કોઈના માટે ઉતારો ના થયાનો રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.
જિગર જોષી 'પ્રેમ'

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બુદ્ધદેવ દાસગુપ્તા

બુદ્ધદેવ દાસગુપ્તા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

દુઃખ અને સુખ - બુદ્ધદેવ દાસગુપ્તાદુઃખ અને સુખ – બુદ્ધદેવ દાસગુપ્તા

હું તને એક વાઘની વાર્તા કહીશ:
આ વાઘને આખી રાત
તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.

હું તને એક નાગની કથા કહીશ:
આ નાગને પ્રત્યેક પળે
તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા
વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે !
અને તને એની કથા કહેવી છે
કે આ એક એવો પ્રવાસ છે
કે એ ક્યાંય પણ લઈ જાય
અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.

હું તને એક મગરની વાર્તા કહીશ:
આ મગર
તને ઉપલા હોઠોથી ખેંચશે
અને અંદર ને અંદર ડૂબશે
ઊંડા ઊંડા પાણીમાં
ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં
આ બધી જીવનભરનાં સુખદુઃખની વાતો
કહેવી છે આંસુથી.

– બુદ્ધદેવ દાસગુપ્તા

વાર્તાની શૈલીમાં કહેવાયેલું આ કાવ્ય પ્રેમ અને વાસનાના પ્રતીક લઈને શું કહેવા માંગે છે? કવિતાનું શીર્ષક વળી દુઃખ અને સુખ છે (સુખ અને દુઃખ નહીં!)

વાઘ, નાગ અને મગર – એક ચોપગું, એક સરિસૃપ અને એક જળચર. એક સદાનો ભૂખ્યો, એક લીલી લિસ્સી વાસના અને એક આળસુ અકરાંતિયો… આ બધા પ્રાણીઓ આપણા લોહીમાં જ છે… આ બધા પ્રાણીઓ આપણે જ છીએ… આ બધા પ્રાણીઓ આપણી વાસનાભૂખના જ પ્રતીક છે… આપણી અંદરની અતૃપ્ત ઇચ્છાઓ, આપણી અંદરનું મિથ્યાભિમાન, આપણી લાલચ… આપણી આદિમ વૃત્તિઓની કથા એક એવો પ્રવાસ છે જે આપણને આપણી જાણ બહાર ક્યાંય લઈ જાય છે અને ત્યાંથી પરત આવવાનો કોઈ ઉપાય પણ નથી…

Comments (13)