વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
સુરેશ ઝવેરી ‘બેફીકર’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને - સ્વામી વિવેકાનંદ
સુખદ સ્વપ્ન - સ્વામી વિવેકાનંદસુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ

(ખંડ હરિગીત)

જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !

– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)

આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.

જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.

સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.

Comments (7)

વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – સ્વામી વિવેકાનંદ

(મન્દાક્રાન્તા)

તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !

– સ્વામી વિવેકાનંદ
(૦૬-૦૧-૧૮૯૬)
*
To an Early Violet

What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !

– વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.

ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર !!

Comments (17)