નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અર્પણ ક્રિસ્ટી

અર્પણ ક્રિસ્ટી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૪

હોળી-ધૂળેટીના ગીતો તો પરાપૂર્વથી લખાતાં આવ્યાં છે, લખાતાં પણ રહેશે. સમય-સમત પ્રમાણે ફ્લેવર બદલાય એ સાચું, પણ દરેકની આગવી મજા છે. છેલ્લા ત્રણ દિવસથી આપણે ફાગણની રંગછોળો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)માં ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ શૃંખલાની ચોથી અને હાલ પૂરતી આખરી કડી રજૂ કરીએ છીએ… જે રચનાઓનો સમાવેશ કરવાનો રહી છે, એની રસછોળો લઈને ફરી ક્યારેક ઉપસ્થિત થઈશું… આજની કાવ્યકણિકાઓને કોઈ પણ પ્રકારની પાદટીપ વિના જ માણીએ-

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
– જવાહર બક્ષી

આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ પણ રંગ દુનિયાનો અસર એને નથી કરતો,
પ્રણયના રંગમાં જેઓ ‘અમર’ રંગાઈ જાયે છે.
– ‘અમર’ પાલનપુરી

કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા

છોકરી કેરી હથેલીમાંથી ઝરમર ઝરે ગુલાલ
છોકરા કેરી છાતીમાંથી છલ્લક છલકે વ્હાલ
બંને રંગે ને રંગાતાં સઘળું થાતું સરભર-
વાત હતી સંગીન કે એમણે રમવું’તું ઘરઘર-
– તુષાર શુક્લ

વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ એને કેમ કરી રાખવું છાનું?
સખિરિ, આવ્યું ટહૂકે ટહૂકવાનું ટાણું!
એના રંગમાં આ હૈયું રંગાણું
– તુષાર શુક્લ

રોજેરોજ હું તને રંગતો, ‘હું’ને ગમે તે રંગે,
આવ, આજ તું ‘હું’ રંગી દે, તને ગમે તે રંગે.
– તુષાર શુક્લ

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત

વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત sign
ને ત્યાર બાદ રંગની જુદી જુદી design
– હર્ષદેવ માધવ

ઉપવન ‘વસન્ત’ એવો પાસવર્ડ મોકલે ત્યાં ફાગણની ખુલી ગઈ ફાઇલ,
વૃક્ષોનો સ્ક્રીન આજ એવો રંગીન, જુઓ ડાળીઓની નવી નવી સ્ટાઇલ!
ભમરાઓ રઘવાયા- આપ્યું ઉદારતાથી આંબાની મંજરીએ સ્માઇલ.
પુષ્પોનો એસ.એમ.એસ. વાંચીને કોયલ પણ જોડે છે સામે મોબાઇલ
– હર્ષદેવ માધવ

ફાગણ આવ્યો ફૂલ્યો,
શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.
કેસૂડલાની કળીએ કેવાં સ્વપ્ન સુનેરી સીંચ્યાં!
આભ તણા અંતરને આંબી હૈયાં હેતે હીંચ્યાં,
કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!
– ગોવિંદભાઈ પટેલ

સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,
વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;
એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!
કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!
વાયરો સેસુડા જબરા બોલે!
– ચંદ્ર પરમાર

વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
– હરીશ ઠક્કર

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું, જગતથી સહેજે અંજાયા વગર.
– અનિલ ચાવડા

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
– અનિલ ચાવડા

એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા

ચોતરફ આલિંગનો, આલિંગનો આલિંગનો
સાવ ધુંવાધાર છે ઉપદ્રવ વસંતનો!
– ચંદ્રકાન્ત દત્તાણી

વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!
– હિતેન આનંદપરા

રંગ કાચો તું લગાડીને ગયો,
ભાત હૈયે પાકી પાડીને ગયો.
સ્પર્શ એ આછો અછડતો, ને છતાં;
સ્પંદનો ભીતર જગાડીને ગયો.
– અંજના ભાવસાર ‘અંજુ’

હાથ છે લાલ લાલ લોકોના,
લોહી હો કે ગુલાલ, બીજું શું!
– બી. કે. રાઠોડ ‘બાબુ’

રંગ કોઈ હોય ના તો ચાલશે,
આંગળી મૂકી દે મારા ગાલ પર.
– અર્પણ ક્રિસ્ટી

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
– વિવેક મનહર ટેલર

ખૂણા-ખાંચરા ખોળીને,
ઇચ્છાઓની ટોળીને
રંગરંગમાં ઘોળીને
ચાલ, ઉજવીએ હોળીને.
– વિવેક મનહર ટેલર

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.
– વિવેક મનહર ટેલર

ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…
– વિવેક મનહર ટેલર

Comments (16)

(છોકરીની નજરોએ) – અર્પણ ક્રિસ્ટી

છોકરીની નજરોએ કર્યું જ્યાં ‘સ્માઈલ’ ત્યાં છોકરાને ફૂટી ગઈ પાંખો,
છોકરાના સ્પર્શે સીંચાઈને છોકરીમાં મઘમઘ્યો બાગ આખેઆખો.

આંખોની સામે એ છોકરી ના હોય તોય છોકરાને દેખાતી આખી,
છોકરાનું નામ લેતાં છોકરીને લાગે કે જીંદગીને એણે છે ચાખી.
બંનેની નજરો મળે ત્યારે થઈ જાતી ‘લવ લેટર’ બંનેની આંખો.
છોકરીની નજરોએ કર્યું…….

છોકરાની છાતીમાં છોકરીનું રાજ અને છોકરાને લાગે ‘હું રાજા’,
અંગોમાં છોકરીનાં ઊગે છે છોકરો આ, થઈને ફૂલો રોજ તાજાં.
કોરીકટ ધરતી પર તેઓની વરસી હો જાણે કે વાદળીઓ લાખો…
છોકરીની નજરોએ કર્યું….

-અર્પણ ક્રિસ્ટી

છોકરા-છોકરીનાં ગીત કાને પડતાવેંત ર.પા.ની યાદ આવે. પણ ખરી મજા તો ત્યારે આવે, જ્યારે ર.પા. જેવા પૂર્વસૂરીના ખભે ઊભો હોવા છતાં સર્જક પોતાની વાત પોતાની રીતે કહી શકે. પ્રસ્તુત રચના આ વિશેષતા તુર્ત જ અનુભવાય છે. ગીત કોઈ પ્રકારની ટિપ્પણીનું મહોતાજ નથી. સહજસાજ ભાષામાં કવિએ છોકરા-છોકરીની દ્વિપક્ષી પ્રણયકથાને પ્રવાહી લયના તાંતણે બખૂબી વણી લીધી હોવાથી ગીત સાચા અર્થમાં મનનીય થયું છે.

Comments (7)

(એ ક્ષણ પછી) – અર્પણ ક્રિસ્ટી

મેં સહજ મૂક્યો ભરોસો પણ પછી,
પીઠ પાછળ જઈ ઊભો એ જણ પછી.

લોક મોટાભાગના મૃગજળ સમા,
એટલે હું થઈ ગયો’તો રણ પછી.

ઊડતાં તારા સ્મરણ તારા પછી,
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી.

છે શરત, પ્હેલાં સ્વીકારો પિંજરું,
આપવા તૈયાર છે એ ચણ પછી!

આંગળીઓ સાચવી મૂકી દીધી,
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી.

– અર્પણ ક્રિસ્ટી

કેવી સ-રસ ગઝલ! પાંચેય શેર મનનીય…

Comments (7)

ગઝલ – અર્પણ ક્રિસ્ટી

સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.

આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?

જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !

આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !

હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.

નામ પર જેનાં અહીં ટોળાં જમા થઈ જાય છે,
એ જ ઈશ્વરનો હવે દરબાર સૂનો નીકળે.

– અર્પણ ક્રિસ્ટી

Comments (14)