રાખી હૃદયને બાનમાં કેવા કરાવે ખેલ છે
આ લાગણીની જાત આખી કેટલી વંઠેલ છે !

‘બેજાન’ બહાદરપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કુમાર જૈમિની શાસ્ત્રી

કુમાર જૈમિની શાસ્ત્રી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - કુમાર જૈમિની શાસ્ત્રી
ગઝલ - કુમાર જૈમિની શાસ્ત્રીગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

એક પડછાયો ત્વચાના આવરણથી નીકળે
કેટલા રસ્તા નદી થાવા ચરણથી નીકળે

મન-લુભાવન સ્કીમ સોનેરી હરણથી નીકળે
રોજ રામાયણ નવી, સીતાહરણથી નીકળે

પંથ ભૂલ્યાનો ભરોસો ઈશ્વરો પણ ના કરે
જન્મ લઈ પ્રત્યેક જીવ એના શરણથી નીકળે

ડૂબનારા તો વજન ખુદનુંય છોડીને જતા
જે તરે, એને ખબર શું શું તરણથી નીકળે

વૃક્ષ પણ એની અસરથી ગાઢ મૂર્છામાં ઢળે
આખરી નિઃશ્વાસ જ્યાં ખરતા પરણથી નીકળે

– કુમાર જૈમિની શાસ્ત્રી

મનનીય ગઝલ…

 

Comments (4)

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….

Comments (10)