સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ શ્રીમાળી

દિલીપ શ્રીમાળી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગોફણની વચ્ચે છું – દિલીપ શ્રીમાળી

આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું,
હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું.

વાગવાની પંખીને ઇચ્છા નથી મારી,
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું.

માછલી દરિયો જ સમજીને તરે એમાં,
ક્યાં ખબર છે કાચના વાસણની વચ્ચે છું.

શ્વાસનું ટોળું મને લઈ જાય ઘરની બ્હાર,
હુંય શ્વાસોના રખડતા ધણની વચ્ચે છું.

આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

– દિલીપ શ્રીમાળી

સ-રસ રચના !

Comments (6)

તળિયું – દિલીપ શ્રીમાળી

ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?

ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.

રણને આખુંય ઊથલપાથલ કર્યું પણ
ક્યાંય દેખાયું નહીં મૃગજળનું તળિયું.

ખુશબૂ લપસી ગઈ ફૂલોના શ્વાસ પરથી
લીલ બાઝેલું હતું ઝાકળનું તળિયું !

– દિલીપ શ્રીમાળી

ચાર જ શેરની આ ગઝલ આમ તો તળિયાની વાત કરે છે પણ એનું પોત પકડવા જાવ તો અતાગ લાગે એવી ઊંડી !

એક બીજું આશ્ચર્ય લયસ્તરો પર કવિનું નામ ઉમેરવા ગયો ત્યારે થયું. એક, બે, ત્રણ નહીં, લયસ્તરો પર એક ડઝન ‘દિલીપ’ મળી આવ્યા… !

Comments (5)