દરદથી નીતરતી કવિતાને ખાતર, ચાહે છે બધા મુજને બરબાદ જોવા.
મલમની કરું શૂન્ય કોનાથી આશા? કે મિત્રો જ મારા જખમને ખણે છે.
શૂન્ય પાલનપુરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યેહુદા અમિચાઈ

યેહુદા અમિચાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

બૉમ્બનો વ્યાસ - યેહુદા અમિચાઈ
વિશ્વ-કવિતા:૦૫: - (ઈઝરાઈલ) યેહુદા અમિચાઈ અનુ.: ઇન્દ્રજીત મોગલ
શાંત આનંદ - યેહૂદા અમિચાઈબૉમ્બનો વ્યાસ – યેહુદા અમિચાઈ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુળનો વ્યાસ
લગભગ સાત મીટર હતો.
જેમા પડ્યા હતા
ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા.

અને એમની આજુબાજુ
વેદના અને સમયના એક વધારે વધારે મોટા વર્તુળમાં
વેરવિખેર ઊભાં છે
બે દવાખાનાં અને એક કબરસ્તાન.

સો કિલોમીટરથી વધુ દૂરથી
આવેલી  સ્ત્રીને એના શહેરમાં દફનાવી તે જગા
વર્તુળને વધુ વિસ્તારી દે છે.

અને તેના મૃત્યુ પર આંસુ સારતો એકાકી માણસ
જે દરિયાપારના દેશમાં રહે છે
આખી દુનિયાને વર્તુળમાં સમાવી દે છે.

અને હું કાંઈ નહીં કહું,
અનાથ બાળકોનાં હિબકાં વિશે
જે ઈશ્વરના સિંહાસન સુધી ને એનાથી ય આગળ પહોંચે છે
અને
એક અનંત અને ઈશ્વરવિહોણું વર્તુળ રચે છે.

– યેહુદા અમિચાઈ

બૉમ્બની વિનાશશક્તિને blast radiusથી મપાય છે. પણ બૉમ્બના ખરું વિનાશવર્તુળ તો એનાથી ક્યાંય વધારે મોટું હોય છે. આ વાત બધા બૉમ્બને સમાન રીતે લાગુ પડે છે : એ ભલે પછી રેલ્વે સ્ટેશન પર ફૂટેલા બૉમ્બ હોય,  ‘તાજ’માં ફૂટેલા બૉમ્બ હોય, સરહદ પર ફૂટતા બૉમ્બ હોય,  હિરોશિમા પર ઝીંકાયેલા બૉમ્બ હોય કે પછી એ બૉમ્બ હોય કે જે પાકીસ્તાન પર નાખવા માટે લોકો થનગની રહ્યા છે.

(મૂળ હિબ્રૂ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી)

Comments (17)

વિશ્વ-કવિતા:૦૫: – (ઈઝરાઈલ) યેહુદા અમિચાઈ અનુ.: ઇન્દ્રજીત મોગલ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.

યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ

ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…

યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.

Comments (4)

શાંત આનંદ – યેહૂદા અમિચાઈ

જ્યાં મેં પ્રેમ કર્યો હતો એ સ્થળ પર હું ઊભો છું.
વરસાદ વરસે છે. વરસાદ મારું ઘર છે.

ઝુરાપાના શબ્દોને હું વિચારું છું; એક દ્રશ્ય
શક્યતાના છેક છેવાડાની ધાર પર ઊભરાય છે.

મને યાદ છે તું હાથ હલાવતી
જાણે કે મારી બારી પરથી ધુમ્મસ લુછતી હોય એમ.

અને તારો ચહેરો જાણે કે મોટો થયેલો
જૂના ઝાંખા ફોટામાંથી.

એક વાર મેં મારી જાત અને બીજાઓ સાથે
ભયંકર ખોટું કર્યું હતું.

પણ દુનિયા સુંદર રીતે નિર્માણ થયેલી છે સારું કરવા માટે
અને વિસામા માટે; બગીચાના બાંકડા જેવી.

અને જીવનમાં મોડેમોડે મને જાણ થઈ
શાંત આનંદની,
કોઈ ગંભીર રોગ બહુ મોડેમોડે ઓળખાયો હોય એમ.

હવે જરીક અમથો સમય રહ્યો છે શાંત આનંદ માટે.

યેહૂદા અમિચાઈ

હીબ્રુ કવિનું આ કાવ્ય સુરેશ દલાલે અનુવાદિત કરેલું છે. આ મારા અત્યંત પ્રિય કાવ્યોમાંથી એક છે. બહુ થોડા કાવ્યોમાં એવી તાકાત હોય છે કે જીવનને એક નવો દ્રષ્ટિકોણ આપી શકે. આ કાવ્ય એમાંથી એક છે. બહુ મોડું થઈ જાય એ પહેલા આપણે આપણો પોતાનો શાંત આનંદ શોધવો જ રહ્યો.

Comments (5)