ટોળેવળે.

  પ્રકૃતિ દે શીખ, પ્રતિક્ષામાંજ આનંદ તપછે ખરે!
  સાગર તપે ઉઘાડા પટે, તોજ ભીંના શ્રાવણ ઝરે.

  તલાસની તરસથી તપતાં ,વટાવો રણો જ્યારે તમે,
  વીરડીના જળથી મનને કહો કેવી શાતા મળે?

  ઝંખીએ જેને ઝૂરીઝૂરી, ક્યારે સોન હીંડોળે ઝૂલે?
  દૂર દેશાવરે હોય ભલે, સ્વપ્નમાં આવી કેવા મળે.

  ઝૂરાપાથી જીવન કેવું મ્હેંકે, આજ અનુભવે જાણ્યું અમે
  મળી મળી, છૂટાપડી, પ્રતિક્ષાથીજ, દિઠા વ્હાલ ઊભરાતા ઉરે

  તમે મળ્યા તેના કરતાં પ્રતીક્ષા હતી કેવી પ્યારી
  સાક્ષાત્કારે ગયાં ગીત વીરમી, શાંત સરોવરમાં રમી

  વગાડી વિણા પોકાર્યા, બસ પોકાર્યા કિરતારને ગદગદ ભાવે
  અનુભૂતિ થઈ અગોચરે, પરમ શક્તિની અહોભાવે.

  રમેશ પટૅલ(આકાશદીપ)
  શ્રી ડૉ વિવેક,
  આપના રસ દર્શનની અભિલાશા સથે.
  સ્

 11. dipali said,

  January 19, 2008 @ 6:47 pm

  Hi Naisargi
  I don’t have any word what should i say its really really nice poem when you are only nine yr old. keep it up.

 12. Ramesh patel said,

  January 19, 2008 @ 10:23 pm

  જીંદગી બસ ઝૂલ્યા કરે
  જીંદગી બસ ઝૂલ્યા કરે,લઈ કઠોર નઠોર ગમતી ભ્રમણા
  હળતાં મળતાં પ્રેમથી, જીવન જીવવાની બસ શીખીએ કલા
  જીંદગીની પળ પછી, બીજી પળ કેવી હશે,કોણે જાણ્યું?
  અકળ્,સફળ નિષ્ફળનું પુનરાવર્તન રમે વિશ્વે નર્યું.
  છે માનવ શરીર મંદિર,રમાડે સદા અક્ષરને આનંદે
  તડાકા છાંયડાની મૂકી ફરીયાદ બાજુએ , રમજો તમે બંદે

  હરખના હીંડોળે ,પ્રત્યેક ક્ષ્ણ માણીએ એ ઘણું છે
  ઈશ્વરને યાદ કરીએ ને અશ્રુ ઝરે, એ ઘણું છે
  ભીતરના કોઈ ખૂણેથી,ઝઝૂમવાની શક્તિ ઉભરે એ ન્યારું છે
  જીંદગી બસ ઝૂલ્યા કરેને સદા હોંકારા મળે એજ વહાલું છે

  રમેશ પટેલ(આકાશદીપ)

 13. vital patel said,

  January 19, 2008 @ 10:39 pm

  રમેશ પટેલ(આકાશદીપ) ની પ્રતિક્ષા અને જીંદગી કંઇક જુદી અને વાંચવાની મજા પડે એવી રચના લાગી..સુંદર રજૂઆત. અભિનંદન.
  વિતલ

 14. ધવલ said,

  January 20, 2008 @ 11:33 pm

  એટલે જ – મન મર્કટ સમું – એમ કહેવાય છે !

  આપણું મન સૌથી અ-પ્રકૃતિક વિચાર કરવા દોડે છે. એ આપણા વિકાસ અને વિનાશ બન્નેનું કારણ બને છે. એકી સાથે તદ્દન વિરોધાભાસી વિચારોને લઈને જીવવું એ ખાલી ‘હોમો સેપિયન્સ’ માટે જ શક્ય છે – એ આપણી સિદ્ધિ છે અને કમનસીબી પણ !

 15. snehal patel said,

  January 21, 2008 @ 1:47 pm

  ઝીંદગી બસ ઝૂલ્યા કરે- સું.દર રીતે જિવનની રજૂઆત.ધન્યવાદ રમેશ પટેલ.યથાર્થ રીતનું ગમીજાય એવું કવન.
  સવિતા પટેલ

 16. Ramesh patel said,

  January 21, 2008 @ 7:23 pm

  પારખો નઝર
  વાંચો નઝર, પારખો નઝર, નઝર નઝરમાં બહુ ફેર
  એક નઝરે ઝૂમે ઝીંદગી, બીજી નઝરે વરતાયે કેર

  નઝર ઝૂકે ,નઝર ફરકે, રમાડે સૃષ્ટિની તકદીર નઝર
  પ્રતિપક્ષનું માપે પાણી નઝર, દુશ્મન કે દોસ્તીની ખીંચે લકીર

  વાતછે કાતિલ તારી નઝર,ઘાયલ કરે નઝરોનાં બાણ
  કુદરતની જો જાયે ફરી નઝર, પળવારમાં પલટે પ્રમાણ

  નઝર ઘૂમી ઘૂમીને શોધે, દિલબરને શોધીને શરમાય
  નમણી નટખટ નઝરના નખરાથી, ભલભલા ભરમાય

  તારી નઝર મારી નઝર, સ્નેહે મળે મલકે જિગર
  માનવને પ્રેમથી બાંધે નઝર,જગતને જિવાડે અમી નઝર

  કરુણા પ્રેમથી છલકે નઝર, ઝીલજો સંતની કૃપા નઝર
  રગે રમે ઉમંગે રમે, માનવને માનવ બનાવે નઝર.

  રમેશ પટેલ(આકાશદીપ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment