ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શૈલેન રાવલ

શૈલેન રાવલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(આવશે) - શૈલેન રાવલ
(રાતરાણી છે) - શૈલેન રાવલ(રાતરાણી છે) – શૈલેન રાવલ

દુઃખતી નસ તેં ફરી દબાવી છે,
બંધ મુઠ્ઠી વળી ઉઘાડી છે.

નીંદ પર સ્વપ્નના ગુના આવ્યા,
જિંદગીને આમ તેં ફસાવી છે.

એક ખોબાને હું તરસતો’તો;
એણે આખી નદી પચાવી છે.

તું મને મારી પાસે રહેવા દે,
માંડ પીડાને ફોસલાવી છે.

ઓળખી લે સ્વરૂપ ઝાકળનું !
એ અગમ તત્ત્વની નિશાની છે.

જામતી રાતે મહેંકવાની છે;
આ ગઝલ દોસ્ત, રાતરાણી છે.

– શૈલેન રાવલ

પ્રેમ એ સમર્પિત થઈ જવાની લગણીનું બીજું નામ છે એ સાચું પણ સાથે એ પણ સાચું કે પ્રેમ એટલે પારાવાર પીડાનું શાશ્વત સરનામું. પ્રેમમાં તકલીફની કોઈક ક્ષણે તો આપણે ચિત્કારી જ ઊઠીએ કે મારે સમર્પિત નથી થવું. મને મારી જ પાસે રહેવું છે કેમકે પ્રેમમાં સમર્પણ અપેક્ષા પણ જન્માવે જ છે અને અપેક્ષા જન્મ આપે છે પીડાને. કવિ કદાચ એટલે જ પોતાને પોતાની પાસે જ રહેવા દેવાની માંગણી કરે છે. અને છેલ્લો રાતરાણીવાળો શેર તો અદભુત થયો છે, ગઝલ આખી મઘમઘ કરી દે એવો !

Comments (7)

(આવશે) – શૈલેન રાવલ

 

આવશે તો મન મૂકીને આવશે,
પંખીઓ થોડા પૂછીને આવશે ?

બારીઓ થોડી ઉઘાડી રાખીએ,
લહેરખી શીળી ઝૂમીને આવશે.

ખૂબ ઊંચા બારણાં રાખ્યા ભલે,
જે વિવેકી છે, ઝૂકીને આવશે.

ઈશ્વરી વરદાન હો જે હાથને,
કોઈના અશ્રુ લૂછીને આવશે.

ટિખળી બાળક સમો તડકો ફરે,
એ તિરાડેથી છૂપીને આવશે !

અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી-
સ્કૂલથી જ્યારે છૂટીને આવશે.

મહેંક માટીની ગમે ત્યાંથીય પણ,
સરહદો કપરી કૂદીને આવશે !

– શૈલેન રાવલ

વાંકાનેરથી કવિ શૈલેન રાવલ એમનો બીજો ગઝલ સંગ્રહ “એ વાત છે અલગ” લઈને આવ્યા છે. કવિનું અને સંગ્રહનું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે.

ખૂબ જ સરળ શબ્દો અને સહજ બાનીમાં લખાયેલી આ રચના સાદ્યંત સંતર્પક છે. ભીતરની બારીઓ ખુલ્લી રાખીએ તો ઠંડી લહેરખી આવ્યા વિના રહેવાની નથી એ વાત કેવી મજાની રીતે કહેવાઈ છે ! અને ગમે એવા ઊંચા સ્થાને પહોંચ્યા પછી પણ વિવેકી માણસ પોતાનો વિવેક ચૂકતો નથીવાળો શેર તો સવિશેષ સ્પર્શી ગયો.

Comments (6)